ગુજરાતના એ વેપારી કોણ ? જેને મળવા માંગે છે જેલમાં કેદ રહેલ રાજા રધુવંશીની હત્યારી પત્ની સોનમ
Sonam Raghuvanshi latest news : મધ્યપ્રદેશથી મેધાલયના શિલોગમાં હનીમુન પર ગયેલા રાજા રઘુવંશીની તેની જ પત્નિ સોનમ રઘુવંશીએ, અન્યોની મદદથી કરપીણ હત્યા કરી નાખી હતી. શિલોંગ જેલમાં બંધ સોનમ રઘુવંશીએ ગુજરાતના એક વેપારીને મળવાની ઇચ્છા વ્યક્ત કરી, ત્યારે રાજા રઘુવંશી હત્યા કેસમાં એક નવો વળાંક આવ્યો. આ વેપારી તેના વ્યવસાયિક ભાગીદાર હોવાનું કહેવાય છે.

Raja Raghuvanshi murder case : રાજકીય અને ગુનાહિત જગતમાં પહેલેથી જ ખળભળાટ મચાવી ચૂકેલો રાજા રઘુવંશી હત્યા કેસ હવે વધુ એક નવા વળાંક પર આવી ગયો છે. આ હાઇ-પ્રોફાઇલ કેસ સાથે સંકળાયેલા એક મહત્વપૂર્ણ પાત્ર સોનમ રઘુવંશી છે. જે હાલમાં મેઘાલયના શિલોંગની જેલમાં પોતાના પતિની હત્યાના કેસમાં બંધ છે. જો કે સોનમ રઘુવંશીએ શિલોંગના જેલ પ્રશાસનને એક ખાસ વિનંતી કરી છે. સોનમે કહ્યું છે કે, તે ગુજરાતના એક વેપારીને મળવા માંગે છે, જેને તે તેના વ્યવસાયિક ભાગીદાર તરીકે પણ વર્ણવી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વેપારી માત્ર સોનમ રઘુવંશીના જૂના વ્યવસાયિક ભાગીદાર નથી, પરંતુ હત્યા સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ રહસ્યો પણ જાણતો હોઈ શકે છે. સોનમે, ગુજરાત સ્થિત આ વેપારીને મળવાની વ્યક્ત કરેલ ઇચ્છા અંગે જેલ પ્રશાસનને ઔપચારિક અરજી સુપરત કરી છે. આ વિનંતી પછી, તપાસ એજન્સીઓની ગતિવિધિ વધુ તેજ થવા પામી છે. હવે પ્રશ્ન એ સર્જાયો છે કે શું આ વેપારીને મળવાથી કોઈ નવો સંકેત મળી શકે છે, જેનાથી રાજા રઘુવંશીની હત્યાના રહસ્યને ઉકેલવામાં વધુ કોઈ કાનુની મદદ મળશે ?
તે વેપારી કોણ છે?
તપાસ સાથે સંકળાયેલા અધિકારીઓનું કહેવું છે કે, સોનમ રઘુવંશીએ વ્યક્ત કરેલી આ મુલાકાત ફક્ત વ્યવસાયિક ચર્ચા માટે ના હોઈ શકે. જ્યારે દેશભરમાં આ હાઈપ્રોફાઈલ હત્યા અંગે રાજકીય ગરમાવો છે, ત્યારે ગુજરાત જેવા મોટા વ્યવસાયિક અને કાયદો વ્યવસ્થાની દ્રષ્ટિએ શાંત રાજ્યના વેપારીને એકાએક મળવાથી ઘણી શક્યતાઓ ઉભી થાય છે. આ વેપારીની ઓળખ અત્યાર સુધી ગુપ્ત રાખવામાં આવી છે, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, તે વ્યક્તિ ઘણા રાજ્યોમાં ફેલાયેલા વ્યવસાયિક નેટવર્ક સાથે જોડાયેલ છે અને તેનો ભૂતકાળ પણ કેટલાક વિવાદોથી ખરડાયેલો રહ્યો છે.
હવે વહીવટીતંત્ર સોનમની ઈચ્છા અનુસાર ગુજરાતના વેપારી સાથેની મુલાકાતને મંજૂરી આપવી કે નહીં તે અંગે વિચારણા કરી રહ્યું છે. જો પરવાનગી આપવામાં આવે છે, તો આ બેઠક સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ અને તપાસ એજન્સીઓની હાજરીમાં યોજાશે, જેથી કોઈ ગુપ્ત કે ગેરકાયદેસર માહિતીની આપ-લે ના થઈ શકે.
આ બેઠક રાજા રઘુવંશીની હત્યા પાછળના કાવતરાને ઉજાગર કરવામાં એક મહત્વપૂર્ણ કડી પણ સાબિત થઈ શકે છે. હવે બધાની નજર જેલ પ્રશાસન અને તપાસ એજન્સીઓ પર છે કે, તેઓ સોનમ રઘુવંશીની વિનંતી પર શું નિર્ણય લે છે અને શું આ બેઠક હત્યા કેસના સગડને ઉજાગર કરવામાં વધુ મહત્વની અને મુખ્ય ભૂમિકા ભજવશે કે કેમ ?