Bhakti: માતાને કોણે અને શા માટે આપ્યું ખોડલ નામ ? જાણો રસપ્રદ ગાથા
મા ખોડિયારનું જન્મ સમયનું નામ જાનબાઈ હતું. આઈ જાનબાઈ માતા ખોડલ કેવી રીતે બન્યા તેની સાથે એક રસપ્રદ કથા જોડાયેલી છે. પ્રચલિત માન્યતા અનુસાર આઈ આવડના આશીર્વાદને લીધે મા જાનબાઈ આજે મા ખોડલના નામે પૂજાઈ રહ્યા છે.
હાથે ત્રિશૂળ, કાને કુંડળ, પગે ખોડંગાતી ચાલ । માથે ટિલડી, મગર અસવારી, આઈ ખોડલ તુજ આધાર ।।
મા ખોડિયાર (khodiyar) એટલે તો ભક્તોના દુઃખડા હરનારા દેવી. સદાય ભક્તોની વ્હારે રહેનારા આઈશ્રી. આખું જગ આજે માને ખોડિયાર કે ખોડલના (khodal) નામે પૂજે છે. પણ, વાસ્તવમાં મા ખોડિયારનું જન્મ સમયનું નામ તો જાનબાઈ હતું. અને આ આઈ જાનબાઈ માતા ખોડલ કેવી રીતે બન્યા તેની સાથે પણ એક રસપ્રદ કથા જોડાયેલી છે.
મા ખોડલ એટલે કે જાનબાઈ તેમની સાતેય બહેનોમાં સૌથી નાના હતા. અને તેમનાથી નાનો હતો તેમનો ભાઈ મેરખિયા. એકનો એક ભાઈ મેરખિયા બહેનોને ખૂબ જ લાડકો હતો ને લાડકોડમાં જ ઉછરી રહ્યો હતો. પણ, એકવાર એક ઝેરી સર્પે મેરખિયાને દંશ દઈ દીધો. માતા-પિતા અને સાતેય બહેનોના જીવ અદ્ધર થઈ ગયા કે હવે કરવું શું ? કહે છે કે ત્યારે એક જાણકારે ઉપાય સૂચવતા કહ્યું કે, “પાતાળલોકમાં અમૃતકુંભ છે. સૂર્ય ઊગે તે પહેલાં તે કુંભ લાવીને જો મેરખિયાને અમૃત પીવડાવવામાં આવે, તો શક્ય છે કે તેનો જીવ બચી જાય !”
પ્રચલિત કથા અનુસાર મેરખિયાને બચાવવા મા જાનબાઈ તરત જ પાતાળલોક જવા રવાના થઈ ગયા. અને એટલી જ ઝડપથી પાતાળલોકમાંથી અમૃતકુંભ લઈને પાછા ફરવા લાગ્યા. પણ, પાછા ફરતી વખતે માતા જાનબાઈને પગમાં ઠેસ વાગી ગઈ. તેમને ચાલવામાં તકલીફ પડવા લાગી. સૂર્ય ઉગે તે પહેલાં તેમનું મેરખિયા પાસે પહોંચવું ખૂબ જ જરૂરી હતું. આખરે માએ તેમની સોનાની વાળી એક મગરને પહેરાવી. અને તેના પર સવાર થયા. મા જાનબાઈ પહોંચે નહીં ત્યાં સુધી સૂરજને ઉગતો રોકવામાં આવ્યો હોવાની લોકવાયકા પણ પ્રચલિત છે.
કહે છે કે મા ખોડલ જ્યારે અમૃતકુંભ લઈને તેમના પરિવાર પાસે પહોંચ્યા ત્યારે તે પગમાં થયેલી ઈજાને લીધે ખોડંગાઈ રહ્યા હતા. તેમને જોઈ બહેનો બોલી ઉઠી કે, “જુઓ જાનબાઈ… અરે, આ તો ખોડલ આવી… ખોડલ આવી….” કહે છે કે આ ઘટનાને લીધે જ આઈ જાનબાઈનું નામ ખોડલ પડી ગયું. મા ખોડલે લાવેલાં અમૃતની મદદથી મેરખિયાનું ઝેર ઉતર્યું. અને તેનો જીવ બચી ગયો. દંતકથા અનુસાર આ સમયે સ્વયં મોટી બહેન આવડે ખોડલ માને આશીર્વાદ આપતા કહ્યું કે, “હે જાનબાઈ ! તું બહેનોમાં સૌથી નાની છે. પણ, આજે તે સૌથી મોટું કામ કર્યું છે. હવેથી તું મા ખોડલ કહેવાઈશ અને બહેનોમાં સર્વ પ્રથમ પૂજાઈશ !”
પ્રચલિત માન્યતા અનુસાર આઈ આવડના આશીર્વાદને લીધે જ મા જાનબાઈ આજે મા ખોડલના નામે પૂજાઈ રહ્યા છે. હયાત દેહે અનેકોને પરચા પૂરનારા ખોડલ આજે પણ ભક્તોને હાજરાહજૂરપણાંની અનુભૂતિ કરાવી રહ્યા છે. સૌની મનોકામનાઓને પરિપૂર્ણ કરી મા ભક્તોને તેમનો સાક્ષાત્કાર પૂરી રહ્યા છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચોઃ મા ખોડલનાં પ્રાગટ્ય દિને જાણો તેમની પ્રગટભૂમિ રોહિશાળાનો મહિમા
આ પણ વાંચોઃ શું તમે કરી રિદ્ધિ સિદ્ધિ સંગ ગણેશજીની પૂજા ? જાણો ગણેશજીના સમગ્ર પરિવારના પૂજનનો મહિમા