ધીરુભાઈ સાથેની મુલાકાત એ મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો: પરિમલ નથવાણી
તેમણે સ્વ. ધીરુભાઈ અંબાણી (Dhirubhai Ambani) તેમજ મુકેશ અંબાણી સાથે ખૂબ જ નજીકથી કામ કર્યું હતુ અને જામનગરમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી માટે જમીન સંપાદનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
પરિમલ ધીરજલાલ નથવાણી (Parimal Nathwani) એક ભારતીય રાજકારણી અને ઉદ્યોગપતિ છે. તેમનો જન્મ 1 ફેબ્રુઆરી, 1956ના રોજ થયો હતો. તેઓ આંધ્ર પ્રદેશમાંથી રાજ્યસભાના સાંસદ છે. તેઓ 2008-2020 સુધી ઝારખંડમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે પણ રહી ચૂક્યા છે. તેઓ 2020ની રાજ્યસભાની ચૂંટણીમાં આંધ્ર પ્રદેશમાંથી રાજ્યસભામાં ચૂંટાયા હતા. તેઓ 1997માં રિલાયન્સ ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝમાં જોડાયા તે પહેલા તેઓ એક ઉદ્યોગસાહસિક હતા. હાલમાં તેઓ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં કોર્પોરેટ અફેર્સ ડિરેક્ટર છે. તેમણે સ્વ. ધીરુભાઈ અંબાણી (Dhirubhai Ambani) તેમજ મુકેશ અંબાણી સાથે ખૂબ જ નજીકથી કામ કર્યું હતુ અને જામનગરમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી માટે જમીન સંપાદનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
પરિમલ નથવાણીનું કહેવુ છે કે ધીરુભાઈ સાથેની મુલાકાત એ મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતી. તેમણે પોતાના બ્લોગમાં તેમની ધીરુભાઈ સાથેની મુલાકાત અને તેના કારણે જીવનમાં આવેલા પરિવર્તન વિશે લખ્યુ છે. ધીરુભાઈએ તેમના જીવનમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. તેમણે ધીરુભાઈ અંબાણી અને મુકેશ અંબાણી સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેયર કરીને પોતાની વાત રજૂ કરી છે. પરિમલ નથવાણીએ ટ્વિટર, લિંકડીન અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા માધ્યમ પર પોતાની આ ખાસ મુલાકાત વિશે વાત કરી છે.
Meeting Sh Dhirubhai & Sh #MukeshAmbani for the first time was a life-altering moment for me. As a mentor, Sh Dhirubhai gave me proper guidance & backed me to play a vital role in the historical development of world’s largest oil refinery in #Jamnagar. https://t.co/DUP0kOrgvH pic.twitter.com/TRIDjAGHvx
— Parimal Nathwani (@mpparimal) August 23, 2022
ધીરુભાઈ સાથેની ખાસ મુલાકાત
પરિમલ નથવાણીએ પોતાના બ્લોગમાં લખ્યુ છે કે મારા પિતરાઈ ભાઈ મનોજ મોદીએ મને ધીરુભાઈ અંબાણી સાથેની મુલાકાત વિશે ફોન કર્યો હતો. હું ધીરુભાઈને મળવા મુંબઈ ગયો. કમનસીબે, તે દિવસે મીટિંગ થઈ ન હતી કારણ કે તેઓ તેમની મીટિંગ્સમાં વ્યસ્ત હતા. વડોદરામાં મને કેટલાક કામ હતા, તેથી હું ત્યા ગયો.
થોડા દિવસો પછી મીટિંગ ફરીથી નક્કી કરવામાં આવી. તે દિવસે તેમની મુલાકાત ધીરુભાઈ સાથે થઈ. તેમની ઓફિસમાં તેમના પુત્રો મુકેશ અંબાણી અને અનિલ અંબાણી સાથે હતા. પરિમલ નથવાણી થોડા નર્વસ હતા. કારણ કે, તેમના જીવનમાં તેઓ પહેલીવાર કોર્પોરેટ ઓફિસમાં ગયા હતા. તે સમયે ધીરુભાઈએ તેમને આરામદાયક ફીલ કરાવ્યુ હતુ.
ધીરુભાઈ અંબાણીએ પરિમલ નથવાણીને જામનગરમાં વર્લ્ડ ક્લાસ રિફાઈનરી બનાવવાના તેમના ડ્રીમ પ્રોજેક્ટ વિશે માહિતી આપવાનું શરૂ કર્યું. તેઓ રિફાઈનરી માટે જે જમીન મેળવવા માગતા હતા તે પ્રદેશના ખેડૂતોની માલિકીની હતી. તેઓ ખેડૂતોને સારા વળતરની ઓફર કરી રહ્યા હતા, પરંતુ ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા. ધીરુભાઈ તે સમજવા માંગતા હતા કે ખેડૂતો તેમની પાસેથી સંપાદિત કરવામાં આવેલી જમીનના 8 ગણાથી વધુ નાણા મેળવવા છતાં શા માટે નારાજ છે?
પરિમલ નથવાણીએ પોતાના બ્લોગમાં આગળ કહ્યુ છે કે, ધીરુભાઈ ઇચ્છતા હતા કે હું ખેડૂતોને મળું અને ચોક્કસ મુદ્દો શોધી કાઢું. મેં તેમને ખૂબ જ નમ્રતાપૂર્વક કહ્યું કે મને તેનો સામનો કેવી રીતે કરવો તે વિશે ખ્યાલ નથી. કારણ કે હું જમીન સંપાદન અને સરકારી પ્રક્રિયાઓની તકનીકી સાથે જાણકાર પણ નહોતો પણ ધીરુભાઈને મારા પર વિશ્વાસ હતો. તેમણે મને કહ્યું, “પરિમલ, મેં બોલતા હું તુ કર લેગા. તુ બસ શુરુ કર ઔર મુજે બતા.”પરિમલ નથવાણીને ખાતરી હતી કે, હું આ કરીશ. ધીરુભાઈ અંબાણીએ મારામાં જે આત્મવિશ્વાસ દર્શાવ્યો છે, તેમણે મને જે જવાબદારી સોંપી છે, હું તેને નિભાવીશ.
પરિમલ નથવાણીએ જામનગરમાં ‘વ્હાઈટ હાઉસ’ નામની ભાડાની ઑફિસ મેળવી અને પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કર્યું. ખેડૂતો સાથે વાત કરીને તેમને મનાવી લેવામાં સફળ થયા. 2 સમુદાયોના વિરોધનો સામનો કરીને પણ મુશ્કેલીઓ દૂર કરીને તેઓ ધીરુભાઈની ઈચ્છા પૂરી કરવામાં સફળ રહ્યા. પરિમલ નથવાણીએ છેલ્લે લખ્યુ છે કે, આ રીતે હું રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ સાથે સંકળાયો અને એશિયાની સૌથી મોટી રિફાઈનરીનો એક ભાગ બન્યો. ધીરુભાઈ મારા માર્ગદર્શક રહ્યા છે અને હું તેમની પાસેથી જે શીખ્યો છું તે તમામનો હું ઋણી છું.