Ahmedabad: એનજીઓ ચલાવનાર લોકો સાથે સરકારી ગ્રાન્ટ અપાવવાના નામે થઈ ઠગાઈ, પોલીસે આ ચીટરની કરી ધરપકડ
સરકારી ગ્રાન્ટ અપાવવા લાલચ આપી પૈસા માંગી છેતરપિંડી કરનાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે. આરોપી લોકોને સરકારી ગ્રાન્ટના નાણાં અપાવવાની લાલચ આપતો. બાદમાં પ્રોસેસ કરવાના નામે અને પૈસા કઢાવવાના નામે લાખો રૂપિયા પડાવી લેતો હતો.
Ahmedabad: કોઈ તમને સરકારી ગ્રાન્ટ અપાવવા લાલચ આપી પૈસા માંગે તો ચેતજો. કેમકે આવા વચેટિયાઓ તમને ખાલી કરી નાખશે અને પછી તમારે રોવાનો વારો આવશે. શહેરમાં અનેક એનજીઓ સંચાલકોને આવી જ ઘટનાનો ભોગ બનવાનો વારો આવ્યો. જોકે હવે પોલીસે એક આરોપીને પકડી લેતા મામલો સામે આવ્યો. તસવીરમાં દેખાતો આ શખ્સ છે ચંદ્રકાન્ત મોવડીયા. જે લોકોને સરકારી ગ્રાન્ટના નાણાં અપાવવાની લાલચ આપે છે. બાદમાં પ્રોસેસ કરવાના નામે અને પૈસા કઢાવવાના નામે લાખો રૂપિયા પડાવી લે છે. આરોપીએ અનેક એનજીઓ સંચાલકો ને આ રીતે છેતર્યા છે. જે બાબતે પોલીસ ફરિયાદ થતા એલસીબ્રિજ પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યો છે.
આરોપી ચંદ્રકાન્ત મોવડીયા મૂળ અમદાવાદનો છે. જેણે એક એનજીઓ સંચાલક પાસે 1 કરોડની ગ્રાન્ટ અપાવાના નામે પાંચ લાખ પડાવ્યા હતા. આરોપીએ અન્ય મહિલાઓ સાથે સરકારી સહાય માંથી સિલાઈ મશીન, ઔડામાં મકાન, બ્યુટી પાર્લર ચલાવવા સરકારી સહાય કે ગ્રાન્ટના નામે અનેક મહિલાઓ સાથે ઠગાઈ કરી છે. આરોપીએ ચારથી વધુ મહિલાઓ પાસે અલગ અલગ ગ્રાન્ટ, રકમ કે સહાયના નામે દસેક લાખથી વધુની રકમ પડાવી હોવાનું સામે આવ્યું છે.
હાલ આરોપીની પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે. સાથે જ આરોપી કેટલા સમયથી કેટલા લોકો સાથે આ રીતે ઠગાઈ કરી ચુક્યો છે તે આંકડો જાણવા તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: શું તમે બેરોજગાર છો? સરકારની આ યોજના તમને આર્થિક સહાય આપશે, જાણો યોજના અને અરજી કરવાની પ્રક્રિયા વિશે
આ પણ વાંચો: IBPS PO Mains Result 2021-22: IBPS PO મેઈન્સનું પરિણામ થયું જાહેર, અહીં સીધી લિંક પરથી કરો ચેક