Forex Reserve : સતત બીજા અઠવાડિયે દેશના વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થયો, હવે દેશની તિજોરીમાં કેટલું સોનું છે?
ગોલ્ડ રિઝર્વનું મૂલ્ય 821 મિલિયન ડોલર વધીને 43.712 બિલિયન ડોલર થયું છે. ડેટા અનુસાર સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ (SDR) 68 મિલિયન ડોલર વધીને 18.432 બિલિયન ડોલર થયો છે. રિપોર્ટિંગ સપ્તાહમાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસે રાખેલ દેશનું ચલણ અનામત 1 મિલિયન ડોલર ઘટીને 5.226 બિલિયન ડોલર થઈ ગયું છે.
ફોરેન એક્સચેન્જ રિઝર્વના મોરચે સતત બીજા સપ્તાહમાં સારા સમાચાર મળ્યા છે. 20 જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન દેશની વિદેશી હૂંડિયામણ અનામત 1.727 બિલિયન ડોલર વધીને 573.727 બિલિયન ડોલર થઈ ગઈ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ શુક્રવારે આ જાણકારી આપી છે. આ સતત બીજું સપ્તાહ છે જ્યારે વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થયો છે. ગયા અઠવાડિયે વિદેશી મુદ્રા ભંડાર 10.417 બિલિયન ડોલર વધીને 572 બિલિયન ડોલર થયું હતું. નોંધપાત્ર રીતે ઑક્ટોબર 2021 માં વિદેશી વિનિમય અનામત 645 બિલિયન ડોલરના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું હતું. વૈશ્વિક વિકાસ વચ્ચે રૂપિયાના વિનિમય દરમાં ઘટાડાનો સામનો કરવા માટે મધ્યસ્થ બેંકે અનામતનો ઉપયોગ કર્યો હોવાથી તે પાછળથી ઘટ્યો હતો.
FCA 83.9 કરોડ ડોલર વધ્યું
આરબીઆઈના સાપ્તાહિક ડેટા અનુસાર કુલ ચલણ અનામતનો મહત્વનો ભાગ ગણાતી વિદેશી ચલણ અસ્કયામતો એટલે કે FCA (ફોરેન કરન્સી એસેટ્સ) 20 જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં 839 મિલિયન ડોલર વધીને 506.358 બિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે. ડૉલરમાં ગણતરીમાં લેવાતા FCA માં વિદેશી હૂંડિયામણ અનામતમાં રાખવામાં આવેલ યુરો, પાઉન્ડ અને યેન જેવી અન્ય વિદેશી કરન્સીની વૃદ્ધિ અથવા અવમૂલ્યનની અસરનો પણ સમાવેશ થાય છે.
ગોલ્ડ રિઝર્વમાં પણ વધારો
આ સિવાય રિપોર્ટિંગ સપ્તાહમાં ગોલ્ડ રિઝર્વનું મૂલ્ય 821 મિલિયન ડોલર વધીને 43.712 બિલિયન ડોલર થયું છે. ડેટા અનુસાર સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ (SDR) 68 મિલિયન ડોલર વધીને 18.432 બિલિયન ડોલર થયો છે. રિપોર્ટિંગ સપ્તાહમાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસે રાખેલ દેશનું ચલણ અનામત 1 મિલિયન ડોલર ઘટીને 5.226 બિલિયન ડોલર થઈ ગયું છે.
અગાઉના સપ્તાહની સ્થિતિ
અગાઉના સપ્તાહે ભારતનું વિદેશી મુદ્રા ભંડાર $10.417 બિલિયન વધીને $572 બિલિયન પર પહોંચી ગયું હતું. વર્ષ 2023 ના સમીક્ષા હેઠળ આ સૌથી મોટો વધારો માનવામાં આવે છે. અગાઉના સપ્તાહ દરમિયાન વિદેશી મુદ્રા ભંડારમાં $1.268 બિલિયનનો ઘટાડો થયો હતો અને તે $561.583 બિલિયન નોંધાયું હતું. આનો અર્થ એ થયો કે એક સપ્તાહ દરમિયાન વિદેશી મુદ્રા ભંડારમાં $10.417 બિલિયનનો વધારો થયો હતો.
6 જાન્યુઆરી 2023ના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન દેશના વિદેશી મુદ્રા ભંડારમાં 1.268 અબજ ડોલરનું નુકસાન થયું હતું. જે ઘટીને 561.583 અબજ ડોલર થઈ ગયું હતું. પાછલા સપ્તાહમાં દેશનો કુલ વિદેશી મુદ્રા ભંડાર 44 મિલિયન ડોલર વધીને 562.851 અબજ ડોલર થયો હતો.