ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર : વિશ્વના દેશો મંદીના ભરડામાં સપડાવા છતાં ભારતને નહીં આવે આંચ, વાંચો સર્વેમાં સામે આવેલી રસપ્રદ માહિતી
આ યાદીમાં હોંગકોંગ, તાઇવાન, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયામાં આવતા વર્ષે મંદીની 20 ટકા સંભાવના છે. બીજી તરફ વિયેતનામ અને થાઈલેન્ડમાં મંદીની સંભાવના 10 ટકા છે.
વિશ્વના તમામ દેશોમાં મંદી(Recession)ની સંભાવનાને લઈને ચિંતા વધી રહી છે પરંતુ ભારતે મંદી અંગે ચિંતા કરવાની જરૂર નથી. બ્લૂમબર્ગે તાજેતરમાં અર્થશાસ્ત્રીઓનો સર્વે હાથ ધર્યો હતો. આ સર્વેમાં સામે આવ્યું છે કે એશિયાના કેટલાક દેશોમાં મંદીનું જોખમ વધી રહ્યું છે. આ પાછળનું કારણ સર્વેમાં સામે આવ્યું છે કે વધતી કિંમતોને કારણે કેન્દ્રીય બેંકોએ વ્યાજ દરમાં વધારો કરવો પડ્યો છે. જો કે, સર્વે અનુસાર ભારતમાં આર્થિક મંદીની શક્યતા બિલકુલ નહિવત છે. સર્વે મુજબ એશિયામાં આવતા વર્ષે સૌથી વધુ મંદીની શક્યતા શ્રીલંકામાં છે. આવતા વર્ષે આ દેશમાં મંદી આવવાની 85 ટકા શક્યતા છે.
એશિયામાં શ્રીલંકા સૌથી વધુ પ્રભાવિત થવાની સંભાવના: સર્વે
સર્વે મુજબ એશિયામાં આવતા વર્ષે સૌથી વધુ મંદીની શક્યતા શ્રીલંકામાં છે. આવતા વર્ષે આ દેશમાં મંદી આવવાની 85 ટકા શક્યતા છે. ગયા વર્ષે આ સંભાવના 33 ટકા હતી. ગત વર્ષથી શ્રીલંકામાં મંદીની સંભાવના ખૂબ જ વધી ગઈ છે. તે પછી 33 ટકા સાથે ન્યુઝીલેન્ડ, 25 ટકા સાથે દક્ષિણ આફ્રિકા, 25 ટકા સાથે જાપાન અને 20 ટકા સાથે ચીનનો નંબર આવે છે.
આ યાદીમાં હોંગકોંગ, તાઇવાન, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયામાં આવતા વર્ષે મંદીની 20 ટકા સંભાવના છે. બીજી તરફ વિયેતનામ અને થાઈલેન્ડમાં મંદીની સંભાવના 10 ટકા છે. સર્વે મુજબ ફિલિપાઈન્સમાં આવતા વર્ષે મંદીની સંભાવના 8 ટકા છે. સર્વેમાં સામેલ અર્થશાસ્ત્રીઓના મતે ઈન્ડોનેશિયામાં આ આંકડો 3 ટકા છે. આ યાદીમાં ભારત સૌથી નીચે છે. આપણા દેશમાં થયેલા સર્વે મુજબ આવતા વર્ષે મંદીની સંભાવના શૂન્ય ટકા છે.
સર્વે અનુસાર ચીનમાં મંદીની શક્યતા
સર્વેમાં આવેલા અર્થશાસ્ત્રીઓએ ન્યુઝીલેન્ડ, તાઈવાન, ઓસ્ટ્રેલિયા અને ફિલિપાઈન્સમાં મંદીની સંભાવના વધી છે. આ દેશોમાં ફુગાવાને અંકુશમાં રાખવા માટે કેન્દ્રીય બેંકોએ વ્યાજદરમાં વધારો કર્યો છે. જો આપણે સર્વે પર નજર કરીએ તો ગયા વર્ષથી ચીન, દક્ષિણ કોરિયા અને જાપાનમાં આવતા વર્ષે મંદીની સંભાવનામાં કોઈ ફેરફાર થયો નથી.
જોકે બ્લૂમબર્ગના મતે એશિયાઈ દેશોની અર્થવ્યવસ્થા યુરોપ અને અમેરિકા કરતાં વધુ સારી કામગીરી કરી રહી છે. જર્મની અને ફ્રાન્સ જેવા દેશો ઊર્જાના વધતા ભાવથી સૌથી વધુ પ્રભાવિત થયા છે.
વિશ્વના અન્ય ચલણની સરખામણીએ રૂપિયામાં ઘસારો ઓછો: CEA
દેશના મુખ્ય આર્થિક સલાહકાર(Chief Economic Advisor) વી અનંત નાગેશ્વરન અનુસાર ભારતીય રૂપિયામાં ઘટાડો એ ડોલર સામે વિશ્વની અન્ય મુખ્ય કરન્સીમાં થયેલા ઘટાડા કરતાં ઓછો છે. એટલે કે અન્ય કરન્સી કરતાં રૂપિયાનું પ્રદર્શન સારું રહ્યું છે. તેમના મતે રૂપિયા સામે યુરો, બ્રિટિશ પાઉન્ડ અને યેનનો ઘટાડો રૂપિયા કરતાં વધુ રહ્યો છે. નાગેશ્વરને જણાવ્યું હતું કે ડૉલર સામે અન્ય કરન્સીમાં ઘટાડો ફેડરલ રિઝર્વ દ્વારા કડક નીતિઓને કારણે થયો છે. વર્ષ 2022માં અત્યાર સુધીમાં ડોલર સામે રૂપિયો (Rupee vs dollar)7 ટકાથી વધુ તૂટ્યો છે.