Vastushashtra : તમારી અનિંદ્રાનું કારણ તમારા ઘરની ઉત્તર દિશા તો નથી ને ! જાણો કયા વાસ્તુ ઉપાયથી પ્રાપ્ત થશે નિંદ્રાનું સુખ
ઘરમાં (Home) રંગકામ કરાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે કોઇપણ પ્રકારના તામસિક અને ઘાટા રંગનો ઉપયોગ ન કરવો. નહીં તો તેનાથી ઘણા પ્રકારની સ્વાસ્થ્યની સમસ્યાઓ સર્જાય છે. જો આપના ઘરની દિવાલો તૂટેલી કે તિરાડ પડેલી હાલતમાં હશે તો આપના ઘરમાં વાસ્તુદોષ હોવાની શક્યતા છે.

કોઇપણ ઘર કે મકાનની બનાવટ અને તેની સાજ સજ્જા ઘરને પ્રભાવિત કરે છે. ઘર જ્યારે પણ ખરીદો કે તેનું સમારકામ કરો ત્યારે વાસ્તુશાસ્ત્રના નિયમોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. ઘર નિર્માણ સમયે પણ વાસ્તુના નિયમો નું પાલન કરવામાં આવે તો ત્યાં હંમેશા સુખ-સમૃદ્ધિ જળવાઇ રહે છે. જો ઘરની બનાવટ અને સજાવટમાં વાસ્તુ નિયમોને અવગણવામાં આવે તો ઘરના દરેક સભ્યો માનસિક અને શારીરિક રીતે અસ્વસ્થ રહે છે. તેમનું જીવન કોઇને કોઇ પ્રકારના કષ્ટોથી ઘેરાયેલું રહે છે. વાસ્તુના કેટલાક સરળ નિયમોનું ધ્યાન રાખીને તમે સ્વસ્થ અને સુખી જીવન જીવી શકો છો.
ઘરની ઉત્તર દિશા
પૂર્વ અને ઉત્તર દિશામાં ઓછા વજનવાળી વસ્તુઓ રાખવી જોઇએ તેમજ આ સ્થાન ઘરના દરેક સ્થાન કરતાં નીચું હોવું જોઇએ. દક્ષિણ અને પશ્ચિમ દિશામાં ભારે વજનવાળી વસ્તુ રાખવી તેમજ આ દિશા ઘરમાં ઊંચા સ્થાન પર હોવી જોઇએ. જો પૂર્વ દિશામાં ભારે વજનવાળી વસ્તુઓ હોય અને તે સ્થાન ઉંચાઇ પર હોય તો તે વાસ્તુ દોષ નથી કરતું. જો પૂર્વ દિશામાં ભારે વજનવાળો સામાન હોય અને પશ્ચિમ દિશા એકદમ ખાલી હોય તથા તે સ્થાન પર કોઇ જ વસ્તુનું નિર્માણ ન થયેલું હોય તો આપ અનિંદ્રાનો શિકાર બની શકો છો. ઉત્તર દિશામાં ભારે વજનવાળી વસ્તુનું નિર્માણ હોય પરંતુ દક્ષિણ અને પશ્ચિમ દિશા નિર્માણ રહિત હોય તો આ સ્થિતિનું સર્જન થાય છે. એટલે અહીં જણાવેલ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જેથી આપની અનિંદ્રાની સમસ્યા દૂર થઇ શકે.
દક્ષિણ કે પૂર્વ દિશા
ઘરના સ્વામીએ અગ્નિખૂણા કે વાયવ્ય ખૂણામાં શયન કરવું જોઇએ. જો તમે ઉત્તરમાં મસ્તક અને દક્ષિણમાં પગ રાખીને સૂવો છો તો આપને અનિંદ્રા કે બેચેની, માથાનો દુ:ખાવો અને ચક્કર આવવા જેવી સમસ્યા સતાવે છે. ધન આગમન અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ દક્ષિણ કે પૂર્વ તરફ પગ રાખીને સૂવુ સારું માનવામાં આવે છે.
જળ સ્થાન
ઘરમાં ભૂમિગત જળનું સ્થાન ખોટી જગ્યા પર હોય તો તે ખરાબ સ્વાસ્થ્યનું કારણ બને છે. ઉત્તર કે ઉત્તર-પૂર્વ દિશામાં જળનો સ્ત્રોત રાખવો ધનદાયક બને છે. સંતાન પણ સુંદર અને નિરોગી રહે છે. આ સ્થાન પર નિવાસ કરનાર સદસ્યોના ચહેરા પર તમને અલગ જ ચમક જોવા મળશે તેમજ તે લોકોની રોગ પ્રતિકારક ક્ષમતામાં વૃદ્ધિ થાય છે.
મુખ્યદ્વાર
દક્ષિણ-પશ્ચિમ દિશાના મુખ્યદ્વાર સામે ખાલી જગ્યા હોવી શુભ માનવામાં નથી આવતી. આ પ્રકારના ઘરના સદસ્યોને હાર્ટ એટેક, લકવો, હાડકા તેમજ સ્નાયુની સમસ્યા સતાવતી હોય છે. આ પ્રકારના મુખ્યદ્વારનું સ્થાન બને એટલું બદલી દેવું જોઇએ.
ભોજન બનાવવાની દિશા
રસોડામાં જ્યારે પણ તમે જમવાનું બનાવી રહ્યા છો તો ગૃહિણીનું મુખ દક્ષિણ દિશા તરફ હોય તો તમને ચામડી તેમજ હાડકાના રોગ થવાની શક્યતા છે. દક્ષિણ દિશા તરફ મુખ રાખીને ભોજન બનાવવાથી પગમાં દુ:ખાવાની સમસ્યા સર્જાય છે. એ જ રીતે પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને ભોજન બનાવવાથી આંખ, નાક, કાન અને ગળા સંબંધિત સમસ્યા સર્જાય શકે છે. પૂર્વ દિશા તરફ મુખ રાખીને ભોજન બનાવવાથી સ્વાસ્થ્યમાં લાભ થાય છે. પરિવારના સભ્યો સ્વસ્થ રહે છે.
દિવાલમાં તિરાડ
ખાસ એક વાત ધ્યાનમાં રાખવી કે ઘરના કોઇપણ રૂમની દિવાલમાં ક્યાંય તિરાડ ન હોય તેમજ રંગ ઉખડેલો ન હોવો જોઇએ. દિવાલ પર રહેલા દાગ-ધબ્બા પણ વાસ્તુદોષને નિમંત્રણ આપે છે. આ સ્થિતિ આપના ઘરમાં હશે તો ઘરમાં રહેતા સભ્યોને સાંધાના દુ:ખાવા, ગઠિયો, કમરનો દુ:ખાવો, સાયટિકા જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે.
ઘાટા અને તામસિક રંગ
ઘરના રૂમની દિવાલ પર રંગકામ કરાવતા સમયે ખાસ ધ્યાન રાખવું જોઇએ. ઘરની દિવાલો પર કાળો કે ઘાટો વાદળી રંગ કરાવવાથી પેટ સંબંધિત સમસ્યા સર્જાય છે, હાથ-પગમાં દુ:ખાવાની સમસ્યા સર્જાય છે. નારંગી કે પીળા રંગના કારણે બી.પી.ની સમસ્યા સર્જાય છે. ઘાટો લાલ રંગ કરાવવાથી લોહીના વિકારો તેમજ કોઇ દુર્ઘટના ઘટવાના શક્યતા વધી જાય છે. સારા સ્વાસ્થ્ય માટે ઘરની દિવાલ પર દિશા અનુસાર સાત્વિક અને આછા રંગનો ઉપયોગ કરવો જોઇએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)