Forex : ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં આવ્યો ઉછાળો, કુલ સંપત્તિ 642 અબજ ડોલરને પાર પહોંચી
રિઝર્વ બેંક અનુસાર ભારતની ફોરેન કરન્સી એસેટ (FCA) સમીક્ષા હેઠળના સપ્તાહમાં 1.36 અબજ ડોલર વધીને 578.46 અબજ ડોલર થઈ ગઈ છે જયારે રિપોર્ટિંગ સપ્તાહમાં ગોલ્ડ રિઝર્વનું મૂલ્ય 57.2 કરોડ ડોલર વધીને 39.01 અબજ ડોલર થયું છે.
29 ઓક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર 1.91 અબજ ડોલર વધીને 642.01 અબજ ડોલર થયું છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ શુક્રવારે તેના લેટેસ્ટ ડેટા અંગે આ માહિતી આપી હતી. વિદેશી ચલણ અસ્કયામતો અને સોનાના મૂલ્યમાં નોંધપાત્ર વધારો થવાને કારણે આ વૃદ્ધિ શક્ય બની હતી. વિદેશી મુદ્રા ભંડાર આ અગાઉના સપ્તાહમાં 90.8 કરોડ ડોલર ઘટીને 640.1 અબજ ડોલર થયો હતો.
રિઝર્વ બેંકે કહ્યું કે ભારતની ફોરેન કરન્સી એસેટ (FCA) સમીક્ષા હેઠળના સપ્તાહમાં 1.36 અબજ ડોલર વધીને 578.46 અબજ ડોલર થઈ ગઈ છે. ડોલરમાં દર્શાવાતી વિદેશી ચલણની અસ્કયામતોમાં અન્ય વિદેશી ચલણ જેમ કે યુરો, પાઉન્ડ અને યેનના મૂલ્યમાં વધારા અથવા ઘટાડાની અસરનો પણ સમાવેશ થાય છે. રિપોર્ટિંગ સપ્તાહમાં ગોલ્ડ રિઝર્વનું મૂલ્ય 57.2 કરોડ ડોલર વધીને 39.01 અબજ ડોલર થયું છે.
SDRમાં 1.7 કરોડ ડોલરનો ઉછાળો રિઝર્વ બેંકના ડેટા અનુસાર આંતરરાષ્ટ્રીય મુદ્રા ભંડોળ સાથે દેશના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ (SDR) 1.7 કરોડ ડોલર વધીને 19.30 અબજ ડોલર થઈ ગયા છે. IMFમાં દેશનો વિદેશી મુદ્રા ભંડાર 10 લાખ ડોલર વધીને 5.24 અબજ ડોલર થયો છે.
સોનાની માંગમાં 47 ટકાનો વધારો સોનાની વાત કરીએ તો વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દેશમાં સોનાની માંગમાં વાર્ષિક ધોરણે 47 ટકાનો વધારો નોંધાયો છે. કુલ માંગ 139.10 ટન રહી હતી. સપ્ટેમ્બર 2020 ક્વાર્ટરમાં આ આંકડો 94.60 ટન હતો. આ ઉપરાંત, જ્વેલરીની માંગ પણ વાર્ષિક ધોરણે 58 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી અને તે 96.20 ટન રહી હતી. નિષ્ણાતોના મતે આગામી કેટલાક મહિનામાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો દર ફરી એકવાર 2000 ડોલરને પાર કરી જશે.
અગાઉના સપ્તાહે શું હતી સ્થિતિ ? 22 ઓક્ટોબરે પૂરા થયેલા સપ્તાહમાં ફોરેક્સ રિઝર્વમાં આ ઘટાડો મુખ્યત્વે વિદેશી ચલણ અસ્કયામતો (FCA) અને સોનાના ભંડારમાં ઘટાડો થવાને કારણે થયો હતો. રિઝર્વ બેંકે કહ્યું કે સમીક્ષા હેઠળના સપ્તાહમાં ભારતની ફોરેન કરન્સી એસેટ (FCA) 85.3 કરોડ ડોલર ઘટીને 577.098 અરબ ડોલર રહ્યું છે.
ગત સપ્તાહમાં સોનાનો રીઝર્વ ભંડાર 13.8 કરોડ ડોલર ઘટીને 38.441 અરબ ડોલર રહ્યો છે. રિઝર્વ બેંકના ડેટા અનુસાર આંતરરાષ્ટ્રીય મુદ્રા ભંડારમાં દેશના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ (SDR) 7.4 કરોડ ડોલર વધીને 19.321 અરબ ડોલર થઈ ગયો હતો. આઈએમએફ (IMF)માં દેશનો વિદેશી મુદ્રા ભંડાર એક કરોડ ડોલર વધીને 5.240 અરબ ડોલર થઈ ગયો હતો.
આ પણ વાંચો : Petrol-Diesel Price Today : રાહતના સમાચાર, આખરે પેટ્રોલ ડીઝલના ભાવ વધારા ઉપર લાગી બ્રેક! જાણો તમારા શહેરના ભાવ
આ પણ વાંચો : MUKESH AMBANIના લંડનના નવા ઘરની વાત નીકળી અફવા, રિલાયન્સે સ્પષ્ટતા કરી અફવાનું ખંડન કર્યું