Breaking News : અમદાવાદમાં માથુ ઉચકતો કોરોના, વિવિધ વિસ્તારમાં નોંધાયા 7 કેસ, તમામને કરાયા આઈસોલેટ

ભારતની સાથેસાથે અમદાવાદ શહેરમાં ફરીથી કોરોના વાયરસના કેસોમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા થોડા દિવસોમાં અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી કોરોના સંક્રમણના નવા સાત કેસ નોંધાયા છે, જેના કારણે આરોગ્ય વિભાગ અને મહાનગરપાલિકા સતર્ક બની ગઈ છે.

Breaking News : અમદાવાદમાં માથુ ઉચકતો કોરોના, વિવિધ વિસ્તારમાં નોંધાયા 7 કેસ, તમામને કરાયા આઈસોલેટ
| Edited By: | Updated on: May 20, 2025 | 8:41 PM

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેરના વટવા, દાણીલીમડા, નારોલ, ગોતા, નવરંગપુરા અને બોપલ વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. હાલના તમામ દર્દીઓને તાત્કાલિક આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને તેમના સંપર્કમાં આવેલા વ્યક્તિઓનો સંપર્ક કરીને તેમના પણ આરોગ્યની ચકાસણી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કુલ 4 પુરુષ અને 3 મહિલા દર્દીઓ કોરોના પોઝિટિવ જણાયા છે.

આરોગ્ય વિભાગે લોકોને જાગૃત રહેવાની અને અનિવાર્ય ના હોય ત્યાં સુધી ભીડભાડવાળા વિસ્તારોમાં જવા ટાળવાની અપીલ કરી છે. આ ઉપરાંત કોરોનાની અગાઉ જાહેર કરેલ માર્ગદર્શિકાને અનુસરવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. જેમા માસ્ક પહેરવુ, હાથ ધોવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જેવા નિયમોનું પાલન કરવા માટે સૂચના આપવામાં આવી છે.

દેશમાં કોરોનાની સ્થિતિ વધુ ચિંતાજનક ના થાય તે માટે રાજ્યના આરોગ્યવિભાગે પણ સાવચેતી દાખવીને કેટલાક સાવચેતીના પગલાંઓ લેવાની કાર્યવાહી હાથ ધરી છે.

કોરોનાની સ્થિતિમાં આ લક્ષણોને અવગણશો નહીં

  • હળવો તાવ અથવા ગળામાં દુખાવો થવો
  • નાક બંધ થઈ જવું કે નાક વહેવું
  • માથાનો દુખાવો અને શરીરનો દુખાવો
  • થાક અનુભવવો
  • સૂકી ઉધરસ અથવા શ્વાસ લેવામાં તકલીફ થવી

આવી સાવધાની રાખો તો તમે કોરોનાથી બચી શકો છો

  • ભીડવાળી જગ્યાઓ, હોસ્પિટલો અને જાહેર પરિવહનમાં હંમેશા માસ્ક પહેરો.
  • વારંવાર સાબુ અને પાણીથી હાથ ધોવો અથવા સેનિટાઇઝરનો ઉપયોગ કરો
  • હાલ પૂરતું લગ્ન, મેળા કે અન્ય ભીડભાડવાળી જગ્યાએ જવાનુ ટાળવું એ સમજદારી છે.
  • ખાસ કરીને જો તમારી ઉંમર 60 વર્ષથી વધુ હોય અથવા તમને અગાઉ કોઈ બીમારી થઈ હોય તો કોરોનાની રસીનો બૂસ્ટર ડોઝ લેવાનું ભૂલશો નહીં.
  • રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે તમારી દિનચર્યામાં સારી ઊંઘ, પૌષ્ટિક આહાર અને હળવી કસરત કે યોગનો સમાવેશ કરો.

 

કોવિડ-19, જેને કોરોના વાયરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક ચેપી વાયરલ રોગ છે. આ વાયરસ 2019માં ચીનના વુહાનમાં પહેલીવાર જોવા મળ્યો હતો. હવે ફરી વિદેશમાં હાહાકાર મચાવી રહ્યો છે.  કોરોનાના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

Published On - 8:06 pm, Tue, 20 May 25