ભારતના સૌથી મોટા ડેરી જૂથ અમૂલે (Amul) કેન્દ્ર સરકારને પત્ર લખીને અમૂલના પ્લાસ્ટિક સ્ટ્રો પરના પ્રતિબંધને (Plastic Straw Ban) મુલતવી રાખવા જણાવ્યું છે. કંપનીએ તેના પત્રમાં કહ્યું છે કે આ પગલાથી ખેડૂતો (Farmers) પર નકારાત્મક અસર પડશે. કંપનીએ કહ્યું કે આનાથી દેશમાં દૂધના વપરાશ (Milk Consumption) પર પણ ખરાબ અસર પડશે. રોઇટર્સના અહેવાલ મુજબ, અમૂલે 28મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયને લખેલા પત્રમાં આ અપીલ કરી છે. 1 જુલાઈના રોજ, સરકાર દેશમાં ડેરી ઉત્પાદનો અને જ્યૂસના નાના પેકેટ સાથે આપવામાં આવતા સ્ટ્રો ઉપર સરકાર પ્રતિબંધ મૂકવાની યોજના ધરાવે છે. તેનું બજાર આશરે 790 મિલિયન ડોલર હોવાનો અંદાજ છે.
અમૂલ દર વર્ષે પ્લાસ્ટિક સ્ટ્રો સાથે કરોડો નાના ડેરી પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે. અમૂલ અને પેપ્સીકો અને કોકા કોલા જેવી વૈશ્વિક કંપનીઓ સરકારના આ નિર્ણયથી નારાજ છે. તેઓ વધુ ચિંતિત એટલા માટે છે કે સરકારે તેમનો નિર્ણય બદલવાનો ઇનકાર કર્યો છે અને કંપનીઓને વૈકલ્પિક સ્ટ્રોનો ઉપયોગ કરવા કહ્યું છે.
અમૂલ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર આર.એસ.સોઢીએ તેમના પત્રમાં કહ્યું છે કે સ્ટ્રો દૂધનો વપરાશ વધારવામાં મદદ કરે છે. તેમણે સરકારના સિંગલ યુઝ પ્લાસ્ટિક પરના પ્રતિબંધને એક વર્ષ માટે મુલતવી રાખવાની અપીલ કરી છે. સોઢીએ પત્રમાં લખ્યું છે કે, આ પ્રતિબંધ મુલતવી રાખવાથી 10 કરોડ ડેરીક્ષેત્રના ખેડૂતોને મોટી રાહત મળશે અને ફાયદો પણ થશે.
રોઈટર્સના આ અહેવાલ મુજબ, અમૂલ દ્વારા સરકારને કરાયેલ અપીલ અંગે પીએમઓએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. અગાઉ, સરકારી અધિકારીઓએ રોઇટર્સને જણાવ્યું હતું કે સ્ટ્રો ઓછા ઉપયોગમાં લેવાતુ ઉત્પાદન છે અને તેને કાગળના સ્ટ્રોનો ઉપયોગ કરવો જોઈએ અથવા તો સ્ટ્રોનો ઉપયોગ ના થાય તેવા પેકનો ઉપયોગ કરવો જોઈએ.
સોઢીએ તેમના પત્ર પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ તેમણે કહ્યું કે 1 જુલાઈથી પ્રતિબંધ લાગુ થયા બાદ કંપનીએ સ્ટ્રો વગર પેક વેચવું પડી શકે છે.
રોઈટર્સના અહેવાલ અનુસાર, પારલેએ સરકારને પત્ર લખીને પણ કહ્યું છે કે વૈકલ્પિક સ્ટ્રોનું સ્થાનિક ઉત્પાદન પૂરતું નથી. અને આયાતી પેપર અને અન્ય વેરિઅન્ટ પ્રમાણમાં વધુ મોંઘા છે.