Bhakti: ગુરુવારે વિષ્ણુ પૂજાનું કેમ છે વિશેષ મહત્વ ? ફટાફટ જાણી લો આ રહસ્ય
ગુરુવાર એ શ્રીહરિ વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે. ગુરુવારે કરેલી શ્રીહરિની આરાધના વ્યક્તિના સઘળા મનોરથોને પૂર્ણ કરનારી મનાય છે. ગુરુવારે વિષ્ણુ પૂજાનો જે મહિમા છે, તેની સાથે પક્ષીરાજ ગરુડની એક કથા જોડાયેલી છે.
ભગવાન વિષ્ણુની (vishnu) આરાધનાનો ઉત્તમ વાર એટલે ગુરુવાર. આપણા દરેક વાર કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત હોવાનું મનાય છે. જેમ કે સોમવારે શિવજીની આરાધનાનો મહિમા છે, તો મંગળવારે મંગલમૂર્તિની પૂજાનું મહત્વ છે. આવી જ રીતે ગુરુવાર એ શ્રીહરિ વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે. લોકો ગુરુવારનું વ્રત પણ કરતાં હોય છે. અને શ્રીહરિને પ્રસન્ન કરવાના અઢળક ઉપાયો પણ કરતાં હોય છે. ત્યારે આવો, આજે જાણીએ કે ગુરુવારને શા માટે ભગવાન વિષ્ણુની આરાધના માટે શ્રેષ્ઠ મનાય છે ? કેમ એવું કહેવાય છે કે ગુરુવારે ભગવાન વિષ્ણુની શ્રદ્ધા સાથે આરાધના કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે ? શા માટે ગુરુવારે કરેલી શ્રીહરિની આરાધના વ્યક્તિના સઘળા મનોરથોને પૂર્ણ કરનારી મનાય છે ?
તમને કદાચ નવાઈ લાગશે પરંતુ, ગુરુવારે શ્રીહરિની પૂજા સાથે પક્ષીરાજ ગુરુડની એક કથા જોડાયેલી છે. ગરુડરાજને શ્રીહરિનું વાહન માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા છે કે ગરુડે શ્રીહરિ વિષ્ણુની કૃપાને પ્રાપ્ત કરવા માટે ખૂબ આકરી તપસ્યા કરી. અને ત્યાબાદ ભગવાન વિષ્ણુએ તેમને વાહન સ્વરૂપે સ્વીકાર્યા. ત્યારે કેટલાક લોકો માને છે કે ગરુડની તપસ્યાથી જ પ્રસન્ન થઈ તેમનો વાહન તરીકે સ્વીકાર કર્યા બાદથી જ ગુરુવાર એ શ્રીહરિ વિષ્ણુને સમર્પિત થઈ ગયો. એટલે કે ગુરુવારે શ્રીહરિની વિશેષ આરાધના કરવાનું શરૂ થયું.
કહેવાય છે કે ગુરુવારે કરેલી શ્રીહરિની પૂજાથી વ્યક્તિના જીવનના તમામ દુ:ખ ભગવાન વિષ્ણુ હરી લે છે. જીવનમાં કેટલીયે તકલીફો કેમ ન હોય ગુરુવારે કરેલી શ્રીહરિની પૂજાથી તે તમામનું નિવારણ થઈ જાય છે. શ્રીવિષ્ણુ તેમના ભક્તોના સઘળા કષ્ટને હરી લે છે. અને એટલે જ તો તેમનું એક નામ શ્રીહરિ છે. ગુરુવારે આસ્થા સાથે માત્ર શ્રીહરિના નામ સ્મરણથી પણ વ્યક્તિના જીવનમાં સુખ-શાંતિનું આગમન થાય છે.
ભગવાન વિષ્ણુને સમર્પિત કોઈ પણ મંત્રનો ગુરુવારના રોજ જાપ કરી આપ પણ શ્રીહરિને પ્રિય બની શકો છો. પ્રચલિત માન્યતા અનુસાર કળિયુગમાં માત્ર મંત્ર કે નામ જાપથી પણ વ્યક્તિ પ્રભુની કૃપાનો અધિકારી બની શકે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચો: ભાગ્યને બદલી નાખતા રત્નોના પણ કેટલાક નિયમો છે, ધારણ કરતાં પહેલા યાદ રાખી લો આ ખાસ વાત
આ પણ વાંચો: ગણેશ પૂજામાં આ રીતે કરો ચોખાનો પ્રયોગ, વિઘ્નહર્તા આપશે અઢળક આશીર્વાદ