બાબા સિદ્દીકીની શનિવારે રાત્રે મુંબઈના બાંદ્રામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં સામેલ ત્રણમાંથી બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ હત્યાની સમગ્ર શંકા લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફ જતી હોય તેવું લાગી રહ્યું છે. મુંબઈ પોલીસે પણ આ વાતની પુષ્ટિ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે બાબાની હત્યા કરનારા આરોપી બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રારની ગેંગ સામે સતત કાર્યવાહી કરી રહી છે.
NIAએ ગેંગસ્ટર ટેરર કેસમાં લોરેન્સ બિશ્નોઈ, ગોલ્ડી બ્રાર સહિત ઘણા કુખ્યાત ગેંગસ્ટરો સામે ચાર્જશીટ દાખલ કરીને મોટો ખુલાસો કર્યો છે. NIAએ લોરેન્સ બિશ્નોઈ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગની તુલના દાઉદ ઈબ્રાહિમ સાથે કરવામાં આવી છે. લોરેન્સ બિશ્નોઈ દાઉદ ઈબ્રાહિમના રસ્તે ચાલ્યા છે. NIAએ તેની ચાર્જશીટમાં કહ્યું છે કે લોરેન્સ બિશ્નોઈ અને તેની આતંકી સિન્ડિકેટ અભૂતપૂર્વ રીતે વિસ્તરી છે. જેવી રીતે દાઉદ ઈબ્રાહિમે 90ના દાયકામાં નાના-નાના ગુના કરીને પોતાનું નેટવર્ક બનાવ્યું હતું.
દાઉદ ઈબ્રાહિમે ડ્રગ્સ સ્મગલિંગ, ટાર્ગેટ કિલિંગ, ખંડણી રેકેટ દ્વારા પોતાનું સામ્રાજ્ય બનાવ્યું અને પછી તેણે ડી કંપની બનાવી. પછી તેણે પાકિસ્તાની આતંકવાદીઓ સાથે ગઠબંધન કર્યું અને પોતાનું નેટવર્ક વિસ્તાર્યું હતું. દાઉદ ઈબ્રાહિમ અને ડી કંપનીની જેમ બિશ્નોઈ ગેંગની શરૂઆત નાના ગુનાઓથી થઈ હતી. પછી તેણે પોતાની ગેંગ બનાવી અને બિશ્નોઈ ગેંગે ઉત્તર ભારત પર કબજો જમાવ્યો છે.
બિશ્નોઈ ગેંગ કેનેડિયન પોલીસ અને ભારતીય એજન્સી દ્વારા વોન્ટેડ સતવિંદર સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રાર દ્વારા ઓપરેટ કરી રહી છે. NIAએ જણાવ્યું છે કે બિશ્નોઈ ગેંગમાં 700 થી વધુ શૂટર્સ છે, જેમાંથી 300 પંજાબ સાથે સંકળાયેલા છે. બિશ્નોઈ અને ગોલ્ડી બ્રારના ફોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ દ્વારા અપલોડ કરવામાં આવ્યા હતા. જ્યારે બિશ્નોઈને કોર્ટમાં લાવવામાં આવી રહ્યા હતા ત્યારે ફોટા અને વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા હતા અને આ રીતે ગેંગનો પ્રચાર કરવામાં આવ્યો હતો. બિશ્નોઈ ગેંગે વર્ષ 2020-21 સુધી ખંડણીમાંથી કરોડો રૂપિયાની કમાણી કરી હતી અને તે પૈસા હવાલા દ્વારા વિદેશ મોકલવામાં આવ્યા હતા.
લોરેન્સ બિશ્નોઈનું ક્રાઈમ સામ્રાજ્ય ભારતના 11 રાજ્યો અને 6 દેશોમાં ફેલાયેલું છે. NIA અનુસાર એક સમયે બિશ્નોઈની ગેંગ માત્ર પંજાબ સુધી જ સીમિત હતી, પરંતુ તેના ચાલાક મન અને તેના નજીકના મિત્ર ગોલ્ડી બ્રારથી તેણે હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનની ગેંગ સાથે ગઠબંધન કરી અને મોટી ગેંગ બનાવી છે. બિશ્નોઈ ગેંગ હવે ઉત્તર ભારત, પંજાબ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન અને ઝારખંડમાં ફેલાયેલી છે. સોશિયલ મીડિયા અને અન્ય વિવિધ પદ્ધતિઓ દ્વારા યુવાનોને ગેંગમાં ભરતી કરવામાં આવે છે. લોરેન્સ બિશ્નોઈનું સામ્રાજ્ય યુએસએ, અઝરબૈજાન, પોર્ટુગલ, યુએઈ અને રશિયા સુધી વિસ્તરેલું છે.
યુવાનોને કેનેડા અથવા તેમની પસંદગીના દેશમાં શિફ્ટ કરવાની લાલચ આપીને ગેંગમાં ભરતી કરવામાં આવે છે. NIA અનુસાર પાકિસ્તાનમાં રહેતો ખાલિસ્તાની આતંકવાદી હરવિંદર સિંહ રિંદા પંજાબમાં ટાર્ગેટ કિલિંગ અને ગુનાહિત ગતિવિધિઓ કરવા માટે બિશ્નોઈ ગેંગના શૂટર્સનો ઉપયોગ કરે છે. થોડાં દિવસો પહેલા NIAએ લોરેન્સ બિશ્નોઈ, ગોલ્ડી બ્રાર સહિત કુલ 16 ગેંગસ્ટરો વિરુદ્ધ UAPA હેઠળ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
Published On - 1:44 pm, Sun, 13 October 24