Gir Somnath: ડો. અતુલ ચગના આત્મહત્યા કેસમાં ભાજપ નેતા અને લોહાણા સમાજના અગ્રણીએ આપ્યું મહત્વનું નિવેદન, જાણો સમગ્ર ઘટના
પોલીસ તપાસના ધમધમાટ વચ્ચે અતુલ ચગની સ્મશાન યાત્રા નીકળી ત્યારે ભારે આક્રંદ મચી ગયું હતું. કોરોનાકાળમાં લોકોની સેવા કરનારા આ તબીબને અંતિમ વિદાય આપવા વેરાવળના સામાજીક અગ્રણીઓ તબીબો સહિત સામાન્ય જનતા પણ જોડાઈ હતી.
ડો.અતુલ ચગના આત્મહત્યાના કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ આગળ ધપાવ્યો છે. ત્યારે ભાજપ નેતા અને લોહાણા સમાજના અગ્રણી ઝવેરી ઠકરારે પોલીસની કામગીરીને લઈ નિવેદન આપ્યું છે કે ડો.ચગની સુસાઈડ નોટના આધારે પોલીસ તટસ્થ તપાસ કરી રહી છે, પોલીસે સાંયોગિક પુરાવા એકત્ર કર્યા છે, મોબાઈલ કોલ ડિટેઈલ્સ આધારે પોલીસે તપાસ શરૂ કરી છે તેમજ જે પણ જવાબદાર હશે તેની સામે કડક કાર્યવાહી થશે તેવો અમને વિશ્વાસ છે.
જાણો શું છે સમગ્ર ઘટના
ગીરના ગરીબોના મસીહા ગણાતા ડોક્ટર અતુલ ચગના આપઘાત કેસમાં રહસ્ય ઘેરાઇ રહ્યું છે. ગીર સોમનાથના વેરાવળના નામાંકિત તબીબ અતુલ ચગે આપઘાત કરતા ખળભળાટ મચી ગયો હતો. તબીબે લખેલી સુસાઇડ નોટે કંઇક અલગ જ ઇશારો કરી રહી છે. સૌથી મોટો સવાલ એ સર્જાય કે કોણ છે નારણ અને રાજેશ ચુડાસમા. સુસાઇડ નોટમાં તબીબે લખેલા નામોની તટસ્થ તપાસની માગ પરિજનોએ કરી છે. તો લોહાણા સમાજ અને સાથી તબીબોએ પણ રાજકીય દબાણ હેઠળ આવ્યા વિના પોલીસ તપાસનો મુદ્દો ઉઠાવ્યો છે. તબીબના આપઘાતને 24 કલાક વીતી ગયા છે
વેરાવળના ચકચારી ડોક્ટર અતુલ ચગના આપઘાત કેસમાં પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ આપઘાત કેસમાં વેરાવળ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. અને મૃતક તબીબનો મોબાઇલ કબ્જે લીધો છે. તાલુકા પોલીસ અતુલ ચગનો ફોન તપાસ માટે FSLમાં મોકલી શકે છે. મોબાઇલ તપાસમાં ખુલાસો થશે કે ડૉક્ટર અતુલ ચગે છેલ્લે કોની કોની સાથે વાત કરી હતી અને કયા કયા લોકો સાથે તેમના કેવા સંબંધો હતો.
શક્ય છે કે સુસાઇડ નોટમાં જે બે નામોનો ઉલ્લેખ છે તેમની સાથેના સંબંધો કે વ્યવહારોનો પણ ખુલાસો થઇ શકે છે. પોલીસ અધિકારીઓનો દાવો છે સુસાઇડ નોટ એક મોટો પુરાવો સાબિત થઇ શકે છે, પરંતુ તેમા કોઇ કારણ લખ્યું ન હોવાથી, સુસાઇડ નોટના લખાણની તપાસ કરાશે તો સુસાઇડ નોટમાં લખાયેલા નામો અંગે પણ પોલીસ અધિકારીએ સ્પષ્ટતા કરી હતી.
આપઘાતનું સાચું કારણ જાણવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે. જો કે સમગ્ર પંથકમાં એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે કોઈ મોટી નાણાકિય લેવડ દેવડના કારણે ચિંતામાં હોવાથી તેમણે આ પગલુ ભર્યું હોઈ શકે. ચર્ચાઓ એવી પણ થઈ રહી છે કે આ ઘટનામાં મોટા રાજકીય નેતાઓની પણ સંડોવણી હોઈ શકે છે. જો કે સાચી હકીકત શું છે તે તો પોલીસ તપાસ બાદ જ સામે આવશે. તબીબ પત્નીથી અલગ એકલવાયું જીવન જીવતા હતા.
સુસાઈડ નોટમાં લખેલા નામો પર રહસ્ય
અહીં સૌથી મોટો સવાલ એ સર્જાય કે ડોક્ટર ચગે આપઘાત કેમ કર્યો. ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે પહોંચેલી પોલીસના હાથે એક સુસાઇડ નોટ લાગી છે. ડોક્ટર ચગે આપઘાત કરતા પહેલા લખેલી સુસાઇડ નોટમાં જે બંને લોકોના નામે છે તેને લઇને હાલ ભારે સસ્પેન્શ સર્જાયું છે. આ સુસાઇડ નોટમાં નારણભાઇ અને રાજેશ ચુડાસમાના કારણે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કરાયો છે.
મહત્વપૂર્ણ છે કે ડોક્ટર ચગને ઉદ્યોગકારો સહિત રાજકીય હસ્તીઓ સાથે ધરોબો હતો. આધારભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ડોક્ટર અતુલ ચગે આર્થિક કારણોસર આપઘાત કર્યો હોઇ શકે છે. ત્યારે પોલીસે હાલ આશંકાની થીયરી પર તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
તો પોલીસ તપાસના ધમધમાટ વચ્ચે અતુલ ચગની સ્મશાન યાત્રા નીકળી ત્યારે ભારે આક્રંદ મચી ગયું હતું. કોરોના કાળમાં લોકોની સેવા કરનારા આ તબીબને અંતિમ વિદાય આપવા વેરાવળના સામાજીક અગ્રણીઓ તબીબો સહિત સામાન્ય જનતા પણ જોડાઈ હતી.