રાજ કુંદ્રાની કંપની વિરુદ્ધ અમદાવાદના વેપારીએ કરી ફરિયાદ, આ રીતે 3 લાખની છેતરપીંડી કર્યાનો લગાવ્યો આરોપ
રાજ કુંદ્રાની કંપની પર અમદાવાદના એક વેપારીએ ફરિયાદ કર્યાના અહેવાલ આવ્યા છે. ફરિયાદ પ્રમાણે અમદાવાદના હિરેન સાથે 3 લાખની છેતરપીંડી થઇ છે.
અશ્લીલ કન્ટેન્ટ બનાવવા અને વેચવાના મામલે જેલમાં રહેલા ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની તકલીફો અટકવાનું નામ નથી લઈ રહી. અશ્લીલ વિષયવસ્તુના કેસમાં ઝડપાયા બાદ હવે રાજ કુંદ્રાની કંપની વિયાન ઇન્ડસ્ટ્રીઝ પર છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. આ આરોપ અમદાવાદમાં રહેતા એક દુકાનદારે કર્યો છે. આ દુકાનદારનું નામ હિરેન પરમાર છે. હિરેને આ મામલે રાજ કુંદ્રાની કંપની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
મુંબઈ ક્રાઈમ બ્રાંચ અને સાયબર સેલમાં ઓનલાઈન ફરિયાદ
હિરેન પરમારે રાજ કુંદ્રાની કંપની પર ઓનલાઈન ક્રિકેટ સ્કીલ બેસ્ટ ગેમના ડિસ્ટ્રિબ્યુટર બનાવવાના બદલામાં આશરે 3 લાખ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ મૂક્યો છે. હાલમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને તે પછી જ એફઆઈઆર મુજબ પગલા ભરશે. એક અહેવાલ મુજબ રાજ કુંદ્રાની કંપની વિરુદ્ધ મુંબઈ ક્રાઈમ બ્રાંચ અને સાયબર સેલમાં ઓનલાઈન ફરિયાદ નોંધાઈ છે.
રાજ કુંદ્રાની કંપની પર લાખોની છેતરપિંડીનો આરોપ
હિરેન પરમારે પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે વિયાન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તેને વચન આપવામાં આવ્યું હતું કે તેમને ‘Game of Dot’ નો ડિસ્ટ્રિબ્યુટર બનાવવામાં આવશે, પરંતુ તે થયું નહીં. પોલીસ અધિકારીઓને ટાંકીને ખાનગી સમાચારના અહેવાલમાં એવું લખ્યું છે કે જ્યારે કંપની પોતાનું વચન પાળ્યું નહીં, ત્યારે હિરેન પરમારે કંપની પાસે તેના 3 લાખ રૂપિયા માંગ્યા, જે તેણે આ ઓનલાઇન ક્રિકેટ આધારિત ગેમમાં રોક્યા હતા. પરંતુ તેને પૈસા મળ્યા ન હતા. કંપની તરફથી જવાબ પણ મળ્યો નહીં.
અનેક સાથે છેતરપિંડીનો દાવો
અહેવાલમાં જણાવ્યા અનુસાર અધિકારીઓએ એમ પણ કહ્યું હતું કે ફરિયાદી હિરેન પરમારનો દાવો છે કે તેણે આ મામલે વર્ષ 2019 માં ગુજરાત સાયબર ડિપાર્ટમેન્ટમાં પણ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ પછી, જ્યારે રાજ કુંદ્રાની અશ્લીલ સામગ્રી બનાવવા અને વેચવા બદલ ધરપકડ કરવામાં આવી ત્યારે તેણે મુંબઈ પોલીસનો સંપર્ક કર્યો. પરમારે એવો દાવો પણ કર્યો છે કે તેમના જેવા ઘણા લોકો છે, જેમની પાસેથી રાજ કુંદ્રાની કંપની દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે રાજ કુંદ્રાને અશ્લીલ સામગ્રીના કેસમાં 19 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. રાજ કુંદ્રા હાલમાં બાયકુલા જેલમાં બંધ છે. આજે તેની કસ્ટડીનો અંતિમ દિવસ છે. એવું માનવામાં આવે છે કે મુંબઈ ક્રાઈમ બ્રાંચ આજે કોર્ટમાં ઉદ્યોગપતિના રિમાન્ડને વધારવાની માંગ કરી શકે છે.
આ પણ વાંચો: અમદાવાદમાં થઇ રહી છે શિલ્પાના ફોન-લેપટોપની તપાસ! નવા પુરાવા સામે આવ્યા બાદ ફરીથી થઈ શકે છે પૂછપરછ