કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ના અધ્યક્ષની નિમણૂક અંગે નિર્ણય લેશે, સેબીના વર્તમાન અધ્યક્ષ (SEBI Chairman) અજય ત્યાગીનો વિસ્તૃત કાર્યકાળ આ મહિને પૂરો થઈ રહ્યો છે, સૂત્રોએ જણાવ્યું હતું કે સેબીના વરિષ્ઠ અમલદારો અને ભૂતપૂર્વ સભ્યોએ ચેરમેન પદ માટે અરજી કરી છે, નાણા મંત્રાલયે ઓક્ટોબર 2021માં સેબીના અધ્યક્ષ પદ માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજીઓ માંગી હતી. અરજીની છેલ્લી તારીખ 6 ડિસેમ્બર, 2021 હતી, જો કે તે હજી સ્પષ્ટ નથી કે વર્તમાન અધ્યક્ષ ત્યાગીને આ પદ પર ચાલુ રહેવાની બીજી તક આપવામાં આવશે કે નવી નિમણૂક કરવામાં આવશે.
ત્યાગી હિમાચલ પ્રદેશ કેડરના 1984 બેચના વહીવટી સેવા અધિકારી છે. તેમની 1 માર્ચ, 2017ના રોજ સેબીના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ નિમણૂક ત્રણ વર્ષ માટે કરવામાં આવી હતી અને તેમને ઓગસ્ટ, 2020માં છ મહિના અને પછી 18 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. સેબી પહેલા, તેઓ આર્થિક બાબતોના મંત્રાલયમાં અધિક સચિવ હતા, તેમણે મૂડી બજાર, રોકાણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કરન્સી વિભાગ સંભાળ્યા હતા. તેઓ રાજ્ય અને કેન્દ્ર સરકારમાં પણ ઘણા મહત્વના હોદ્દા પર રહ્યા છે.
બીજી તરફ, સેબીએ એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના પદ પર નિમણૂક માટે અરજીઓ મંગાવી છે. રેગ્યુલેટરે ઝડપી કામગીરી અને વધુ અસરકારક કામગીરી માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. સેબીએ જાહેર નોટિસમાં જણાવ્યું હતું કે એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની નિમણૂક ત્રણ વર્ષના સમયગાળા માટે પ્રતિનિયુક્તિ અથવા કરારના આધારે થશે, આ માટે અરજીઓ મંગાવવામાં આવી છે, અરજીની છેલ્લી તારીખ 11 માર્ચ, 2022 છે. રેગ્યુલેટર મુજબ, ઉમેદવારને સિક્યોરિટીઝ માર્કેટ સાથે સંબંધિત સમસ્યાઓનો સામનો કરવાનો ઓછામાં ઓછો 20 વર્ષનો અનુભવ હોવો જોઈએ અથવા કાયદા, તપાસ, નાણા, અર્થશાસ્ત્ર અને એકાઉન્ટિંગમાં વિશેષ જ્ઞાન અથવા અનુભવ હોવો જોઈએ.
રેગ્યુલેટરની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી મુજબ, સેબી પાસે હાલમાં નવ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. જેમાં નાગેન્દ્ર પારેખ, અમરજીત સિંહ, સુજીત પ્રસાદ, આનંદ આર બૈવર, એસ રવિન્દ્રન, એસવી મુરલી ધર રાવ, વીએસ સુંદરસન, જી બબીતા રાયડુ અને ગિરાજ પ્રસાદ ગર્ગનો સમાવેશ થાય છે.
નોંધનીય વાત એ છે કે, સેબીએ જાન્યુઆરીમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની જગ્યાઓ ભરવા સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો હતો. નવા નિયમો હેઠળ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સની કુલ જગ્યાઓમાંથી બે તૃતીયાંશ જગ્યાઓ આંતરિક ઉમેદવારોમાંથી નિમણૂક કરવામાં આવશે જ્યારે બાકીના એક તૃતીયાંશને કરાર પર પસંદ કરવામાં આવશે.