કોટક મહિન્દ્રા બેંકે બચત ખાતા અને એફડી પરના વ્યાજ દરમાં વધારો કર્યો, ગ્રાહકો જાણી લો નવા દર
કોટક મહિન્દ્રા બેંકે ગુરુવારે સેવિંગ્સ એકાઉન્ટ્સ અને ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પરના વ્યાજ દરમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. ખાનગી બેંકે જાહેરાત કરી છે કે બચત ખાતા પર વ્યાજ દર વધારીને 4 ટકા કરવામાં આવી રહ્યો છે.
કોટક મહિન્દ્રા બેંકે(Kotak Mahindra Bank) ગુરુવારે સેવિંગ્સ એકાઉન્ટ (Savings Account) અને ફિક્સ્ડ ડિપોઝિટ (FD Rates) પર વ્યાજ દરોમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. ખાનગી બેંકે જાહેરાત કરી છે કે બચત ખાતા પર વ્યાજ દર વધારીને 4 ટકા કરવામાં આવી રહ્યો છે. અગાઉ તે 3.5 ટકા વાર્ષિક હતો. બચત ખાતા પરનો નવો વ્યાજ દર 13 જૂન, 2022થી લાગુ થશે. તે જ સમયે, કોટક મહિન્દ્રા બેંકે ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં 15 બેસિસ પોઈન્ટ્સ સુધીનો વધારો કર્યો છે. FD પરના નવા વ્યાજ દર (Interest Rates) 10 જૂન, 2022થી લાગુ થશે.
બેંકે એક વર્ષથી વધુ સમયની FD પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે. 365 દિવસથી 389 દિવસમાં પાકતી FD પર વ્યાજ દર 5.40 ટકાથી વધારીને 5.50 ટકા કરવામાં આવ્યો છે. જ્યારે 390 દિવસની પાકતી મુદતની થાપણો પર વ્યાજ દર 5.50 ટકાથી વધારીને 5.65 ટકા કરવામાં આવ્યો છે.
10 વર્ષની મુદતવાળી FD પર 5.90% વ્યાજ
આ સિવાય 391 દિવસથી 23 મહિનાથી ઓછા સમયગાળાની FD પર હવે 5.65 ટકાના દરે વ્યાજ મળશે. તે જ સમયે, 23 મહિનાથી ત્રણ વર્ષની મુદતવાળી ફિક્સ્ડ ડિપોઝિટ પર 5.75 ટકાનો વ્યાજ દર ઉપલબ્ધ છે. જ્યારે, ત્રણ વર્ષથી 10 વર્ષની મુદતવાળી FD પર વ્યાજ દર અગાઉના 5.75 ટકાથી વધારીને 5.90 ટકા કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે રેપો રેટમાં વધારો કર્યા બાદ ઘણી બેંક એફડીના વ્યાજ દરોમાં વધારો કરવામાં આવી રહ્યો છે. કોટક મહિન્દ્રા બેંક ઉપરાંત આરબીએલ બેંક એટલે કે રત્નાકર બેંક લિમિટેડે ફિક્સ ડિપોઝીટના વ્યાજ દરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. RBL બેંક અનુસાર, હવે 15 મહિનાની FD સ્કીમ પર 6.65 ટકા વ્યાજ આપવામાં આવશે. નવા દરો 8 જૂન, 2022થી લાગુ થશે. નવા દરો રૂ. 2 કરોડ અને રૂ. 3 કરોડથી ઓછી રકમની થાપણો માટે લાગુ કરવામાં આવ્યા છે.
ICICI બેંકે એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ (EBLR) 50 બેસિસ પોઈન્ટ્સ 8.10 ટકાથી વધારીને 8.60 ટકા કર્યો છે. ICICI બેંકે પોતાની વેબસાઈટ પર લખ્યું છે કે ભારતીય રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં વધારાને ધ્યાનમાં રાખીને EBLRમાં વધારો કરવામાં આવ્યો છે અને તે હવે 8.60 ટકા થઈ ગયો છે. નવા દર 8 જૂન, 2022થી અમલમાં આવ્યા છે.