નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા મોદી સરકારનું અંતિમ પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં મિલેટ્સનાં ઉત્પાદન અંગે મોટી જાહેરાત કરી છે. સામાન્ય બજેટ 2023 રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર દરેક વર્ગના લોકોનું સંપૂર્ણ ધ્યાન રાખી રહી છે. તેમણે કહ્યું કે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ 14 કરોડથી વધુ ખેડૂતોને મદદ આપવામાં આવી છે. આ ઉપરાંત નાણામંત્રીએ કહ્યું કે, બરછટ અનાજની ખેતી વધારવા માટે શ્રી અન્ન યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાથી ખેડૂતોની આવકમાં વધારો થશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમની બજેટ ઘોષણામાં જણાવ્યું છે કે, ભારત બાજરી માટે વૈશ્વિક હબ બનવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, અમે ખેડૂતોને મિલેટસનું ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહિત કરીશું. સીતારામણે બરછટ અનાજના સૌથી મોટા ઉત્પાદક ભારતમાં બાજરી એટલે કે બરછટ અનાજના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેનો સપ્લાય કરવા માટે મિલેટ્સની સંસ્થાઓ સ્થાપવાની જાહેરાત કરી છે.
આ વખતે ભારત સરકારે ભારતના યુવાનોને કૃષિ તરફ વાળવા અને તેમને ખેતી સાથે જોડવા માટે એક નવું ફંડ સ્થાપવાની જાહેરાત કરી છે. નાણા મંત્રીના જણાવ્યા અનુસાર, યુવા ઉદ્યોગ સાહસિકો દ્વારા કૃષિ-સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરવા માટે એક એગ્રીકલ્ચર એક્સિલરેટર ફંડની સ્થાપના કરવામાં આવશે. સરકાર કૃષિ ક્ષેત્રમાં માનવ સંસાધનોને તાલીમ આપવા માટે પણ કામ કરશે.
તેમણે કહ્યું કે, FSSAI શાળાઓ, હોસ્પિટલો અને સરકારી કેન્ટીન માટે બાજરીને પોષણમાં સમાવવા માટે માર્ગદર્શિકા તૈયાર કરશે. નાણામંત્રીએ મિલેટસને શ્રી અન્ન જેવા નામથી પણ સંબોધ્યા હતા. નાણામંત્રીનું કહેવું છે કે, કૃષિ લોનનો લક્ષ્યાંક 18 લાખ કરોડથી વધારીને 20 લાખ કરોડ કરવામાં આવશે.
કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ સંભાષણમાં આગળ કહ્યું કે, મફત અનાજ યોજનાને 1 જાન્યુઆરી 2023ની તારીખથી આગામી 1 વર્ષ માટે લંબાવવામાં આવી છે. નાણામંત્રીએ કહ્યું કે આ અમૃત સમયગાળાનું પ્રથમ કેન્દ્રીય બજેટ છે અને આવનારા 25 વર્ષ માટે બ્લુ પ્રિન્ટ છે. આ બજેટમાં નાણામંત્રીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ 2 લાખ કરોડ રૂપિયાની ફાળવણીની જાહેરાત કરી છે.
નાણામંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર PMGKAY પર 2 લાખ કરોડ ખર્ચવાનો બોજ ઉઠાવશે અને અર્થવ્યવસ્થા પહેલા કરતા વધુ સંગઠિત બની છે. આ ઉપરાંત નાણામંત્રીએ કહ્યું કે, સમાજના તમામ વર્ગોના કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને આર્થિક પ્રગતિનો લાભ બધા સુધી પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિશ્વમાં મંદી હોવા છતાં, 7% જીડીપી વૃદ્ધિનો અંદાજ છે અને વિશ્વએ ભારતની તાકાતને ઓળખી છે.