નિકાસકારો માટે સારા સમાચાર, ભારત આ વર્ષે નિકાસના ઐતિહાસિક સ્તરે પહોંચી શકે છે, પીયૂષ ગોયલને છે આશા
ટ્રેડ ફેરનું ઉદ્ઘાટન કરતાં પીયૂષ ગોયલે કહ્યું કે ભારત માર્ચમાં પૂરા થતાં નાણાકીય વર્ષમાં 400 અરબ ડોલરના માલની નિકાસનું લક્ષ્ય હાંસલ કરશે.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે (Piyush Goyal) રવિવારે જણાવ્યું હતું કે ભારતીય અર્થવ્યવસ્થાના તમામ ક્ષેત્રોમાં તેજી જોવા મળી રહી છે અને દેશ માલસામાન અને સેવાઓની નિકાસના સંદર્ભમાં ઐતિહાસિક ઊંચાઈ તરફ આગળ વધી રહ્યો છે. તેમણે કહ્યું “ભારત માર્ચમાં પૂરા થતાં નાણાકીય વર્ષમાં 400 અરબ ડોલરના માલની નિકાસનું લક્ષ્ય હાંસલ કરશે.” તેમણે કહ્યું કે આ સિવાય આપણે 150 અરબ ડોલરની સેવાઓની નિકાસ પણ હાંસલ કરીશું. “આ રીતે અમે સામાન અને સેવાઓની ઐતિહાસિક નિકાસને હાંસલ કરીશું.”
અહીં ઈન્ડિયા ઈન્ટરનેશનલ ટ્રેડ ફેર (IITF)નું ઉદ્ઘાટન કરતા ગોયલે કહ્યું કે દેશમાં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં 27 અરબ ડોલરનું વિક્રમી વિદેશી પ્રત્યક્ષ રોકાણ (Foreign Direct Investment) પ્રાપ્ત થયું છે. જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતા 62 ટકા વધુ છે. ગોયલે કહ્યું કે આજે વિશ્વ ભારતને વૈશ્વિક પુરવઠા શૃંખલામાં વિશ્વાસપાત્ર ભાગીદાર તરીકે જોઈ રહ્યું છે. તેમણે કહ્યું કે લોકડાઉન હોવા છતાં ભારતે વૈશ્વિક સમુદાયને સેવાઓનું સમર્થન આપવામાં કોઈ ભૂલ કરી નથી.
ભારતમાં વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન
તેમણે કહ્યું કે ભારત સરકાર વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન ચલાવી રહી છે. અત્યાર સુધીમાં લોકોને રસીના 110 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આવતા વર્ષે ભારતમાં રસીના 500 કરોડ ડોઝનું ઉત્પાદન કરવામાં આવશે. દેશમાં પાંચ કે છ રસીનું ઉત્પાદન કરવામાં આવશે.
ભારત વિશ્વનું ઔદ્યોગિક હબ બની શકે છે
ગોયલે કહ્યું કે ભારત વિશ્વનું ઉદ્યોગ અને સેવા કેન્દ્ર બની શકે છે. તેમણે વધુમાં કહ્યું કે “ભારતીય ઉદ્યોગ ગુણવત્તા, સ્પર્ધાત્મકતા અને સ્કેલના સંદર્ભમાં નવી ઊંચાઈઓ પર પહોંચી શકે છે. IITF દ્વારા આપણને ‘મેક લોકલ ગ્લોબલ’ અને ‘મેક ઈન ઈન્ડિયા ફોર વર્લ્ડ’ના ધ્યેયને હાંસલ કરવામાં મદદ મળશે.