અહીંની દરેક શિલા પર છે શિવજી ! સિરસીમાં કેવી રીતે થયું સહસ્ત્ર શિવલિંગનું પ્રાગટ્ય ?
નર્મદાના કાંઠે જેમ "કંકર એટલાં શંકર" છે, તે જ રીતે શલમાલા નદીમાં તો "શિલા એટલાં શિવજી" છે. અહીં દરેક શિલા પર અદભુત શિવલિંગના દર્શન થાય છે. એક માન્યતા અનુસાર આ પૂરાં સહસ્ત્ર શિવલિંગ છે. અને એટલે જ આ સ્થાન સિરસીના સહસ્ત્રલીંગ તરીકે ખ્યાત થયું છે.
કર્ણાટકના ઉત્તર કન્નડમાં સિરસી નામે એક સ્થાન આવેલું છે. આ સિરસી તેના અખૂટ પ્રાકૃતિક સૌંદર્ય માટે પ્રસિદ્ધ છે. કુદરતે જાણે આ ભૂમિ પર ખોબલે ને ખોબલે સૌંદર્ય વેર્યું છે. અને આ જ સિરસીથી લગભગ 15 કિલોમીટરના અંતરે આવેલું છે સૌંદા ગામ. આ સૌંદા ગામની સમીપે આવેલ ગાઢ જંગલ અને ખળખળ વહેતી શલમાલા નદીને નિહાળતા જ મન પ્રસન્નતાથી ભરાઈ જાય છે. કારણ કે આ નદીના સાનિધ્યે તમારી જ્યાં દૃષ્ટિ પડશે ત્યાં તમને દેખાશે શંકર ! એટલે કે અહીંની તો દરેક શિલા પર છે શિવજી !
નર્મદાના કાંઠે જેમ “કંકર એટલાં શંકર” છે, તે જ રીતે શલમાલા નદીમાં તો “શિલા એટલાં શિવજી” છે. અહીં દરેક શિલા પર અદભુત શિવલિંગના દર્શન થાય છે. એક માન્યતા અનુસાર આ પૂરાં સહસ્ત્ર શિવલિંગ છે. અને એટલે જ આ સ્થાન સિરસીના સહસ્ત્રલીંગ તરીકે ખ્યાત થયું છે. આ સહસ્ત્રલિંગની રચના જ એવી રીતે કરાઈ છે કે મહેશ્વર પર સદૈવ જળાભિષેક થતો જ રહે.
ઉલ્લેખનીય છે કે આ સ્થાન વિશે અનેક સંશોધનો થઈ ચૂક્યા છે. જે અનુસાર આ શિવલિંગને બીજેથી લાવીને અહીં સ્થાપિત નથી કરાયા ! પરંતુ, વાસ્તવમાં તો નદીની શિલાઓને જ શિવલિંગનું સ્વરૂપ પ્રદાન કરાયું છે ! જે શિવલિંગ જ્યાં દેખાઈ રહ્યા છે, તે જ સ્થાન પર તેની રચના થઈ છે ! નદીની અંદરની અને કિનારે રહેલી શિલાઓને કંડારીને તેને શિવલિંગનું સ્વરૂપ પ્રદાન કરાયું છે. તો, મોટાભાગના શિવલિંગની સન્મુખ નંદી મહારાજ પણ બિરાજમાન કરાયા છે.
કેવી રીતે થયું નિર્માણ ?
એક કથા અનુસાર આ સહસ્ત્રલિંગ સોળમી સદીમાં નિર્મિત છે. જેનું નિર્માણ સિરસીના રાજા સદાશિવરાય વર્માએ કરાવ્યું હતું. સદાશિવરાયને કોઈ સંતાન ન હોઈ તેમણે એક ઋષિની સલાહથી દેવતાઓને પ્રસન્ન કરવાનો નિર્ણય લીધો. અને શલમાલા નદીની મોટાભાગની શિલાને શિવલિંગમાં પરિવર્તિત કરાવી દીધી. જેના આશીર્વાદ રૂપે તેમને પુત્ર પ્રાપ્તિ થઈ હોવાની કથા પ્રચલિત છે. જો કે, નદીના અગાધ પ્રવાહ વચ્ચે, સાધનોના અભાવ વચ્ચે આજથી સદીઓ પૂર્વે આવું અદ્વિતીય નિર્માણ કેવી રીતે શક્ય બન્યું તે જ વાત લોકોમાં કુતુહલ પ્રેરે છે.
સિરસીના સહસ્ત્રલિંગ સદીઓથી શિવભક્તોની આસ્થાનું કેન્દ્ર રહ્યા છે. દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમજ પ્રવાસીઓ પણ અહીં ઉમટતા જ રહે છે. તો મહાશિવરાત્રીના અવસર પર અહીં મેળો પણ જામે છે. જો કે, વર્ષાઋતુના સમયમાં અહીં પહોંચવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. કારણ કે આ સમયમાં મોટાભાગના શિવલિંગ જળમગ્ન બની જાય છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચો: શુદ્ધ બોલીના આશિષ પ્રદાન કરે છે માતા તોતળા ! જાણો અમદાવાદની તોતળાભવાનીનો મહિમા
આ પણ વાંચો: અંગારકી ચતુર્થીએ અજમાવી લો આ સરળ ઉપાય, શ્રીગણેશ મુશ્કેલમાં મુશ્કેલ કાર્યોને પણ કરી દેશે સિદ્ધ !