ગ્રોસરી બજારને બદલવાની તૈયારીમાં મુકેશ અંબાણી, JioMart કરશે કરિયાણાની ઈન્સ્ટન્ટ ડિલિવરી
ગ્રોસરી માર્કેટમાં ઈન્સ્ટન્ટ ડિલિવરી માટે JioMartએ JioMart એક્સપ્રેસ (JioMart Express) સર્વિસ શરૂ કરી છે. આ સપ્તાહના અંત સુધીમાં નવી મુંબઈમાં જિયોમાર્ટ એક્સપ્રેસનું પાયલોટ પરીક્ષણ કરવામાં આવશે.
ભારતમાં રિટેલ માર્કેટ (Indian Retail Market) ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યું છે અને દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani) રિટેલ બિઝનેસમાં ક્રાંતિ લાવવાની તૈયારી કરી રહ્યા છે. ગ્રોસરી માર્કેટમાં ઈન્સ્ટન્ટ ડિલિવરી માટે JioMartએ JioMart એક્સપ્રેસ (JioMart Express) સર્વિસ શરૂ કરી છે. આ સપ્તાહના અંત સુધીમાં નવી મુંબઈમાં જિયોમાર્ટ એક્સપ્રેસનું પાયલોટ પરીક્ષણ કરવામાં આવશે. અત્યાર સુધીની માહિતી અનુસાર કંપની ઈન્સ્ટન્ટ સર્વિસ હેઠળ 10 મિનિટમાં ગ્રોસરી ડિલિવરી કરવાનું વચન નહીં આપે. તાજેતરમાં Zomatoએ 10 મિનિટમાં ફૂડ ડિલિવરી સેવા શરૂ કરી છે. એવું માનવામાં આવે છે કે નવી મુંબઈ પછી આ સેવા મુંબઈમાં શરૂ કરવામાં આવશે, ત્યારબાદ આગામી બે-ત્રણ મહિનામાં દેશના અન્ય કેટલાક શહેરોમાં પણ શરૂ થઈ શકે છે.
ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર કંપની JioMart એક્સપ્રેસ સર્વિસને 200 શહેરોમાં લઈ જવાની યોજના ધરાવે છે. આ એવા શહેરો છે જ્યાં Jiomartની વર્તમાન પહોંચ છે. બિઝનેસ ગ્રોથ પ્રોગ્રામ અંગે કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે આ અંતર્ગત રિલાયન્સ લાખો કરિયાણાની દુકાનોને તેના નેટવર્ક સાથે જોડવાનું કામ કરશે. આ કામ બિઝનેસ-ટુ-બિઝનેસ પ્રોગ્રામ હેઠળ કરવામાં આવશે. રિલાયન્સ ઈન્સ્ટન્ટ ડિલિવરી સેવા માટે તેના નેટવર્ક અને Dunzo બંનેનો ઉપયોગ કરશે.
Dunzo પણ મદદ કરશે
Dunzo શહેરોમાં વધુ હાજરી ધરાવે છે. આ વર્ષની શરૂઆતમાં રિલાયન્સે Dunzoમાં 26 ટકા હિસ્સો $240 મિલિયનમાં ખરીદ્યો હતો. જો કે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે બજારનું વાતાવરણ તાત્કાલિક કરિયાણાની ઈકોસિસ્ટમ માટે સારું નથી. Zomatoએ ગયા વર્ષે તેનું મૂલ્ય $1 બિલિયન રાખ્યું હતું. તેનો આઈપીઓ પણ આવ્યો અને સ્ટોકમાં જોરદાર ઘટાડો થયો. જે કંપની હવે ભંડોળ એકત્ર કરી રહી છે, તેનું મૂલ્યાંકન $700-800 મિલિયન છે.
કરિયાણું 1થી 3 કલાકમાં પહોંચાડવામાં આવશે
એવું માનવામાં આવે છે કે JioMart એક્સપ્રેસ શરૂઆતમાં 1થી 3 કલાકમાં ડિલિવરી આપશે. બાદમાં તે ઘટાડીને 1 કલાક કરવામાં આવશે. રિલાયન્સ ભારતની સૌથી મોટી ઈન્સ્ટન્ટ ગ્રોસરી કંપની બનવાની યોજના ધરાવે છે. એવા પણ સમાચાર છે કે રિલાયન્સ ઈન્સ્ટન્ટ ગ્રોસરી ડિલિવરી માટે એક અલગ એપ પણ તૈયાર કરી રહી છે.
આ ક્ષેત્રમાં ઘણા દિગ્ગજો
દેશના ઘણા અગ્રણીઓ ઓનલાઈન ગ્રોસરી માર્કેટમાં પોતાનો હાથ અજમાવી રહ્યા છે. આ ક્ષેત્રમાં સ્પર્ધા ટાટા ગ્રુપ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી કંપનીઓ વચ્ચે છે. ટાટા ગ્રુપે બિગ બાસ્કેટ હસ્તગત કરી છે. આવનારા સમયમાં ઘણી મોટી કંપનીઓ ઈન્સ્ટન્ટ ગ્રોસરી સર્વિસની હોડમાં હશે. ઝોમેટો સમર્થિત બ્લિંકિટ, સ્વિગી ઈન્સ્ટામાર્ટ, ફ્લિપકાર્ટ ક્વિક, ટાટા-બિગબાસ્કેટ જેવી બ્રાન્ડ્સ ઈન્સ્ટન્ટ કરિયાણાની ડિલિવરી માટે એકબીજાની વચ્ચે સ્પર્ધા કરશે.
આ પણ વાંચો: Gold Price Today : સસ્તું થયું સોનું, જાણો તમારા શહેરની 1 તોલાની કિંમત