Surat: ઘરકામના બહાને ઘરમાંથી ચોરી કરતી આંતર રાજ્ય ટોળકીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી
સુરત શહેરના વેસુ વિસ્તારના એક બંગલામાં ઘરકામ કરવાના બહાને કામ મેળવી મકાન માલિકનો વિશ્વાસ જીતી બંગલામાંથી લાખોના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરનાર આંતરરાજ્ય ટોળકીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડી છે.
ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સક્રિય ચોર ટોળકીઓનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે સુરત શહેરના વેસુ વિસ્તારના એક બંગલામાં ઘરકામ કરવાના બહાને કામ મેળવી મકાન માલિકનો વિશ્વાસ જીતી બંગલામાંથી લાખોના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરનાર આંતરરાજ્ય ટોળકીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડી છે. જેમાં 4 મહિલા સહીત 5 લોકોની પોલીસે ધરપકડ કરી છે.
બાતમીના આધારે પોલીસની કાર્યવાહી
સુરતના વેસુ વિસ્તારમાં થોડા દિવસ પહેલા ચોરીની ઘટના બની હતી જેને લઈ સુરત ક્રાઇમ બ્રાન્ચ આ ઘટનાની તપાસમાં જોતરાઈ હતી જેમાં ક્રાઈમ બ્રાંચના PSI ચિત્તે અને તેની ટીમને ખાનગી રાહે મળેલી માહિતીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. જે કાર્યવાહીમાં આ ચોર ટોળકી પોલીસને હાથે લાગી છે.
ચોરી કરી પોતાના વતનમાં છુપાવતા હતા દાગીના
આંતર રાજ્ય ચોરી કરતી ગેંગ બિહારમાં રહેતી હોવાની માહિતી મળતાજ પોલીસની એક ટીમ બિહાર ખાતે પહોંચી હતી. જ્યાં પોલીસે અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલ ત્રણ મહિલાઓને પકડી કડક પૂછપરછ કરતા ઘણા બધા ગુનાઓ કબુલ કર્યા હતા. કબુલાતમાં આ મહિલાઓએ જણાવ્યું કે, ત્રણેય મહિલાઓ ભેગી મળી એકબીજાની મદદથી ગત 24-02-2023 ના રોજ સુરતના વેસુ વિસ્તારમાં આવેલા એક બંગલોમાં કામ કરવાના બહાને આવી બંગલોમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી.
તે દાગીના પોતાના વતનના ઘરે રાખેલા હોવાની પણ કબુલાત કરી હતી. સાથે બીજી એક મદદ કરનાર મહિલા અને એક યુવક જે રોડ પર ઉભો રહી રેકી કરતો હતો જેની સાથે મળી ચાર મહિલા સહીત પાંચ લોકોની ટીમ આ ચોરીમાં ભાગીદાર હતી જેની પોલીસે ધરપકડ કરી છે.
અન્ય રાજ્યોમાં પણ ચોરી કરી હોવાની કબુલાત
પોલીસની સક્રિય કામગીરીને કારણે સુરત શહેરના વેસુ ખાતે આવેલ સિદ્ધિ વિનાયક મંદિર સામે વ્રજભૂમિ બંગલોમાં સોનાના દાગીના 20 તોલા જેની કિંમત કુલ 7.80 લાખના મતાની ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. મહત્વનું છે કે, સુરતના વેસુ સિવાઈ અન્ય એક ચોરી તેમજ દિલ્હી તથા પંજાબના લુધિયાણા, અમૃતસર તથા પશ્ચિમ બંગાળના કલકત્તા શહેરમાં તથા ઓરિસ્સાના કટક અને ભુવનેશ્વર, પુરી શહેરમાં પણ ચોરી કરેલાની કબુલાત કરી હતી.
આ પણ વાંચો : કોંગ્રેસના પૂર્વ મહિલા મોરચાના પ્રમુખ મેઘના પટેલની મુસીબતમાં વધારો, પાસા કરી અમદાવાદ જેલમાં મોકલાઈ
પોશ વિસ્તારમાં આવેલા ઘરોને કરાતા હતા ટાર્ગેટ
આરોપીઓની મોડસ ઓપરેન્ડી એવી હતી કે શહેરના પોશ વિસ્તારમાં આવેલા ઘરોમાં જઈ પોતાને નોકરીની જરૂરિયાત હોવાનું જણાવતા હતા. સાથે પોતાની ઘરની પરિસ્થિતિ સારી ન હોવાનું જણાવી ઘર માલિકનો વિશ્વાસ કેળવી નોકરી મેળવતા હતા અને ત્યારબાદ મકાનમાં કીમતી સામાન ક્યાં રાખ્યો છે તેની રેકી કરી ઘર માલિકની નજર બહાર મકાનમાંથી કીમતી સામાન તથા સોના ચાંદીના ઘરેણા તેમજ રોકડ રકમની ચોરી કરી આ ટોળકી ફરાર થઇ જતી હોવાની કબુલાત કરી હતી.