CNG Price Hike : ગુજરાત ગેસે વધાર્યા CNGના ભાવ, કિલોએ દોઢ રુપિયાનો વધારો ઝીંક્યો
ગુજરાત ગેસે નવા વર્ષના પહેલા દિવસે CNG ના ભાવમાં પ્રતિ કિલો ₹1.50 નો વધારો કર્યો છે. આ છ મહિનામાં ચોથો ભાવ વધારો છે, જેનાથી CNG વાહન ચાલકોમાં ભારે રોષ છે. છેલ્લા છ મહિનામાં કુલ ₹5 નો વધારો થયો છે, જેનાથી લાખો વાહનચાલકો પર ભારે આર્થિક બોજો પડશે.
નવા વર્ષે જ ગુજરાતીઓને ખૂબ મોટો ઝટકો મળ્યો છે. નવા વર્ષમાં CNG વાહન ચાલકોને મોટો ફટકો પડ્યો છે. ગુજરાત ગેસે CNGના (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) ભાવમાં વધારો કર્યો છે. મોટી વાત એ છે કે ગુજરાત ગેસે 6 મહિનામાં જ આ ચોથી વખત CNGના ભાવમાં વધારો કર્યો છે.
સીએનજી વાહન ચાલકોને માથે વધશે ભારણ
રાજ્યમાં લાખોની સંખ્યામાં કાર અને રીક્ષાઓ સીએનજી ગેસનો ઉપયોગ કરી રહ્યા છે.જો કે આ વધારાથી CNG કારના માલિકો તેમજ રીક્ષા ચાલકોને વધારે રૂપિયા ખર્ચવા પડશે. CNGના ભાવમાં દોઢ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત ગેસ કંપની દ્વારા આજથી જ CNGના ભાવમાં એક કિલોએ દોઢ રૂપિયાનો વધારો અમલમાં મુકવામાં આવ્યો છે. સીએનજી ગેસના ભાવ વધારો થવાને કારણે સીએનજી વાહન ચાલકોને માથે દરરોજ લાખો-કરોડો રૂપિયાનું ભારણ વધશે.
કિલો દીઠ દોઢ રુપિયાનો વધારો
એક તરફ પહેલેથી જ સામાન્ય જનતા મોંઘવારીનો માર સહન કરી રહી છે, ત્યારે ગુજરાત ગેસના સીએનજીના ભાવમાં વધારાની જાહેરાતથી વાહનચાલકોમાં નિરાશા સાંપડી છે. રાજ્યમાં લાખોની સંખ્યામાં કાર અને રીક્ષા સીએનજી વાહનનો ઉપયોગ કરી રહ્યા છે. કિલોદીઠ CNGના ભાવમાં દોઢ રૂપિયા વધારો કરવામાં આવતા હવે ભાવ 79.26 રુપિયા પર પહોંચી ગયો છે.આ પહેલા ગેસનો ભાવ ₹ 77.76 હતો.
6 મહિનામાં ચાર વાર ભાવ વધારો
આ પહેલા થયેલા CNGના ભાવ વધારાની વાત કરીએ તો જુલાઈ માસમાં સીએનજીના ભાવમાં 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ઓગસ્ટમાં પણ સીએનજીના ભાવમાં એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. પછી ડિસેમ્બર મહિનામાં પણ ભાવ વધારો કર્યો હતો . હવે ફરીથી નવા વર્ષના પહેલા દિવસ 1 જાન્યુઆરીથી થી એટલે કે આજથી સીએનજીના ભાવમાં દોઢ રૂપિયાનો વધારો કરાતા વાહનચાલકોમાં રોષ વ્યાપી ગયો છે.
6 મહિનામાં કુલ 5 રુપિયા વધ્યા
છેલ્લા 6 મહિનામાં જ સીએનજીમાં કિલો દીઠ ભાવમાં 5 રૂપિયાનો વધારો કરાયો છે. સુરતમાં રિક્ષા-કાર મળી અંદાજે દોઢ લાખ સીએનજી વાહનો છે, જેમાં રોજનો અંદાજે 3 લાખ કિલો સીએનજીનો ઉપયોગ થાય છે. ભાવ વધારો થવાને કારણે સીએનજી વાહનચાલકો પર રોજનું 4.50 લાખ રૂપિયાનું ભારણ વધશે.