Income Tax Return: આધાર નંબરથી ઈ-વેરિફાઈ કરો તમારૂ ઈન્કમ ટેક્સ રિટર્ન, જાણો સમગ્ર પ્રોસેસ
આધાર OTPનો ઉપયોગ કરીને તમારું રિટર્ન ઈ-વેરીફાઈ કરવા માટે તમારે આધાર સાથે તમારો મોબાઈલ નંબર અપડેટ કરવાની જરૂર છે. તમે આધાર કેન્દ્રની મુલાકાત લઈને તમારો મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો.
Income Tax Return: જો તમે આવકવેરા રિટર્ન ફાઈલ (ITR) કર્યા પછી 120 દિવસની અંદર તમારું ITR વેરિફાઈ નથી તો તે સંપૂર્ણપણે અમાન્ય માનવામાં આવશે. આધાર કાર્ડ ધારકો તેમના આધાર નંબરનો ઉપયોગ કરીને ઈલેક્ટ્રોનિક રીતે તેમના આવકવેરા રિટર્નની ચકાસણી કરી શકે છે. આ સેવાનો લાભ લેવા માટે તમારો મોબાઈલ નંબર PAN સાથે આધાર લિંક સાથે અપડેટ હોવો જોઈએ. ચાલો તમને એ પણ જણાવીએ કે આ સમગ્ર પ્રક્રિયા શું છે?
ઈ-વેરિફિકેશન શા માટે જરૂરી છે?
રિટર્ન ફાઈલ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તમારે તમારા આવકવેરા રિટર્નની ચકાસણી કરવી પડશે. જો ITR નિર્ધારિત સમય સુધીમાં વેરિફાઈ નથી તો તે અમાન્ય માનવામાં આવે છે. તમારું ITR તપાસવાની સૌથી ઝડપી રીત છે ઈ-વેરિફિકેશન.
- તમે આધારનો ઉપયોગ કરીને રિટર્ન ઓનલાઈન ઈ-વેરીફાઈ કરી શકો છો
- આધાર સાથે નોંધાયેલ મોબાઈલ નંબર પર OTP અથવા
- તમારા પૂર્વ-માન્ય બેંક ખાતા દ્વારા જનરેટ થયેલ EVC અથવા
- તમારા પૂર્વ માન્ય ડીમેટ એકાઉન્ટ દ્વારા જનરેટ થયેલ EVC અથવા
- એટીએમ (ઓફલાઇન પદ્ધતિ) દ્વારા EVC અથવા
- નેટ બેન્કિંગ
- ડિજિટલ સિગ્નેચર પ્રમાણપત્ર (DSC)
- રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આધાર OTP
આધાર-આધારિત વન-ટાઈમ પાસવર્ડ (OTP)નો ઉપયોગ કરીને તમારું ITR ચકાસવા માટે તમારો મોબાઈલ નંબર આધાર સાથે લિંક થયેલ હોવો જોઈએ અને UIDAI ડેટાબેઝમાં નોંધાયેલ હોવો જોઈએ અને તમારો PAN પણ આધાર સાથે લિંક હોવો જોઈએ.
તમારા આધાર નંબરનો ઉપયોગ કરીને ITR કેવી રીતે ઈ-વેરિફાઈ કરવું
- ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગિન કરો અને ઈ-વેરીફાઈ રિટર્ન વિકલ્પ પર ક્લિક કરો.
- ‘ઈ-વેરિફાઈ’ પેજ પર ‘હું આધાર સાથે નોંધાયેલા મોબાઈલ નંબર પર ઓટીપીનો ઉપયોગ કરીને ચકાસણી કરવા માંગુ છું’ પસંદ કરો અને ‘ચાલુ રાખો’ પર ક્લિક કરો.
- એક પોપ-અપ વિન્ડો દેખાશે જે તમને ટિક બોક્સ પસંદ કરવાનું કહેશે જે કહે છે કે ‘હું મારી આધાર વિગતોને માન્ય કરવા માટે સંમત છું’.
- ‘જનરેટ આધાર OTP’ પર ક્લિક કરો
- તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર 6 અંકનો OTP ધરાવતો SMS મોકલવામાં આવશે.
- તે પછી OTP દાખલ કરો.
- ત્યારબાદ ITR વેરિફિકેશન થશે. OTP માત્ર 15 મિનિટ માટે માન્ય રહેશે.
- ટ્રાન્ઝેક્શન આઈડી સાથે સક્સેસનો સંદેશ દેખાશે અને ઈ-ફાઈલિંગ પોર્ટલ સાથે નોંધાયેલા ઈમેલ આઈડી પર ઈમેલ મોકલવામાં આવશે.
જો મોબાઈલ નંબર આધાર સાથે અપડેટ ન થયો હોય
આધાર OTPનો ઉપયોગ કરીને તમારું રિટર્ન ઈ-વેરીફાઈ કરવા માટે તમારે આધાર સાથે તમારો મોબાઈલ નંબર અપડેટ કરવાની જરૂર છે. તમે આધાર કેન્દ્રની મુલાકાત લઈને તમારો મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો. UIDAIની વેબસાઈટ મુજબ સામાન્ય રીતે 90 ટકા અપડેટ રિકવેસ્ટ 30 દિવસમાં પૂર્ણ થઈ જાય છે. મોબાઈલ નંબરના સફળ અપડેટ પછી આપેલા મોબાઈલ નંબર પર એક સૂચના મોકલવામાં આવશે.