Reliance એ રાઇટ્સ ઇશ્યૂના રોકાણકારોને ફાઈનલ પેમેન્ટ કરવા જણાવ્યુ, 29 નવેમ્બર સુધી 1257 રૂપિયા પ્રતિ શેર ખરીદવાની તક
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેના રોકાણકારોને 42.26 કરોડ શેરના રાઇટ્સ ઇશ્યૂ માટે અંતિમ ચુકવણીની તારીખ જાહેર કરી છે. રોકાણકારો 15 નવેમ્બરથી 29 નવેમ્બરની વચ્ચે અંતિમ ચુકવણી સબમિટ કરી શકે છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) એ રાઇટ્સ ઇશ્યૂમાં કંપનીના 42.26 કરોડ શેર લીધા હોય તેવા રોકાણકારોને બીજી અને અંતિમ ચુકવણી કરવા જણાવ્યું છે. RIL એ શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે 15 મે, 2020 ના રોજ, 10 રૂપિયા પ્રતિ શેરની ફેસ વેલ્યુના 42,26,26,894 ઇક્વિટી શેર રાઇટ્સ ઇશ્યૂ દ્વારા ફાળવવામાં આવ્યા હતા.
કંપનીએ રોકાણકારોને આ આંશિક ચૂકવણી કરેલ શેર માટે બીજી અને અંતિમ ચુકવણી કરવા નોટિસ જાહેર કરી છે. રાઇટ્સ ઇશ્યૂ દરમિયાન, રિલાયન્સે શેર દીઠ રૂપિયા 1,257ના મૂલ્યના 42.26 કરોડ ઇક્વિટી શેર જાહેર કર્યા હતા. તે સમયે રોકાણકારોએ આ શેર માટે પ્રારંભિક ચુકવણી કરી હતી.
હવે તેને પ્રતિ શેર 628.50 ના દરે ચુકવણીનો બીજો અને અંતિમ હપ્તો જમા કરવા માટે કહેવામાં આવ્યું છે. રિલાયન્સે કુલ 53,125 કરોડ રૂપિયાના મુલ્યના રાઇટ્સ ઇશ્યૂ જાહેર કર્યા હતા. આ છેલ્લા દાયકામાં વિશ્વની કોઈપણ બિન-નાણાકીય કંપની દ્વારા જાહેર કરવામાં આવેલો સૌથી મોટો રાઈટ્સ ઈશ્યુ હતો.
1:15 ના ગુણોત્તરમાં નવા શેરની ઓફર
તે સમયે RILએ તેના હાલના શેરધારકોને 1:15ના રેશિયોમાં નવા શેર ઓફર કર્યા હતા. આંશિક રીતે ચૂકવેલ ઇક્વિટી શેરના ધારકોને અંતિમ ચુકવણી માટે પૂછવા માટે નવેમ્બર 10, 2021 ની તારીખ નક્કી કરવામાં આવી હતી. એકવાર બીજી ચુકવણી થઈ જાય પછી, આંશિક રીતે ચૂકવાયેલા શેરને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સંપૂર્ણ પેઇડ-અપ શેરમાં રૂપાંતરિત કરવામાં આવશે, જેનું વેપાર BSE અને NSE બંને સ્ટોક એક્સચેન્જમાં થાય છે.
રોકાણકારો માટે ચેટબોટ પણ સક્રિય કરવામાં આવ્યું છે
રિલાયન્સે આ ચુકવણી પ્રક્રિયામાં રોકાણકારોને મદદ કરવા માટે WhatsApp ચેટબોટ પણ સક્રિય કર્યું છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)થી સજ્જ આ ચેટબોટ Jioની ગ્રુપ કંપની Haptik દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે. તે મે 2020 માં રાઇટ્સ ઇશ્યૂ સમયે પણ સક્રિય કરવામાં આવ્યું હતું.
29 નવેમ્બર સુધી પેમેન્ટ કરી શકાશે
રિલાયન્સના જણાવ્યા અનુસાર 15 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી પેમેન્ટ કરી શકાશે. ચેક અને ડિમાન્ડ ડ્રાફ્ટ ઉપરાંત, તે નેટબેંકિંગ, UPI અને ASBA દ્વારા પણ ચૂકવી શકાય છે. ચૂકવણીની પ્રક્રિયા પૂર્ણ થયાના બે સપ્તાહની અંદર રોકાણકારના ખાતામાં સંપૂર્ણ પેઇડ-અપ શેર જમા કરવામાં આવશે.
આ પણ વાંચો : કિરણ ગોસાવીની વધી મુશ્કેલી ! ગોસાવીની મહિલા સાથી કુસુમ ગાયકવાડની પુણે પોલીસે કરી ધરપકડ