Ahmedabad: કારમાં ચાલતા ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ, પાલડી પોલીસે 2 શખ્સોની કરી ધરપકડ, જાણો સમગ્ર મામલો
અમદાવાદ શહેરમાં કારમાં ચાલતા ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ થયો છે. પાલડી પોલીસે પેટ્રોલીંગ દરમિયાન ટી-સ્ટોલ પર જાહેર રોડ પરથી જેગુઆર ગાડીમાં બે ઈસમોને ઝડપી લીધા છે.
Ahmedabad: શહેરમાં કારમાં ચાલતા ડબ્બા ટ્રેડિંગનો (Illegal trading) પર્દાફાશ થયો છે. પાલડી પોલીસે પેટ્રોલીંગ દરમિયાન ટી-સ્ટોલ પર જાહેર રોડ પરથી જેગુઆર ગાડીમાં બે ઈસમોને ઝડપી લીધા છે. આરોપીઓ પાસેથી મોંઘીદાટ કાર અને મોંઘા ફોન કબ્જે કરવામાં આવ્યા છે. કઈ રીતે આરોપીઓ કારમાં કરતા હતા ડબ્બા ટ્રેડિંગ જાણો આ અહેવાલમાં. પાલડી પોલીસની ગિરફતમાં દેખાતા આ બંને આરોપીઓના નામ છે પ્રદીપ મોર્ય અને દેવેન શાહ. આરોપીઓ કારમાં બેસીને ગેરકાયદેસર શેરની લે વેચ કરીને સરકાર સાથે ઠગાઈ આચરતા હતા.
પાલડી પોલીસની ટિમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે, વિસ્તારમાં આવેલી એક ટી સ્ટોલ પર કારમાં બે ઈસમો ગેરકાયદેસર શેર બજારનું કામ કરે છે, જેથી પાલડી પોલીસે રેડ કરીને તપાસમાં કારમાં બે ઈસમો મોબાઈલમાં શેરનાં ભાવતાલ જોઈને સતત ફોન પર વાતચીત કરતા નજરે પડ્યા હતા. કારમાં સવાર પ્રદિપ મોર્ય નામનો યુવક ઓઢવ વિસ્તારમાં રહેતો હોવાનું અને અન્ય અન્ય વ્યક્તિ આનંદનગરનાં દેવેન શાહ નામનાં હોવાનું ખુલ્યું હતું.
આરોપીઓનાં મોબાઈલમાં ચેટ તપાસતા પોરબંદરનાં હેમેન્દ્ર નામનાં ઈસમ સાથે શેરની લેવેચની વાતચીત મળી આવી હતી. આરોપીઓની પુછપરછ કરતા તેઓ મિત્રો અને ઓળખીતા થકી શેરબજારમાં સોદા કરતા હોવાનું જણાવ્યું હતું અને જે શેર લે-વેચનાં સોદાથી નફો કે નુકશાન થતુ હતુ તે રોકડેથી વ્યવહાર કરતા હોવાનું જણાવ્યું હતું. અને રોકડેથી વ્યવહાર થતો હોવાથી સેબીની ગાઈડલાઈન મુજબ કાયદેસરની નોંધણી કરવી પડતી ન હોવાથી સરકારને કોઈ પણ જાતનો ટેક્સ ચુકવવો પડતો ન હોવાથી આ પ્રવૃતિ આચરતા હોવાનું ખુલ્યું હતું.
આ મામલે પાલડી પોલીસે બન્ન ઈસમો પાસેથી 2 મોબાઈલ ફોન અને એક જેગુઆર ગાડી સહિત 25 લાખ 88 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જ્યારે આ ગુનામાં સામેલ અન્ય બે આરોપીઓની ધરપકડની તજવીજ હાથ ધરી છે. સાથે જ આ બે આરોપીઓ કેટલા સમયથી ડબ્બા ટ્રેડિંગ કરતા હતા તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે.