ITR ફાઇલિંગ માટે સમયમર્યાદા ન લંબાવતા ઈન્કમટેક્સ વિભાગને ફટકારાઇ લીગલ નોટિસ, જાણો કેમ ભરાયું પગલું
આ કાનૂની નોટિસમાં જણાવાયું છે કે આ પત્ર મળ્યા પછી જો તમારી ઓફિસ આવકવેરા રિટર્ન ભરવાની સાથે ટેક્સ ઓડિટ રિપોર્ટ્સ ફાઇલ કરવાની સમયમર્યાદા 31 માર્ચ 2022 સુધી લંબાવતી નથી તો અમારા એસોસિએશને ઓડિશાની હાઇકોર્ટમાં PIL ફાઇલ કરવી પડશે.
Income Tax Return: ઓલ ઓડિશા ટેક્સ એડવોકેટ્સ એસોસિએશન (AOTAA) એ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) ને કરદાતાઓ માટે રિટર્ન ફાઇલ કરવાની સમયમર્યાદા ન લંબાવવા માટે કાનૂની નોટિસ ફટકારી છે. એક અહેવાલ અનુસાર આ માટે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના નવા પોર્ટલમાં આવેલી ઘણી ટેકનિકલ મુશ્કેલીઓને જવાબદાર ગણાવાઈ છે. આ સાથે આવકવેરા અધિનિયમ 1961ની કલમ 234F હેઠળ લેટ ફાઇલિંગ ફી પણ લાગુ કરવામાં આવી છે.
આવકવેરા રિટર્નની છેલ્લી તારીખ પસાર થઈ ગઈ છે. રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર હતી. ટેક્સ વિભાગે જણાવ્યું છે કે છેલ્લા દિવસ એટલે કે 31 ડિસેમ્બર સુધીમાં દેશમાં લગભગ 58.9 કરોડ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે.
કેમ અપાઈ નોટિસ?
આ કાનૂની નોટિસમાં જણાવાયું છે કે આ પત્ર મળ્યા પછી જો તમારી ઓફિસ આવકવેરા રિટર્ન ભરવાની સાથે ટેક્સ ઓડિટ રિપોર્ટ્સ ફાઇલ કરવાની સમયમર્યાદા 31 માર્ચ 2022 સુધી લંબાવતી નથી તો અમારા એસોસિએશને ઓડિશાની હાઇકોર્ટમાં PIL ફાઇલ કરવી પડશે. જેમાં આકારણી વર્ષ 2021-22 માટે રિટર્ન ફાઇલિંગ અને ટેક્સ ઓડિટ રિપોર્ટની સમયમર્યાદા લંબાવવા માટે નિર્દેશ આપવા અપીલ કરવામાં આવશે. અધિનિયમની કલમ 234F હેઠળ લેવામાં આવેલી વિલંબિત ફાઇલિંગ ફી પાછી ખેંચવા માટે પણ અપીલ કરવામાં આવશે.
લીગલ નોટિસ મુજબ જોકે આવકવેરા વિભાગનું જૂનું પોર્ટલ કોઈપણ વિક્ષેપ વિના કામ કરી રહ્યું હતું અને તે વપરાશકર્તા માટે અનુકૂળ પણ હતું પરંતુ કેન્દ્રીય નાણા મંત્રાલયે મૂલ્યાંકન વર્ષ 2021-22ની શરૂઆત પછી એક નવું પોર્ટલ બનાવવાનું કાર્ય ઇન્ફોસિસને સોંપ્યું હતું. માનનીય હાઈકોર્ટના અગાઉના નિર્દેશો અનુસાર સીબીડીટી પોર્ટલ પર રિટર્ન ફોર્મ સમયસર અપલોડ કરવામાં નિષ્ફળ રહી છે.
આ મુશ્કેલીઓ સર્જાઈ
સરકારે નાણાકીય વર્ષ 2020-21 માટે આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની અંતિમ તારીખ લંબાવી નથી. નાણાકીય વર્ષ માટે ITR ફાઇલ કરવાની સમયમર્યાદા બે વખત લંબાવવામાં આવી હોવા છતાં નવા લોંચ થયેલા ઇ-ફાઇલિંગ પોર્ટલમાં વિવિધ તકનીકી મુશ્કેલીઓને કારણે ઘણા લોકો સમયસર તેમના રિટર્ન ફાઇલ કરી શક્યા ન હતા.
લીગલ નોટિસમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નવું પોર્ટલ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે રિટર્ન ફોર્મ ભરવા અને અપલોડ કરવામાં ઘણો સમય લાગે છે. કેટલાક કિસ્સાઓમાં પોર્ટલ ITR ફોર્મ ભરવાની વચ્ચે અટકી જાય છે, જેના કારણે કરદાતાઓને મુશ્કેલી પડે છે. આ સાથે ટેક્સ પ્રોફેશનલ્સને પણ 31મી ડિસેમ્બર, 2021 સુધી આ ફોર્મ ભરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.
આ પણ વાંચો : સોનામાં રોકાણ કરવા વિચારી રહ્યા છો? આ 3 વિકલ્પ અજમાવો, ફાયદામાં રહેશો
આ પણ વાંચો : સ્ટેમ્પ ડ્યૂટીનો ખર્ચ બચાવી પાવર ઓફ એટર્નીથી મિલ્કતની લે-વેચ લાભદાયક કે નુકસાનનો સોદો? જાણો જવાબ