છેતરપિંડી: મલ્ટીનેશનલ કંપનીનો એચઆર હેડ જણાવી બેન્કમાં ખોલાવ્યા 30થી વધુ સેલરી એકાઉન્ટ, બેન્કના 2 કરોડ રૂપિયા ચાઉ કરી ગયો ઠગબાજ
શાતિર ઠગબાજો સામાન્ય લોકોને છેતરી જાય તેવા કિસ્સા તો તમે સાંભળ્યા હશે પણ બેન્ક સાથે પણ છેતરપિંડી કરે તેવા કિસ્સા ક્યારેક જ સામે આવતા હોય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ઠગબાજ બેન્કના 2 કરોડ રૂપિયા ચાઉ કરી ગયો છે.

બેન્ક સાથે ફ્રોડ કરવાનો વધુ એક મામલો પ્રકાશમાં આવ્યો છે. આ પ્રકારની ફ્રોડની ઘટના હરિયાણાના ગુરૂગ્રામમાં બની છે. એક શાતિર વ્યક્તિએ પોતાને મલ્ટીનેશનલ કંપનીનો એચઆર હેડ જણાવીને બેન્ક પાસેથી 2 કરોડ રૂપિયાની ઠગાઈ કરી છે. ઠગબાજે ખોટી રીતે બેન્કમાં સેલરી એકાઉન્ટ ખોલાવ્યા હતા. ત્યારબાદ તેમાં પૈસા જમા કરીને કાઢી લેતો હતો. બેન્કે ખાતામાં લેણદેણ જોઈને ક્રેડિટ કાર્ડ અને લોન આપી. ત્યારબાદ તે લોન ભરપાઈ કરવામાં આવી નહીં. ત્યારબાદ બેન્ક આ મુદ્દે ફરિયાદ દાખલ કરાવી અને પોલીસે કેસ દાખલ કરીને કેસની તપાસ શરૂ કરી દીધી.
38 સેલરી એકાઉન્ટ ઓપન કરાવ્યા
પોલીસના કહેવા મુજબ આરોપી ઠગબાજે કર્મચારીઓના નામ પર 38 સેલરી એકાઉન્ટ ઓપન કરાવ્યા, 28 ક્રેડિટ કાર્ડ બનાવ્યા અને બે લોન એપ્રુવ કરાવી લીધી. ત્યારબાદ ના તો લોન ચૂકવવામાં આવી અને ના તો ક્રેડિટ કાર્ડની રકમની ચૂકવણી કરવામાં આવી. ત્યારબાદ સુશાંતલોક પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાવવામાં આવ્યો.
HSBC બેન્કના પ્રતિનિધિ સૌરભ અબ્રોલની ફરિયાદ અનુસાર આરોપીઓએ 2 કરોડ રૂપિયાથી વધારેની છેતરપિંડી કરી છે. ઘણા ક્રેડિટ કાર્ડ અને લોન લેનારા લોકો લોન ભરપાઈ કરી રહ્યા નહતા. બેન્ક તરફથી જ્યારે તેમનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમની કોઈ જાણકારી મળી નહીં.
ત્યારબાદ બેન્કે તેમના લેવલ પર તપાસ કરી તો છેતરપિંડી કરવાની વાત સામે આવી. આ ષડયંત્ર ડિસેમ્બર 2022થી જૂન 2023ની વચ્ચે કરવામાં આવ્યું હતું. ફરિયાદમાં કહેવામાં આવ્યું કે સચિન કથૂરિયા નામના એક વ્યક્તિએ પોતાને મલ્ટીનેશનલ કંપનીનો એચઆર બતાવ્યો હતો. તે સેક્ટર 44 બ્રાન્ચમાં બેન્ક કર્મચારીઓને મળ્યો હતો. ત્યાં તેને 38 લોકોને તેમની કંપનીના કર્મચારી જણાવીને તેમના નામથી બેન્કમાં સેલરી એકાઉન્ટ ઓપન કરાવ્યા. આ એકાઉન્ટમાં દર મહિને પગાર જમા થઈ રહ્યો હતો.
બેન્કે 28 ક્રેડિટ કાર્ડ અને બે લોન એપ્રુવ કરી હતી
બેન્કે નિયમિત લેણદેણ જોઈને 28 ક્રેડિટ કાર્ડ અને બે લોન એપ્રુવ કરી હતી પણ ત્યારબાદ તે લોન અને ક્રેડિટકાર્ડની રકમની ચૂકવણી કરવામાં આવી નહીં. જ્યારે બેન્ક આ મામલે તપાસ કરી તો આ એકાઉન્ટમાં સેલરીના નામ પર આવનારા પૈસા ડેબિટ કાર્ડ દ્વારા તરત જ ઉપાડી લેવામાં આવતા હતા.
બેન્કે આપેલા સરનામા પણ ખોટા
બેન્કમાં એકાઉન્ટ ખોલાવવા માટે કર્મચારીઓએ જે સરનામુ આપ્યું હતું, તે પણ ખોટુ હતું. જ્યારે ખાતાધારકોના ફોટોની તપાસ કરવામાં આવી તો તે પણ મેચ ન થઈ. જો કે આ મામલે પ્રાથમિક તપાસ બાદ આરોપી સચિન કથૂરિયા અને અન્યની સામે અલગ અલગ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. બેન્કે જે ચાર અધિકારીઓએ એકાઉન્ટ ખોલ્યા હતા, તેમની સામે પણ તપાસ કરવામાં આવી રહી છે.