Forex Reserves : વિદેશી મુદ્રા ભંડારમાં 1.14 અબજ ડોલરનો ઘટાડો, જાણો RBI ની તિજોરીમાં કેટલું છે ધન?
રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે વિદેશી ચલણ અસ્કયામતો (FCAs) જે કુલ ચલણ અનામતનો નોંધપાત્ર ભાગ છે તે સમીક્ષા હેઠળના સપ્તાહમાં 881 મિલિયન ડોલર ઘટીને 577.58 અબજ ડોલર થઈ છે.
5 નવેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર(Forex Reserves) 1.14 અબજ ડોલર ઘટીને 640.87 અબજ ડોલર થઈ ગયું છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ તેના લેટેસ્ટ ડેટામાં આ માહિતી જાહેર કરી છે. આ બદલાવ પૂર્વે વિદેશી મુદ્રા ભંડાર અગાઉના સપ્તાહમાં 1.91 અબજ ડોલર વધીને 642.01 અબજ ડોલર થયું હતું.
રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે વિદેશી ચલણ અસ્કયામતો (FCAs) જે કુલ ચલણ અનામતનો નોંધપાત્ર ભાગ છે તે સમીક્ષા હેઠળના સપ્તાહમાં 881 મિલિયન ડોલર ઘટીને 577.58 અબજ ડોલર થઈ છે. વિદેશી ચલણ અસ્કયામતોમાં ડોલરમાં દર્શાવાય છે જોકે અન્ય વિદેશી ચલણ જેમ કે યુરો, પાઉન્ડ અને યેનના મૂલ્યમાં વધારો અથવા ઘટાડોની અસરનો પણ તેમાં સમાવેશ થાય છે. રિપોર્ટિંગ સપ્તાહમાં ગોલ્ડ રિઝર્વનું મૂલ્ય 234 મિલિયન ડોલર ઘટીને 38.77 અબજ ડોલર થયું છે.
SDR માં 1.7 કરોડ ડોલરનો ઘટાડો રિઝર્વ બેંકના ડેટા અનુસાર આંતરરાષ્ટ્રીય મુદ્રા ભંડોળ સાથેના દેશના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ (SDR) 17 મિલિયન ડોલર ઘટીને 19.28 અબજ ડોલર થયા છે. IMFમાં દેશનો વિદેશી મુદ્રા ભંડાર 14 મિલિયન ડોલર ઘટીને 5.22 અબજ ડોલર થયો છે.
સેન્સેક્સ 2.33 ટકા વધ્યો ત્રણ દિવસના ઘટાડા ઉપર બ્રેક લાગવા સાથે શુક્રવારે શેરબજાર તેજી સાથે બંધ થયું. શુક્રવારે સેન્સેક્સ 767 પોઈન્ટ વધીને 60686 પર અને નિફ્ટી 229 પોઈન્ટના વધારા સાથે 18102 પર બંધ થયો હતો. સાપ્તાહિક ધોરણે બે અઠવાડિયા પછી બજાર તેજી સાથે બંધ થયું છે. આ સપ્તાહે સેન્સેક્સમાં 2.33 ટકાનો વધારો નોંધાયો છે. આ સપ્તાહે સેન્સેક્સ 619 પોઈન્ટ ઉછળ્યો હતો.
આ સપ્તાહે સોના અને ચાંદીના ભાવની સ્થિતિ આ અઠવાડિયે MCX પર ડિસેમ્બરમાં ડિલિવરી માટે સોનું રૂ 49346 પ્રતિ દસ ગ્રામ પર બંધ થયું હતું. એ જ રીતે ફેબ્રુઆરીમાં ડિલિવરી માટેનું સોનું રૂ. 49508ના સ્તરે બંધ થયું હતું. ચાંદીની વાત કરીએ તો ડિસેમ્બરમાં ડિલિવરી માટે ચાંદી રૂ 67148 પ્રતિ કિલોએ બંધ થઈ હતી. તો માર્ચ 2022ની ડિલિવરી માટે ચાંદી 67972 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.
સોનાની માંગ 47 ટકા વધી છે સોનાની વાત કરીએ તો વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના તાજેતરના રિપોર્ટ અનુસાર સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દેશમાં સોનાની માંગમાં વાર્ષિક ધોરણે 47 ટકાનો વધારો નોંધાયો છે. કુલ માંગ 139.10 ટન રહી હતી. સપ્ટેમ્બર 2020 ક્વાર્ટરમાં આ આંકડો 94.60 ટન હતો. આ ઉપરાંત, જ્વેલરીની માંગ પણ વાર્ષિક ધોરણે 58 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી અને 96.20 ટન રહી હતી. નિષ્ણાતોના મતે આગામી કેટલાક મહિનામાં ફરી એકવાર આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 2000 ડોલરને પાર પહોંચી જશે.
આ પણ વાંચો : Reliance એ રાઇટ્સ ઇશ્યૂના રોકાણકારોને ફાઈનલ પેમેન્ટ કરવા જણાવ્યુ, 29 નવેમ્બર સુધી 1257 રૂપિયા પ્રતિ શેર ખરીદવાની તક