નાની બચત યોજનાઓ પર વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં, કોવિડને કારણે નિર્ણય
પીપીએફ પર 7.1 ટકા અને નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ પર 6.8 ટકાના દરે વાર્ષિક વ્યાજ યથાવત રહેશે.
સરકારે રાષ્ટ્રીય બચત પત્ર (National Savings Certificate – NSC) અને પબ્લિક પ્રોવિડન્ડ ફંડ (PPF) સહિતની નાની બચત યોજનાઓ પર ચોથા ક્વાર્ટર માટે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. કોવિડના નવા વેરિયન્ટ ઓમિક્રોનની (Omicron) વધતી અસર અને મોંઘવારી દર (inflation rate) ઊંચા સ્તરે હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નિર્ણય બાદ PPF પર 7.1 ટકા અને નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ ( NSC) પર વાર્ષિક 6.8 ટકાના દરે વ્યાજ મળવવાનું ચાલુ રહેશે.
શું છે સરકારનો નિર્ણય
નાણા મંત્રાલયે આજે એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2021-22ના ચોથા ક્વાર્ટર (1 જાન્યુઆરી, 2022 થી 31 માર્ચ, 2022 સુધી) દરમિયાન વિવિધ નાની બચત યોજનાઓ પર વ્યાજનો દર યથાવત રહેશે. એટલે કે, ચોથા ક્વાર્ટર દરમિયાન, રોકાણકારોને તે જ દરે વ્યાજ મળશે જે તેમને ત્રીજા ક્વાર્ટરમાં મળી રહ્યું છે. સાથે જ, નવા રોકાણ પર પણ જૂના દરો ઉપલબ્ધ રહેશે. જાણકારોના મતે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાની બચત યોજનાઓમાં પશ્ચિમ બંગાળ પછી ઉત્તર પ્રદેશ બીજા ક્રમે છે. નાની બચત યોજનાઓ પર વ્યાજ દર ત્રિમાસિક ધોરણે જાહેર કરવામાં આવે છે.
કેટલું વ્યાજ મળશે
મંત્રાલયના પરિપત્ર મુજબ, PPF પર 7.10 ટકા, NSC પર 6.8 ટકા, પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના ખાતામાં 6.6 ટકા અને વરિષ્ઠ નાગરિક બચત યોજના પર 7.4 ટકા વ્યાજ મળશે. 5 વર્ષની માસિક આવક યોજના પર વાર્ષિક 6.6 ટકાના દરે વ્યાજ મળશે. એક વર્ષની થાપણ પર વ્યાજ દર 5.5 ટકા જ્યારે 5 વર્ષની થાપણ પર, વ્યાજ દર 6.7 ટકા રહેશે.
વરિષ્ઠ નાગરિકોને 5 વર્ષની બચત યોજનામાં 7.4 ટકા વ્યાજ મળશે. આ સાથે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 7.6 ટકા વ્યાજ મળશે. જ્યારે, કિસાન વિકાસ પત્ર પર 6.9 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. બચત યોજના પર 4 ટકા વ્યાજ ચાલુ રહેશે. એક થી પાંચ વર્ષ માટે ટર્મ ડિપોઝીટ પર 5.5 થી 6.7 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. 5 વર્ષની રિકરિંગ ડિપોઝિટ પર 5.8 ટકા વ્યાજ મળશે.
FD કરતાં વધુ સારું વળતર
નાની બચત યોજનાઓ પર વ્યાજ દર ત્રિમાસિક ધોરણે નક્કી કરવામાં આવે છે. વ્યાજમાં કોઈ ફેરફાર ન થયો હોવાથી, નાની બચત યોજનાઓ બેંક FD કરતાં વધુ સારું વળતર આપી રહી છે. SBI ની બેંક FDના વ્યાજ દરો 2.9 ટકાથી 5.4 ટકાની વચ્ચે છે. બેંક વરિષ્ઠ નાગરિકોને FD પર 3.4 થી 6.2 ટકા વ્યાજ ઓફર કરી રહી છે.
એવું માનવામાં આવે છે કે કોરોના સંકટને કારણે લોકોની આવકને ધ્યાનમાં રાખીને, વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવી રહ્યો નથી, જેથી લોકોને તેમની થાપણો પર થોડી સારી આવક મળી શકે. આ સાથે મોંઘવારી દર ઉંચો હોવાને કારણે પણ સરકાર વ્યાજ દરમાં ઘટાડો કરવા માટે પગલાં લઈ રહી નથી.
આ પણ વાંચો : આ વસ્તુઓ પર નથી લાગતો GST, વાંચો પુરુ લીસ્ટ