દેવી રાંદલ સાથે વિવાહ કરવા સૂર્યદેવે અજમાવી હતી ગજબ યુક્તિ! જાણો રસપ્રદ કથા
લોકકથા કંઈક એવી છે કે સૂર્યદેવ તો પ્રથમ નજરે જ વિશ્વકર્માપુત્રી દેવી રાંદલને તેમનું હૃદય આપી બેઠાં. તેમણે તેમની માતા અદિતીને કહી દીધું કે, "હું વિવાહ કરીશ તો માત્ર રન્નાદે સાથે જ કરીશ !" પરંતુ, આ બિલ્કુલ પણ સરળ ન હતું.
સૂર્યદેવ એટલે તો પ્રત્યક્ષ દેવતા. એવા દેવતા કે જેમના તેજથી જ સમગ્ર સૃષ્ટિનું સંચાલન થાય છે. વાસ્તવમાં તો સૂર્યદેવ જ પૃથ્વીનું ‘પ્રાણતત્વ’ મનાય છે પણ જો પૂછવામાં આવે કે સ્વયં સૂર્યદેવનું પ્રાણતત્વ કોણ? તો જવાબ મળે કે દેવી રાંદલ! એટલે કે સૂર્યદેવના શ્વાસ તો જાણે દેવી રાંદલમાં જ નિવાસ કરે છે! પુરાણોમાં સૂર્યદેવના પત્ની તરીકે દેવી સંજ્ઞાનો ઉલ્લેખ મળે છે.
જો કે ગુજરાતમાં આ જ દેવી સંજ્ઞા એ માતા રાંદલના નામે પૂજાય છે. સમગ્ર ગુજરાતમાં માતા રાંદલના અનેકવિધ મંદિરો આવેલા છે તો કેટલાક સ્થાન એવા પણ છે કે જ્યાં માતા રાંદલ અને સૂર્યદેવની એકસાથે પૂજા થાય છે. આવું જ એક પાવનકારી સ્થાનક પોરબંદરના બગવદરમાં પણ વિદ્યમાન છે. જ્યાં શ્રદ્ધાળુઓને શ્રીસૂર્યરન્નાદેના એકસાથે આશીર્વાદની પ્રાપ્તિ થઈ રહી છે.
શ્રદ્ધાળુઓ જ્યારે અહીં શ્રીસૂર્યરન્નાદેના દર્શને આવે છે, ત્યારે તે બંન્નેના વિવાહની કથાનું પણ સ્મરણ કરે છે. સૂર્યદેવતા અને માતા રાંદલના લગ્નગ્રંથીએ જોડાવાની કથા અત્યંત રોચક છે. લોકકથા કંઈક એવી છે કે સૂર્યદેવ તો પ્રથમ નજરે જ વિશ્વકર્માપુત્રી દેવી રાંદલને તેમનું હૃદય આપી બેઠાં. તેમણે તેમની માતા અદિતીને કહી દીધું કે “હું વિવાહ કરીશ તો માત્ર રન્નાદે સાથે જ કરીશ !”
પુત્રની ઈચ્છાને વશ થઈ દેવી અદિતિ રન્નાદેની માતા કાંચના પાસે ગયા અને તેમની પુત્રીનો હાથ માંગ્યો પણ કાંચનાએ એમ કહીને ના પાડી દીધી કે સૂર્યદેવ વ્યસ્તતાને લીધે તેમની પુત્રીને સમય નહીં આપી શકે. આખરે સૂર્યદેવે વાયુદેવની મદદ લીધી. રસોઈ કરવાના સમયે જ તેમણે નાળિયેર પાડી દેવી કાંચનાની તાવડી તોડી દીધી. રોટલાની ઉતાવળ હોઈ દેવી કાંચના અદિતી પાસે તાવડી માંગવા ગયા. ત્યારે અદિતીએ કહ્યું, “એમાં શું ! તાવડી ખુશીથી લઈ જાવ. પણ, મારી એક શરત છે. જો તાવડી પરત કરતી વખતે તૂટીને ઠીકરી થઈ, તો તમારી પુત્રી રાંદલ મારી પુત્રવધુ બનશે !”
દેવી કાંચનાને લાગ્યું કે એમ તે તાવડી થોડી તૂટે ! એમણે વચન આપી દીધું. પણ, રસોઈ કર્યા બાદ જ્યારે દેવી કાંચના તાવડી પરત કરવા જઈ રહ્યા હતા, ત્યારે સૂર્યદેવે બે લડતાં આખલા મોકલ્યા. ભયથી કાંચનાના હાથમાંથી તાવડી પડીને તૂટી ગઈ અને શરત અનુસાર સૂર્ય-રન્નાદેના વિવાહ થઈ ગયા.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચો : લઈ લો શ્રીરામનું નામ, હનુમાનજી પૂર્ણ કરશે તમારા દરેક કામ !
આ પણ વાંચો : મહેનત કર્યા પછી પણ નથી મળતું તમને ઈચ્છિત પરિણામ? કાર્યસ્થળ પર અજમાવો આ વાસ્તુ ઉપાય