ચોર સમજીને નિર્દોષ શ્રમિકને બાંધીને એવો માર માર્યો કે ઘટનાસ્થળે જ તેનું મોત થઇ ગયું, 8 લોકોની ધરપકડ
Mob Lynching in Surat : ફરિયાદી રાહુલે જણાવ્યું કે 23 નવેમ્બરના રોજ સવારે 4 વાગ્યે તેમના મોબાઈલ પર પોલીસનો ફોન આવ્યો કે એક યુવક ગુજરાત હાઉસિંગ બોર્ડના શ્રીરામ નગર પાસે મૃત હાલતમાં પડ્યો છે.
SURAT : સુરતના ઔદ્યોગિક વિસ્તાર સચીન GIDCમાં 7 લોકોએ એક શ્રમિકને ચોર સમજીને તેને થાંભલા સાથે બાંધીને બેરહેમીથી માર માર્યો હતો. ગંભીર ઈજાના કારણે નિર્દોષ શ્રમિકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સચિન પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ હવે આ મામલે વધુ તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રનો રહેવાસી 20 વર્ષીય સમાધાન મગન કોલી સચિનમાં ઈંટના ભઠ્ઠા પર કામ કરતો હતો, તે ત્યાં ઈંટના ભઠ્ઠા પર રહેતો પણ હતો. સોમવારે રાત્રે 2 વાગે સમાધાન શ્રીરામ નગર સોસાયટીમાં એક ઘર પાસેથી જઈ રહ્યો હતો ત્યારે સોસાયટીના રહીશોએ તેને ચોર સમજીને વીજ થાંભલા સાથે બાંધીને માર મારવાનું શરૂ કર્યું હતું.
લોકોએ નિર્દોષ શ્રમિક યુવકને એટલી ખરાબ રીતે માર્યો કે તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. જે બાદ ઘટનાની માહિતી મળતા જ સચિન પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ફરિયાદ નોંધીને શિવ ગંગારામ પાલ, સુબોધ સિંહ શ્રીસુરેશ રામ, લક્ષ્મી માધવ મહંતો, સુરેન્દ્ર જવાહર મહતો, દેવરાજ રામનાથ વિશ્વકર્મા, સુનીલ શ્રીદલકિશન પ્રસાદ અને પપ્પુ કુમાર મુદ્રિકા પ્રસાદ વર્માની ધરપકડ કરી છે. આ મામલે 24 વર્ષીય રાહુલ રાજુ આહિરે સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસે ફરિયાદીને ફોન કર્યો હતો ફરિયાદી રાહુલે જણાવ્યું કે 23 નવેમ્બરના રોજ સવારે 4 વાગ્યે તેમના મોબાઈલ પર પોલીસનો ફોન આવ્યો કે એક યુવક ગુજરાત હાઉસિંગ બોર્ડના શ્રીરામ નગર પાસે મૃત હાલતમાં પડ્યો છે. રાજુ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયો. મકાન નં. 3077 સામે લોકોનું ભારે ટોળું એકત્ર થઈ ગયું હતું. જ્યારે રાજુએ જોયું કે તેના મામાના ગામમાં રહેતો સમાધાન મૃત હાલતમાં પડ્યો હતો.
ચોર હોવાની આશંકાએ ખરાબ રીતે માર મારવામાં આવ્યો પોલીસે જણાવ્યું હતું કે, મંગળવારે સાંજે મૃતક શ્રમિક સમાધાન કોળી ભઠ્ઠા છોડીને કોઈ કામ અર્થે સુરત આવ્યો હતો. બુધવારે વહેલી સવારે લગભગ 4 વાગ્યે તેણે શ્રી રામનગરની શ્રમિક કોલોનીમાં સચિનના ગુજરાત હાઉસિંગ બોર્ડના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. મકાનમાલિક શિવ ગગારામ પાલે દરવાજો ખોલ્યો. તેને સમાધાન ચોર હોવાની શંકા હતી. તેણે તરત જ પડોશીઓને આ અંગે જાણ કરી. પોલીસે કહ્યું કે તરત જ લોકો ભેગા થઈ ગયા અને સમાધાનને પકડી લીધો અને લાકડીઓ તેમજ ઢીકા-પાટુંથી ખરાબ રીતે મારવાનું શરૂ કર્યું.
આ દરમિયાન સ્થાનિક લોકોએ પોલીસને ઘટનાની જાણ કરી હતી. જ્યારે સચિન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે મૃતક યુવકના મોઢા અને શરીરના અન્ય ભાગોમાંથી લોહી નીકળી રહ્યું હતું. જે બાદ પોલીસે મૃતદેહનો કબજો લઈ તેના મોબાઈલ ફોન પરથી સચિન સ્લમ બોર્ડમાં રહેતા તેના પિતરાઈ ભાઈ રાહુલ આહિરને ફોન કરતા તેણે મૃતક યુવકની ઓળખ સમાધાન કોળી તરીકે કરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો : GANDHINAGAR : વાયબ્રન્ટ સમિટ-2022 અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજશે