MONEY9: ટેક કંપનીઓ IPOમાં રોકાણકારોને મૂર્ખ નહીં બનાવી શકે, SEBI નિયમો આકરા કરશે

MONEY9: ટેક કંપનીઓ IPOમાં રોકાણકારોને મૂર્ખ નહીં બનાવી શકે, SEBI નિયમો આકરા કરશે

Divyesh Nagar
| Edited By: | Updated on: Mar 15, 2022 | 6:49 PM

ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સના ઊંચા વેલ્યુએશનને કારણે સેબીએ નવા નિયમો માટે તજવીજ હાથ ધરી છે. આ હિલચાલને પગલે કંપનીઓ અને ઈન્વેસ્ટમેન્ટ બેન્કર્સ ઊંચા-નીચા થઈ ગયા છે. સ્ટાર્ટઅપ્સના આગામી IPOs પર તેની અસર પડશે અને લિસ્ટિંગમાં વિલંબ થશે.

દેશમાં છેલ્લા બે વર્ષમાં કોરોના લોકડાઉન અને ત્યાર બાદ ભારે નિયંત્રણોને પગલે ડિજિટલ દુનિયામાં ક્રાંતિ આવી છે. આ ડિજિટલ ક્રાંતિને જોઇને હંમેશા નફો કમાવવાની તક શોધતા રોકાણકારોને લાગ્યું કે જો ટેક્નોલોજી કંપનીઓ (TECH COMPANY)માં રોકાણ કરવાની તક મળે તો મોટો નફો રળી શકાય. આ જ માન્યતા સાથે રોકાણકારોએ પેટીએમ, ઝોમેટો, પોલીસીબઝાર, નાયકા જેવી ટેક સ્ટાર્ટઅપ (START UPS)માં આંખ મીચીને રોકાણ કર્યું પરંતુ રોકાણકારોને હાલ છેતરાયા હોવાની લાગણી અનુભવાઇ રહી છે. આ કંપનીઓએ પોતાનું વેલ્યુએશન ઉંચું મૂક્યું અને રોકાણકારોના રૂપિયા અટવાયા. આ જોઇને બજાર નિયમનકાર સેબી (SEBI) સક્રિય થઇ છે અને નક્કી કર્યું છે કે ટેક્નોલોજી કંપનીઓના આઇપીઓ માટે તે હવે નવા નિયમો ઘડશે.

પેટીએમનો શેર તેના ઈશ્યૂ પ્રાઈસથી 68 ટકા તૂટી ગયો. એટલે કે, જો તમે પેટીએમના IPOમાં 1 લાખ રૂપિયા રોક્યા હોત, તો અત્યારે તેના 32,000 થઈ ગયા હોત. ઝોમેટો, પૉલિસીબઝાર અને નાયકાના શેર પણ તેમની 52-સપ્તાહની નીચલી સપાટીની નજીક છે. ટેક સ્ટાર્ટઅપ્સની આવી ધોલાઈથી રોકાણકારોએ કોઈ શીખ મેળવી કે નહીં, તેની તો ખબર નથી, પરંતુ ચારેકોરથી ટીકાઓનો સામનો કર્યા બાદ બજાર નિયમનકાર સેબીએ તો ચોક્કસપણે શીખ મેળવી છે. સેબીએ આવા IPOના વેલ્યુએશનના નિયમો અંગે ફેરવિચારણા હાથ ધરી છે.

માનવામાં આવે છે કે, હવે ટેક સ્ટાર્ટઅપ્સે તેમના આંતરિક બિઝનેસ મેટ્રિક્સની કિતાબ ખુલ્લી મૂકી દેવી પડશે અને તેના આધારે વેલ્યુએશન કરવામાં આવશે. મતલબ કે, કંપનીની કેટલી મોબાઈલ એપ્લીકેશન ડાઉનલોડ થઈ છે, તેના કેટલા એક્ટિવ યુઝર્સ છે, તેઓ એપ્લીકેશન પર કેટલો સમય વીતાવે છે, આવી તમામ વિગતોને વેલ્યુએશન સાથે લિંક કરવાની રહેશે. આવું કરવા પાછળનું કારણ એટલું જ છે કે, સેબીને લાગે છે કે, ખોટ ખાતા સ્ટાર્ટઅપ્સ અન્ય કંપનીઓની જેમ ફાઈનાન્શિયલ ડિસ્ક્લોઝર્સ આપી દે છે, પરંતુ તેનાથી રોકાણકારોને કંપનીની વાસ્તવિક સ્થિતિનો અંદાજ આવતો નથી.

પેટીએમના ફ્લોપ લિસ્ટિંગ પછી ગોકળગતિએ ચાલેલી તપાસ પ્રક્રિયાને કારણે સેબીની ભારે ટીકા પણ થઈ છે. IPO વેલ્યુએશન સંબંધિત સેબીની તપાસ સામે પણ આકરાં સવાલોનો મારો ચાલ્યો છે. શેરબજારના નિષ્ણાતોનું માનવું છે કે, ખોટ ખાતાં સ્ટાર્ટઅપ્સ IPOમાં અતિ ઊંચા ભાવે વેલ્યુએશન કરે છે. સેબીએ આ અંગે ફેબ્રુઆરીમાં ચિંતા પણ વ્યક્ત કરી હતી અને ડિસ્ક્લોઝર નિયમો કડક કરવાની દરખાસ્ત કરી હતી અને તમામ હિતધારકો પાસેથી સલાહ-સૂચનો મંગાવવામાં આવ્યા છે, જે જમા કરાવવાની છેલ્લી તારીખ 5 માર્ચ છે.

હજુ નવા નિયમ લાગુ તો નથી થયા, પરંતુ સેબીએ તેની પહેલાં જ કડકાઈ શરૂ કરી દીધી છે. જે સ્ટાર્ટઅપ્સે IPO માટે સેબીમાં પ્રોસ્પેક્ટસ જમા કરાવ્યા છે, તેમની પાસેથી વધારાની વિગતો માંગવામાં આવી છે. સેબીએ આવા સ્ટાર્ટઅપ્સને નોન-ફાઈનાન્શિયલ મેટ્રિક્સનું ઑડિટ કરાવવાની પણ સૂચના આપી છે. ઈન્વેસ્ટમેન્ટ બેન્કર્સને કહી દેવામાં આવ્યું છે કે, આ મેટ્રિક્સનો ઉપયોગ વેલ્યુએશનમાં કેવી રીતે કરવામાં આવ્યો છે, તે વિગતે સમજાવે.

આ હિલચાલને પગલે કંપનીઓ અને ઈન્વેસ્ટમેન્ટ બેન્કર્સ ઊંચા-નીચા થઈ ગયા છે. સ્ટાર્ટઅપ્સના આગામી IPOs પર તેની અસર પડશે અને લિસ્ટિંગમાં વિલંબ થશે તેવી ચિંતાએ જોર પકડ્યું છે. સ્ટાર્ટઅપ્સની દલીલ છે કે, સેબીના આ નિર્ણયથી અનિશ્ચિતતા વધી રહી છે અને કમ્પ્લાયન્સ કૉસ્ટ પણ ઉપર જઈ રહી છે. પ્રૉફિટમાર્ટ સિક્યૉરિટીઝના રિસર્ચ હેડ અવિનાશ ગોરક્ષકર કહે છે કે, ”સેબીનો ઈરાદો કોઈ કંપનીના IPOના વેલ્યુએશન પર મર્યાદા બાંધવાનો નથી, પરંતુ તેનો પ્રયાસ નફાકારક અને ખોટમય કંપનીઓને એકરૂપ કરવાનો છે.” આ પ્રયાસ બજાર માટે અને રોકાણકારો માટે તો સો ટકા સારો છે.

IPOની તૈયારી કરી રહેલી એક સ્ટાર્ટ-અપના અધિકારીનું કહેવું છે કે, તેમની ચિંતા વધી ગઈ છે. હવે, ભવિષ્યમાં કોઈ પણ સ્ટાર્ટઅપ્સ વિદેશમાં લિસ્ટિંગ કરાવવાનું પસંદ કરશે કારણ કે, ત્યાંના લિસ્ટિંગમાં ઘણી સરળતા છે. હોંગકોંગ જેવા મહાકાય બજારોના નિયમનકારો કંપનીઓની બિઝનેસ પ્રેક્ટિસ તેમજ ફાઈનાન્શિયલ મેટ્રિક્સને લઈને કડક નિયમોનું પાલન કરે છે. પરંતુ કોઈ પણ નિયમનકાર વેલ્યુએશન મેટ્રિક્સને લઈને આટલી ઝીણવટભરી તપાસ નથી કરતું. આમ, અત્યારની હિલચાલને જોતાં લાગે છે કે, આગામી દિવસોમાં સ્ટાર્ટઅપ્સના લિસ્ટિંગ પર બ્રેક વાગી શકે છે. પરંતુ એટલી આશા તો ચોક્કસપણે રાખી શકો કે, ભલે લિસ્ટિંગમાં વિલંબ થાય પરંતુ વેલ્યુએશન વાજબી રહેશે, તો રોકાણકારોએ રોવાનો વારો નહીં આવે.

આ પણ જુઓ

શેરનો ભાવ વધશે કે ઘટશે? કેવી રીતે પડે ખબર?

આ પણ જુઓ

આ રીતે શોધી કાઢો કંપનીના ગોટાળા, નહીં થાય શેરમાં નુકસાન

g clip-path="url(#clip0_868_265)">