ISRO Chairman : કોલેજ ટોપર એસ. સોમનાથને આ રીતે થઈ ચાંદ-તારાઓ સાથે દોસ્તી, બન્યા ISROના ચીફ, હવે ચંદ્રયાન-3ના માસ્ટરમાઇન્ડ
ISROના અનેક મિશનમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા એસ.સોમનાથને ASI તરફથી ગોલ્ડ મેડલ પણ મળ્યો છે. તેમના નેતૃત્વમાં ચંદ્રયાન 3 મિશન સફળ થવા જઈ રહ્યું છે. ગયા વર્ષે સિવાનના સ્થાને સોમનાથને ઈસરોના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

હાલમાં સમગ્ર દેશની નજર ઈસરોના ચંદ્રયાન 3 મિશન પર ટકેલી છે. આજે એટલે કે 23 ઓગસ્ટ, 2023ના રોજ સાંજે 6.04 કલાકે વિક્રમ લેન્ડરનું સોફ્ટ લેન્ડિંગ ચંદ્ર પર થવાનું છે. વિક્રમ લેન્ડરના લેન્ડિંગની સાથે જ ભારતનું ચંદ્રયાન 3 મિશન ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. આ દરમિયાન જે વ્યક્તિ ચંદ્રયાન 3નો માસ્ટર માઈન્ડ કહેવાઈ રહયા છે તેનું નામ છે સોમનાથ. તે ઇસરોના ચીફ છે.
ઇસરોના ઘણા મિશનમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા એસ. સોમનાથને ગયા વર્ષે ઇસરોની કમાન સોંપવામાં આવી હતી. એસ સોમનાથના નેતૃત્વમાં ચંદ્રયાન 3 ચંદ્રની સપાટી પર ઉતરવાનું છે. જો કે ઈસરોના વડા બનવા સુધીની તેમની સફર સરળ ન હતી. કેરળના રહેવાસી સોમનાથની સ્ટોરી લાખો યુવાનોને પ્રેરણા આપનારી છે. ચાલો તેના સંઘર્ષ પર એક નજર કરીએ.
સોમનાથ મિકેનિકલ એન્જિનિયર છે
એસ સોમનાથનો જન્મ કેરળના અલાપ્પુઝા જિલ્લામાં થયો હતો. તેમનું પૂરું નામ શ્રીધર પરિકર સોમનાથ છે. તેમના પિતા શિક્ષક હતા. તેણે પોતાનો પ્રારંભિક અભ્યાસ કેરળમાંથી જ કર્યો હતો. શાળાકીય અભ્યાસ પછી સોમનાથ કેરળ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. અહીંથી તેણે મિકેનિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું. તે કોલેજમાં બીજા નંબર પર ટોપર પણ રહ્યા છે. આ પછી, તેણે IISc એટલે કે ભારતીય વિજ્ઞાન સંસ્થાન, બેંગ્લોરમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું.
એસ સોમનાથ 1985માં ઈસરોમાં જોડાયા હતા. તેમણે પ્રોજેક્ટ મેનેજર-પોલર સેટેલાઇટ લોંચ વ્હીકલ (PSLV), સ્ટ્રક્ચર્સ એન્ટિટી પ્રોપલ્શન અને LPSC અને VSSCમાં સ્પેસ ઓર્ડનન્સ એન્ટિટીના ડેપ્યુટી ડિરેક્ટર તરીકે પણ સેવા આપી છે. આ સિવાય તેમણે જીયોસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલના પ્રોજેક્ટ ડાયરેક્ટર સહિત અનેક હોદ્દા પર કામ કર્યું છે.
અવકાશયાન ડિઝાઇનમાં મહારથી
સોમનાથે અવકાશયાનની ડિઝાઈનીંગમાં મહારત મેળવી છે. ઈસરોના દરેક મિશનમાં તેમની મહત્વની ભૂમિકા રહી છે. આ જ કારણ છે કે 57 વર્ષની વયે તેમને ઈસરોના અધ્યક્ષનું પદ મળ્યું. હવે તેમના નેતૃત્વમાં ચંદ્રયાન 3 મિશન પૂર્ણ થવા જઈ રહ્યું છે. વિક્રમ લેન્ડરના સફળ ઉતરાણ બાદ સોમનાથનું નામ દેશના ટોચના વૈજ્ઞાનિકોમાં નોંધાશે.
મેળવ્યા ઘણા પુરસ્કારો
- સોમનાથને એસ્ટ્રોનોટિકલ સોસાયટી ઓફ ઈન્ડિયા (ASI) તરફથી ગોલ્ડ મેડલ મળ્યો છે.
- ISRO તરફથી GSLV Mk-III માટે પર્ફોર્મન્સ એક્સેલન્સ એવોર્ડ-2014 પ્રાપ્ત કર્યો.
- એસ સોમનાથ ઈન્ડિયન નેશનલ એકેડમી ઓફ એન્જિનિયરિંગ (INAE) ના ફેલો રહી ચૂક્યા છે.
- તે ઇન્ટરનેશનલ એકેડેમી ઓફ એસ્ટ્રોનોટિક્સ (IAA) ના સંવાદદાતા સભ્ય પણ રહી ચૂક્યા છે.