ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ લોકોને છેતરપિંડીભર્યા કોલ અને મેસેજથી સાવધાન રહેવાની સલાહ આપી છે. તાજેતરના સમયમાં ટ્રાઈના નામે નકલી કોલ અને મેસેજ મોકલવાની ઘટનાઓ સામે આવી છે. આ કોલ અને મેસેજમાં ગ્રાહકોને કહેવામાં આવી રહ્યું છે કે તેમના મોબાઈલ નંબર બ્લોક કરી શકાય છે. કારણ કે તેનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં થઈ રહ્યો છે.
આ ફેક કોલ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે લોકોના આધાર નંબરનો ઉપયોગ સિમ કાર્ડ મેળવવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે કરવામાં આવ્યો છે. લોકોને ડરાવવા માટે છેતરપિંડી કરનારાઓ દ્વારા સ્કાયપ જેવા વીડિયો કોલિંગ પ્લેટફોર્મ પર કોલ કરવા માટે પણ પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. ટ્રાઈએ સ્પષ્ટતા કરી છે કે આવી કોઈપણ પ્રવૃતિઓ કપટપૂર્ણ છે અને તેનો નિયમનકારી સત્તા સાથે કોઈ સંબંધ નથી.
TRAI એ લોકોને જાણ કરી છે કે તે કોઈ પણ વ્યક્તિગત ગ્રાહકના મોબાઈલ નંબરને બંધ અથવા બ્લોક કરવા માટે કાર્ય કરતું નથી. આ ઉપરાંત તે ન તો આવો કોઈ મેસેજ મોકલે છે અને ન તો કોઈ ત્રીજી એજન્સીને ગ્રાહકોનો સંપર્ક કરવાનો અધિકાર આપે છે.
ટ્રાઈએ સ્પષ્ટતા કરી છે કે આવા કોલ અને મેસેજ ગેરકાયદેસર છે અને તેનાથી સાવધાન રહેવું જોઈએ. લોકોને સલાહ આપવામાં આવે છે કે, TRAI તરફથી દાવો કરવામાં આવતા કોઈપણ કોલ અથવા મેસેજને કપટપૂર્ણ ગણાવે અને તરત જ સંબંધિત અધિકારીઓને તેની જાણ કરે.
આવી ઘટનાઓનો ભોગ બનેલા લોકો સીધો જ સર્વિસ પ્રોવાઈડરનો સંપર્ક કરી શકે છે. વધુમાં તેઓ નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ [cybercrime.gov.in](https://cybercrime.gov.in) અથવા સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર તેમની ફરિયાદ નોંધાવી શકે છે. સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવી એ પણ એક વિકલ્પ છે.
ટ્રાઈએ લોકોને જાગૃત કરવા અને સાયબર છેતરપિંડીથી બચાવવા માટે એક WhatsApp ચેનલ પણ શરૂ કરી છે. આ ચેનલ દ્વારા TRAI લોકોને મહત્વપૂર્ણ માહિતી અને સૂચનાઓ આપશે. ટ્રાઈએ લોકોને કોઈપણ અનધિકૃત કોલ અથવા મેસેજથી સાવચેત રહેવા અને તેમની અંગત માહિતી સુરક્ષિત રાખવા અપીલ કરી છે. TRAIનું આ પગલું સાયબર ફ્રોડ સામે એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. જેનો ઉદ્દેશ્ય લોકોને જાગૃત કરવાનો અને તેમને સુરક્ષિત રાખવાનો છે.
Published On - 9:57 am, Sat, 7 December 24