રોકાણકારો માટે સારા સમાચાર : એક સાથે ત્રણ કંપનીઓએ IPO લાવવા તૈયારીઓ શરૂ કરી, વાંચો વિગતવાર
જો ત્રણેય કંપનીઓને સેબી તરફથી પરવાનગી મળી જશે તો IPOના રોકાણકારો માટે સારા સમાચાર આવશે.
આ વર્ષના પ્રથમ છ મહિનામાં IPO માર્કેટ ઠંડું રહ્યું છે. ગયા વર્ષના સમાન સમયગાળામાં 65 IPO ની સરખામણીએ 2022 માં 15 IPO આવ્યા છે. અલબત્ત, આ વર્ષે LIC ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO લાવ્યો હતો પરંતુ તે ફ્લોપ સાબિત થયો હતો. આ પછી સેબીની પરવાનગી મળી હોવા છતાં ઘણી કંપનીઓએ IPO પ્લાનને થોડા સમય માટે હોલ્ડ પર રાખ્યો હતો. જો કે હવે IPO માર્કેટ ફરી એકવાર ધમધમી રહ્યું છે. રોકાણકારોને એક સાથે 3 કંપનીઓ માટે IPOમાં બિડ કરવાની તક મળી શકે છે. બાલાજી સોલ્યુશન્સ, ગો ડિજીટ જનરલ ઈન્સ્યોરન્સ અને કોનકોર્ડ બાયોટેકે દસ્તાવેજો સેબીને સબમિટ કર્યા છે. જો ત્રણેય કંપનીઓને સેબી તરફથી પરવાનગી મળી જશે તો IPOના રોકાણકારો માટે સારા સમાચાર આવશે. જો કે, આવો જાણીએ આ ત્રણ કંપનીઓ વિશે જેમણે IPO માટે પેપર ફાઇલ કર્યા છે.
ગો ડિજીટ જનરલ ઈન્સ્યોરન્સ
આ કંપનીને કેનેડાના ફેરફેક્સ ગ્રુપનું સમર્થન છે. કંપની દ્વારા સબમિટ કરાયેલા દસ્તાવેજો અનુસાર IPOમાં રૂ. 1,250 કરોડના નવા શેર ઈશ્યુ કરવામાં આવશે. આ સિવાય પ્રમોટર અને વર્તમાન શેરધારકો 10,94,45,561 ઇક્વિટી શેર માટે વેચાણ માટે ઓફર (OFS) કરશે. ગો ડિજિટ ઇન્ફોવર્કસ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ OFS હેઠળ 10,94,34,783 ઇક્વિટી શેર્સનું વેચાણ કરશે. કંપની IPO પહેલા રૂ. 250 કરોડનું ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા આ કંપનીના રોકાણકારો છે.
બાલાજી સોલ્યુશન્સ
તે IT હાર્ડવેર અને મોબાઈલ એસેસરીઝ કંપની છે. સેબીને સુપરત કરાયેલા દસ્તાવેજો અનુસાર IPOમાં રૂ. 120 કરોડ સુધીના નવા શેર ઈશ્યુ કરવામાં આવશે. કંપનીના પ્રમોટર્સ અને અન્ય શેરધારકો 75 લાખ ઇક્વિટી શેરના વેચાણ માટે ઓફર (OFS) કરશે. ડ્રાફ્ટ પેપરમાં પાત્ર કર્મચારીઓ માટે IPOમાં અનામતનો પણ સમાવેશ થાય છે. કંપની IPO પહેલા 24 કરોડ રૂપિયા સુધી એકત્ર કરવાનો પ્રયાસ કરશે. જો કંપની નાણાં એકત્ર કરશે તો IPOનું કદ ઘટશે.
કોનકોર્ડ બાયોટેક
દિવંગત રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના નેતૃત્વમાં રેર એન્ટરપ્રાઇઝ દ્વારા સમર્થિત કોનકોર્ડ બાયોટેકે પણ સેબી પાસે દસ્તાવેજો સબમિટ કર્યા છે. IPOમાં કોઈ નવા શેર હશે નહીં. આ સંપૂર્ણપણે OFS હેઠળ હશે. Helix Investment Holdings Pte Ltd 2,09,25,652 ઇક્વિટી શેરના વેચાણ માટે ઓફર (OFS) કરશે. IPO દસ્તાવેજમાં કર્મચારીઓ માટે શેર અનામત રાખવાનો પ્રસ્તાવ છે.