Breaking News: ICICI બેંકના ભૂતપૂર્વ CEO ચંદા કોચર દોષિત જાહેર, 64 કરોડની લાંચ લેવાનો હતો આરોપ
ICICI બેંકના ભૂતપૂર્વ CEO ચંદા કોચરને દોષિત ઠેરવવામાં આવ્યા છે. EDએ દાવો કર્યો હતો કે ચંદા કોચરે ICICI બેંકની આંતરિક નીતિઓનું ઉલ્લંઘન કરીને આ લોન આપી હતી.

ICICI બેંકના ભૂતપૂર્વ CEO ચંદા કોચરને દોષિત ઠેરવવામાં આવ્યા છે. તેમના પર વીડિયોકોન કંપનીને 300 કરોડ રૂપિયાની લોન પાસ કરવા માટે 64 કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ હતો. જેમાં તેમને દોષિત ઠેરવવામાં આવ્યા છે.
ICICI બેંકના ભૂતપૂર્વ CEO ચંદા કોચરને વિડીયોકોન ગ્રુપને 300 કરોડ રૂપિયાની લોનના બદલામાં 64 કરોડ રૂપિયાની લાંચ લેવા બદલ અપેલેટ ટ્રિબ્યુનલે દોષિત ઠેરવ્યા છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, 3 જુલાઈના રોજના તેના આદેશમાં, ટ્રિબ્યુનલે કહ્યું કે આ પૈસા ચંદાના પતિ દીપક કોચર દ્વારા વિડીયોકોન સાથે જોડાયેલી કંપની દ્વારા ચૂકવવામાં આવ્યા હતા. તેને ‘ક્વિડ પ્રો ક્વો’નો સ્પષ્ટ કેસ તરીકે વર્ણવવામાં આવ્યો હતો.
શું છે સમગ્ર કેસ ?
EDએ દાવો કર્યો હતો કે ચંદા કોચરે ICICI બેંકની આંતરિક નીતિઓનું ઉલ્લંઘન કરીને આ લોન આપી હતી. ટ્રિબ્યુનલે EDના દાવાને માન્ય રાખ્યો હતો અને કહ્યું હતું કે ચંદાએ વિડીયોકોન સાથેના તેના પતિના વ્યવસાયિક જોડાણને છુપાવ્યું હતું, જે બેંકના હિતોના સંઘર્ષના નિયમોની વિરુદ્ધ હતું.
રૂપિયાની રમત
ટ્રિબ્યુનલે જણાવ્યું હતું કે, ICICI બેંકે વિડીયોકોનને 300 કરોડ રૂપિયાની લોન આપતાની સાથે જ બીજા જ દિવસે 64 કરોડ રૂપિયા વિડીયોકોનની કંપની SEPLમાંથી NRPLમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. કાગળ પર, NRPL ને વિડીયોકોનના ચેરમેન વેણુગોપાલ ધૂતની માલિકીનું દર્શાવવામાં આવ્યું હતું, પરંતુ વાસ્તવમાં તે દીપક કોચર દ્વારા નિયંત્રિત હતું, જે તેના મેનેજિંગ ડિરેક્ટર પણ હતા. ટ્રિબ્યુનલે આને લાંચનો સીધો પુરાવો માન્યો હતો.
ટ્રિબ્યુનલે 2020 માં એક ઓથોરિટીના નિર્ણયને પણ ખોટો જાહેર કર્યો હતો, જેમાં ચંદા અને તેના સહયોગીઓની 78 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરવામાં આવી હતી. ટ્રિબ્યુનલે કહ્યું હતું કે ઓથોરિટીએ જરૂરી પુરાવાઓને અવગણ્યા અને ખોટો નિષ્કર્ષ કાઢ્યો. EDએ મજબૂત પુરાવા અને ઘટનાઓની સ્પષ્ટ સમયરેખાના આધારે મિલકત જપ્ત કરી હતી. ટ્રિબ્યુનલે જણાવ્યું હતું કે લોન પાસ કરવી, પૈસા ટ્રાન્સફર કરવા અને દીપક કોચરની કંપનીને ભંડોળ મોકલવા એ બધું ચંદા કોચર દ્વારા સત્તાનો દુરુપયોગ અને નૈતિકતાનો ભંગ દર્શાવે છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
