અમેરિકાની આ કંપનીને ખરીદશે મુકેશ અંબાણી, 256 કરોડમાં ડીલ થઈ ફાઈનલ
અમેરિકન કંપની સેન્સહોકની સ્થાપના 2018માં કેલિફોર્નિયામાં થઈ હતી. આ કંપની સૌર ઉદ્યોગ માટે ટૂલ્સ બનાવે છે, જેનો ઉપયોગ સુવ્યવસ્થિત પ્રક્રિયા અને ઓટોમેશનમાં થાય છે.
મુકેશ અંબાણીની (Mukesh Ambani) કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે (Reliance Industries) કહ્યું છે કે તે કેલિફોર્નિયા સ્થિત સોલાર એનર્જી સોફ્ટવેર ડેવલપર કંપની સેન્સહોકને (SenseHawk) ખરીદશે. આ ખરીદી માટે રિલાયન્સ અને સેન્સહોક વચ્ચે $320 લાખ એટલે કે 256 કરોડ રૂપિયાની ડીલ ફાઈનલ થઈ ગઈ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સેન્સહોકમાં 79.4 ટકા હિસ્સો ખરીદશે. આ ડીલથી સ્પષ્ટ છે કે મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તેના ઓઈલ અને કેમિકલ બિઝનેસમાં ઘટાડો કરીને સોલર અથવા હાઈડ્રોજન એનર્જીના ક્ષેત્રમાં પગ મુકી રહી છે.
અમેરિકન કંપની સેન્સહોકની સ્થાપના 2018માં કેલિફોર્નિયામાં થઈ હતી. આ કંપની સૌર ઉદ્યોગ માટે ટૂલ્સ બનાવે છે, જેનો ઉપયોગ સુવ્યવસ્થિત પ્રક્રિયા અને ઓટોમેશનમાં થાય છે. છેલ્લા નાણાકીય વર્ષમાં સેન્સહોકનું ટર્નઓવર 23 લાખ ડોલર હતું. એક નિવેદનમાં રિલાયન્સે જણાવ્યું હતું કે, સેન્સહોકમાં વધારે હિસ્સો ખરીદવા માટે કરાર થયો છે. તેની કુલ ટ્રાન્ઝેક્શન વેલ્યુ 320 લાખ ડોલર છે. આ પૈસામાં કંપનીનો ગ્રોથ અને નવી પ્રોડક્ટ્સનું લોન્ચિંગ પણ શરૂ કરવામાં આવશે. સેન્સહોક સોલર પ્રોજેક્ટ શરૂ કરવા સાથે તે સૌર ઉત્પાદનોના આયોજન અને ઉત્પાદનનું પણ ધ્યાન રાખે છે. તે અન્ય સોલર કંપનીઓને ઓટોમેશનમાં પણ મદદ કરે છે.
મુકેશ અંબાણીએ શું કહ્યું
સેન્સહોકે અત્યાર સુધીમાં 15 દેશોમાં 140થી વધુ ગ્રાહકોને નવીન ટેકનોલોજી અપનાવવામાં મદદ કરી છે. આ અંતર્ગત 600થી વધુ સ્થળો પર 100 ગીગાવોટથી વધુ સોલાર પાવર પર કામ કરવામાં આવ્યું છે. રિલાયન્સે કહ્યું છે કે સેન્સહોક સાથેનું એક્વિઝિશન કાર્ય આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. છેલ્લા બે વર્ષમાં રિલાયન્સે ઊર્જાના નવા સ્ત્રોતો પર $1.6 બિલિયનથી વધુ ખર્ચ કર્યો છે. આમાં EPC, ટેકનોલોજી અને સપ્લાય ચેન વગેરેનો સમાવેશ થાય છે. આ નવા એક્વિઝિશન અંગે રિલાયન્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ ડી અંબાણીએ જણાવ્યું હતું કે તેમની કંપની ગ્રીન એનર્જી સેક્ટરમાં મોટો ફેરફાર કરવા પ્રતિબદ્ધ છે. કંપનીનું લક્ષ્ય 2030 સુધીમાં 100 ગીગાવોટ સૌર ઉર્જા ઉત્પન્ન કરવાનું છે.
સેન્સહોક ખરીદવાથી ફાયદો થશે
મુકેશ અંબાણી માને છે કે સેન્સહોક સાથે ભાગીદારી સૌર ઉત્પાદનો અને સૌર ઊર્જાની કિંમત ઘટાડવામાં મદદ કરશે. ઉત્પાદકતા વધશે અને સમયસર કામગીરી પણ વધશે. ભાગીદારી વિશે બોલતા સેન્સહોકના CEO અને સહ-સ્થાપક સ્વરૂપ માવનુરે જણાવ્યું હતું કે “રાહુલ સાંખે, કાર્તિક મેકાલા, સાઈદીપ તલારી, વિરલ પટેલ અને મેં સૌર જીવનચક્રમાં તમામ પ્રક્રિયાઓને પ્રભાવિત કરવાના વિઝન સાથે સહયોગ કર્યો હતો. રિલાયન્સે આ રોકાણ સાથે અમારામાં જે વિશ્વાસ દર્શાવ્યો છે તેનાથી અમે ખુશ છીએ. સેન્સહોકના પ્રમુખ અને સહ-સ્થાપક રાહુલ સાંખેએ જણાવ્યું હતું કે આ ભાગીદારી નવા ઉપયોગો માટે નવા માર્ગો ખોલશે, નવા બજારોમાં મદદ કરશે અને સમગ્ર સૌર જીવન ચક્ર દરમિયાન ગ્રાહકો માટે મહત્તમ લાભ મેળવશે.