Foreign exchange reserves : દેશના વિદેશી મુદ્રા ભંડારમાં થયો ઘટાડો, જાણો હવે દેશની તિજોરીમાં કેટલું છે ધન?
સાપ્તાહિક ડેટા અનુસાર રિપોર્ટિંગ સપ્તાહમાં ફોરેન કરન્સી એસેટ્સ (FCA) 2.65 બિલિયન ડોલર ઘટીને 506.99 બિલિયન ડોલર થઈ છે.

12 ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર(Foreign exchange reserves) 2.23 બિલિયન ડોલર ઘટીને 570.74 બિલિયન ડોલર થયું હતું. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ આ જાણકારી આપી છે. અગાઉ 5 ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 897 મિલિયન ડોલર ઘટીને 572.97 બિલિયન ડોલર થયું હતો. રિઝર્વ બેન્ક દ્વારા જાહેર કરાયેલા સાપ્તાહિક ડેટા અનુસાર 12 ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ વિદેશી મુદ્રા સંપત્તિ(Foreign currency assets)માં ઘટાડો છે જે કુલ અનામતનો નોંધપાત્ર હિસ્સો બનાવે છે.
દેશના સોનાના ભંડારમાં વધારો થયો
સાપ્તાહિક ડેટા અનુસાર રિપોર્ટિંગ સપ્તાહમાં ફોરેન કરન્સી એસેટ્સ (FCA) 2.65 બિલિયન ડોલર ઘટીને 506.99 બિલિયન ડોલર થઈ છે. વિદેશી મુદ્રા ભંડારમાં રાખવામાં આવેલ વિદેશી ચલણ અસ્કયામતો ડૉલરમાં વ્યક્ત કરવામાં આવે છે જેમાં યુરો, પાઉન્ડ અને યેન જેવી યુએસ સિવાયની કરન્સીમાં વૃદ્ધિ અથવા અવમૂલ્યનની અસરનો સમાવેશ થાય છે. ડેટા અનુસાર સોનાના ભંડારનું મૂલ્ય ગત સપ્તાહમાં 30.5 કરોડ ડોલર વધીને 40.61 અબજ ડોલર થયું છે.
સમીક્ષા હેઠળના સપ્તાહમાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સાથે સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ (SDRs) 102 મિલિયન ડોલર વધીને 18.13 બિલિયન ડોલર થઈ ગયા છે. જ્યારે IMFમાં રાખવામાં આવેલ દેશનું મુદ્રા ભંડાર 7 મિલિયન ડોલર વધીને 4.99 બિલિયન ડોલર વધુ થઈ ગયું છે.
રિઝર્વ બેંકનું નિવેદન
તમને જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંકના હસ્તક્ષેપને કારણે કરન્સી માર્કેટ વોલેટિલિટી દરમિયાન વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થવાનો દર નીચે આવ્યો છે. આરબીઆઈના અધિકારીઓના અભ્યાસમાં આ વાત કહેવામાં આવી છે. આ અભ્યાસમાં 2007થી અત્યાર સુધીના રુસો-યુક્રેન યુદ્ધના કારણે થયેલા ઉતાર-ચઢાવને આવરી લેવામાં આવ્યા છે. મધ્યસ્થ બેંકની વિદેશી વિનિમય બજારમાં દખલગીરીની સ્પષ્ટ નીતિ છે. જો તે બજારમાં અસ્થિરતા જુએ છે તો મધ્યસ્થ બેંક હસ્તક્ષેપ કરે છે. જોકે, રિઝર્વ બેંકે હજુ સુધી રૂપિયાના કોઈપણ સ્તર માટે કોઈ ટાર્ગેટ આપ્યો નથી.
આરબીઆઈના ફાઈનાન્શિયલ માર્કેટ ઓપરેશન્સ વિભાગના સૌરભ નાથ, વિક્રમ રાજપૂત અને ગોપાલકૃષ્ણન એસ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જણાવાયું છે કે 2008-09ની વૈશ્વિક નાણાકીય કટોકટી દરમિયાન અનામતમાં 22 ટકાનો ઘટાડો થયો હતો. યુક્રેન-રશિયા યુદ્ધ પછી સર્જાયેલી અસ્થિરતા દરમિયાન તેમાં માત્ર છ ટકાનો ઘટાડો થયો છે. અભ્યાસમાં જણાવાયું છે કે તેમાં વ્યક્ત કરાયેલા મંતવ્યો લેખકોના છે અને જરૂરી નથી કે તે કેન્દ્રીય બેંકના વિચારોને પ્રતિબિંબિત કરે છે.