Upcoming IPO : 100 વર્ષ જૂની આ ખાનગી બેંક લાવી રહી છે રોકાણ કરવાની તક, જાણો બેંક અને તેની યોજનાઓ વિશે
બેંક આ IPOમાંથી એકત્ર કરાયેલા નાણાંનો ઉપયોગ તેની મૂડીની જરૂરિયાતો પૂરી કરવા માટે કરશે. તેનો ઉદ્દેશ્ય તેના ટિયર-1 કેપિટલ બેઝને વધારવાનો છે.
વર્ષ 1921માં સ્થપાયેલી તમિલનાડ મર્કેન્ટાઈલ બેંક(Tamil Nadu Mercantile Bank) તેનો IPO લાવવા જઈ રહી છે. IPO 5 સપ્ટેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને રોકાણકારો 7 સપ્ટેમ્બર સુધી તેના માટે બિડ કરી શકશે. બેંકે IPO માટે 500-525 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. IPOમાં બેંક રૂ. 1.58 કરોડના નવા શેર ઈશ્યુ કરશે.ઉલ્લેખનીય છે કે તેમાં OFS (ઓફર ફોર સેલ) શેર નથી. જો પ્રાઇસ બેન્ડની ઉપલી સપાટીને જોવામાં આવે તો બેંક IPO દ્વારા રૂ. 831.60 કરોડ એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે. કંપનીએ એક્સિસ કેપિટલ, મોતીલાલ ઓસવાલ અને SBI કેપિટલ માર્કેટ્સને IPO માટે લીડ મેનેજર તરીકે નિયુક્ત કર્યા છે. એન્કર રોકાણકારો 2 સપ્ટેમ્બરે તેના માટે બિડ કરશે. IPOમાં બિડ કરનારા રોકાણકારોને 14 સપ્ટેમ્બરે શેર ફાળવવામાં આવશે અને 15 સપ્ટેમ્બરે શેરબજારમાં લિસ્ટ થશે.
IPO દ્વારા એકત્રિત ભંડોળ ?
બેંક આ IPOમાંથી એકત્ર કરાયેલા નાણાંનો ઉપયોગ તેની મૂડીની જરૂરિયાતો પૂરી કરવા માટે કરશે. તેનો ઉદ્દેશ્ય તેના ટિયર-1 કેપિટલ બેઝને વધારવાનો છે. તમને જણાવી દઈએ કે તે દેશની સૌથી જૂની ખાનગી બેંકોમાંથી એક છે. તેનું મુખ્ય મથક થૂથુકુડીમાં છે. બેંક ઘણી બેંકિંગ અને નાણાકીય સેવાઓ પૂરી પાડે છે. તેમાં MSME, કૃષિ અને છૂટક ગ્રાહકો છે.
બેંકની નાણાકીય સ્થિતિ
બેંકે 31 માર્ચ 2022ના રોજ ન્યૂનતમ CRAR (કેપિટલ ટુ રિસ્ક એસેટ્સ રેશિયો) 11.5 ટકા જાળવવો જરૂરી હતો. તેનો ટાયર-1 મૂડી પર્યાપ્તતા ગુણોત્તર 20.46 ટકા હતો અને ટાયર-1 મૂડી રૂ. 5231.77 કરોડ હતી. નાણાકીય વર્ષ 2021-22 માટે બેંકની કુલ NPA (નોન-પર્ફોર્મિંગ એસેટ્સ) 1.69 ટકા હતી. જે પાછલા નાણાકીય વર્ષના 3.44 ટકા કરતાં વધુ સારી હતી. બેન્કની નેટ એનપીએ પણ 1.98 ટકાથી ઘટીને 0.95 ટકા થઈ છે. 31 માર્ચ 2022 સુધીમાં બેંકની કુલ 509 શાખાઓ હતી. આ પૈકી 106 ગ્રામીણ, 247 અર્ધ-શહેરી, 80 શહેરી અને 76 મેટ્રોપોલિટન વિસ્તારોમાં હતા.
Sirma SGS IPO ને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો
તાજેતરમાં આવેલા સિરમા SGS ટેક્નોલોજીના IPOને રોકાણકારો તરફથી મજબૂત પ્રતિસાદ મળ્યો હતો. IPO 12-18 ઓગસ્ટ સુધી ખુલ્યો હતો.આ ઈશ્યુ 32 ગણો ઓવરસબ્સ્ક્રાઇબ થયો હતો. સંસ્થાકીય રોકાણકારો દ્વારા IPO 87.56 ગણો સબસ્ક્રાઇબ કરવામાં આવ્યો હતો જ્યારે રિટેલ રોકાણકારો માટે આરક્ષિત હિસ્સો 5.53 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. લિસ્ટિંગ બાદ પણ આ શેરે પોતાની તાકાત બતાવી છે. ગયા સપ્તાહે શુક્રવારે લિસ્ટ થયેલા આ શેરે લગભગ 18 ટકાનું રિટર્ન આપ્યું છે.