
Reliance Foundation ની પ્રાણી કલ્યાણ પહેલ Vantara હવે નવા ક્ષેત્રમાં પ્રવેશી છે. વન્યજીવન અને પ્રાણી સંરક્ષણ માટે જાણીતી વંતારાએ હવે મુંબઈમાં આઈસ્ક્રીમ સેગમેન્ટમાં એન્ટ્રી કરી છે. મુંબઈના Jio World Drive ખાતે ‘વંતારા ક્રીમરી’ લોન્ચ કરવામાં આવી છે, જેને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે.
વંતારાએ આ નવા સાહસની જાહેરાત તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા કરી હતી. બ્રાન્ડ દ્વારા શેર કરાયેલ AI આધારિત જાહેરાત ફિલ્મ લોકોનું ખાસ ધ્યાન ખેંચી રહી છે. વીડિયોમાં મુંબઈની વ્યસ્ત સડકો પર એક વાઘ ‘વંતારા ક્રીમરી’ વાન સાથે દોડતો જોવા મળે છે. આ અનોખા કન્સેપ્ટ દ્વારા બ્રાન્ડે પોતાની વન્યજીવન-કેન્દ્રિત ઓળખને નવી બિઝનેસ દિશા સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે.
કંપનીએ જણાવ્યું છે કે વંતારા ક્રીમરીમાં ગ્રાહકો માટે 17 અલગ-અલગ ફ્લેવરની આઈસ્ક્રીમ ઉપલબ્ધ રહેશે. તેમાં ફિલ્ટર કોફી, લીંબુ શરબત, જામફળ-મરચાં પાઉડર અને મલાઈ કુલ્ફી જેવા ભારતીય ટેસ્ટને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલા ફ્લેવર્સનો સમાવેશ થાય છે. કંપનીનો દાવો છે કે આ ફ્લેવર્સ ખાસ ભારતીય ગ્રાહકોના સ્વાદને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે વંતારા એ ગુજરાતના જામનગરમાં આવેલો 3,500 એકરનો વિશાળ પ્રાણી બચાવ, સંભાળ અને પુનર્વસન પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટની શરૂઆત વર્ષ 2024માં Anant Ambani ના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી. વંતારાએ અત્યાર સુધી પ્રાણી કલ્યાણ અને સંરક્ષણ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે ઓળખ મેળવી છે.
હવે આઈસ્ક્રીમ માર્કેટમાં પ્રવેશ સાથે વંતારા પોતાની બ્રાન્ડને વધુ વ્યાપક બનાવવા તરફ આગળ વધી રહ્યું છે. AI ટેક્નોલોજી અને અનોખી માર્કેટિંગ સ્ટ્રેટેજીના કારણે ‘વંતારા ક્રીમરી’ લોન્ચિંગ પહેલાથી જ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ બની ગયું છે. ફૂડ અને બ્રાન્ડિંગ ક્ષેત્રના નિષ્ણાતો માને છે કે વંતારાનો આ પ્રયાસ યુવા ગ્રાહકોને ખાસ આકર્ષી શકે છે.