Somnath Jyotirlinga: કોની પ્રાર્થનાને વશ થઈ શિવજી બન્યા સોમનાથ ? જાણો સોમનાથ જ્યોતિર્લિંગના દર્શનનો મહિમા
દ્વાદશ જ્યોતિર્લિંગમાં સોમનાથ જ્યોતિર્લિંગ (somnath jyotirlinga) સર્વ પ્રથમ સ્થાન ધરાવે છે અને તે સોમેશ્વરના નામે પણ પૂજાય છે. અત્યંત ભવ્ય ભાસતું આ શિવલિંગ ભક્તોને દર્શન માત્રથી પરમશાંતિની અનુભૂતિ કરાવે છે.
સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ્ ।
ઉજ્જયિન્યાં મહાકાલં ઓમકારં મમલેશ્વરમ્ ।।
શિવભક્તોના હૃદયની જે સૌથી વધુ નજીક છે તેવા પાવનકારી શ્રાવણ માસનો (shravan maas) પ્રારંભ થઈ ચૂક્યો છે. શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજવા લાગ્યા છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવના (lord shiva) દર્શન અને પૂજન-અર્ચનનો મહિમા રહેલો છે. પણ, કહે છે તમામ શિવલિંગમાં પ્રભુના દ્વાદશ જ્યોતિર્લિંગના (12 jyotirlinga) દર્શનનું સવિશેષ માહાત્મ્ય છે. અને આ જ દ્વાદશ જ્યોતિર્લિંગમાં સર્વ પ્રથમ સ્થાન ધરાવે છે સોમનાથ જ્યોતિર્લિંગ. ત્યારે આવો, શ્રાવણ માસના પ્રથમ દિવસે આપણે પણ સોમનાથ જ્યોતિર્લિંગની (somnath jyotirlinga) મહત્તાને જાણીએ.
મંદિર માહાત્મ્ય
સોમનાથ જ્યોતિર્લિંગ એ ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. દ્વાદશ જ્યોતિર્લિંગમાં સોમનાથ મહાદેવ સર્વ પ્રથમ સ્થાન ધરાવે છે અને તે સોમેશ્વરના નામે પણ પૂજાય છે. અત્યંત ભવ્ય ભાસતું આ શિવલિંગ ભક્તોને દર્શન માત્રથી પરમશાંતિની અનુભૂતિ કરાવે છે. પુરાણોમાં આ ક્ષેત્રનું ‘પ્રભાસતીર્થ ક્ષેત્ર’ તરીકે વર્ણન મળે છે. સોમેશ્વર જ્યાં બિરાજમાન છે તે મંદિર ‘કૈલાસ મહામેરુ પ્રાસાદ’ના નામે ઓળખાય છે. જેના સુવર્ણથી મઢેલા ગર્ભગૃહમાં સોમનાથ મહાદેવનું અત્યંત ભવ્ય શિવલિંગ પ્રસ્થાપિત કરાયું છે. જેના દર્શન માત્ર ભક્તોને પરમશાંતિની અનુભૂતિ કરાવે છે. સર્વ પ્રથમ શિવધામ મનાતું હોઈ દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથના દર્શનાર્થે આવે છે. કહે છે કે જે એકવાર સોમેશ્વરના દર્શન કરી લે છે, તેના મનમાં સોમનાથ દાદાનું સ્મરણ સદૈવને માટે સ્થિર થઈ જાય છે.
સોમનાથ પ્રાગટ્ય કથા
સોમનાથ મહાદેવના જ્યોતિર્મય રૂપના પ્રાગટ્ય સંબંધી કથાનો ઉલ્લેખ શિવપુરાણની કોટિરુદ્રસંહિતાના અધ્યાય 8 થી 14 માં જોવા મળે છે. તેમાં વર્ણિત કથાનુસાર પ્રજાપતિ દક્ષે તેમની 27 કન્યાઓના લગ્ન ચંદ્રમા સાથે કરાવ્યા. અલબત્, ચંદ્રમા તો માત્ર પત્ની રોહિણીના જ પ્રેમમાં ખોવાયેલા રહેતા. અન્ય પત્નીઓ પર ધ્યાન ન દેતા. ચંદ્રદેવના આ વર્તનથી ક્રોધિત થઈ પ્રજાપતિ દક્ષે ચંદ્રદેવને ક્ષયરોગ થવાનો શ્રાપ આપી દીધો. શિવપુરાણમાં ઉલ્લેખ અનુસાર ચંદ્રદેવને ક્ષયરોગ થવાથી રાત્રીના સમયે સૃષ્ટિ પર ઘોર અંધકાર છવાઈ ગયો. આ મુસીબતમાંથી બહાર નીકળવા ચંદ્રમા અને દેવતાઓએ બ્રહ્માજીનું શરણું લીધું. ત્યારે બ્રહ્માજીએ તેમને ‘પ્રભાસ’ ક્ષેત્રમાં જઈ દેવાધિદેવનું વિધિવત અનુષ્ઠાન કરવાની સલાહ આપી. કહે છે કે બ્રહ્માજીની આજ્ઞાથી ચંદ્રમાએ સતત 6 મહિના સુધી પ્રભાસની ભૂમિ પર તપસ્યા કરી મહાદેવને પ્રસન્ન કર્યા. શિવજીએ ચંદ્રદેવના શ્રાપને હળવો કરતા કહ્યું કે, “હે ચંદ્રદેવ ! તમારું પૂર્ણપણે શ્રાપમુક્ત થવું શક્ય નથી. પરંતુ, હું શ્રાપને હળવો કરી શકું છું. આજથી તમારી કલા એક પક્ષમાં પ્રતિદિન ક્ષિણ થશે, તો બીજા પક્ષમાં ફરી નિરંતર વધતી રહેશે.”
મહાદેવની કૃપા પ્રાપ્ત કરી સર્વ દેવતાઓએ તેમનો જયકાર કર્યો અને પછી મહાદેવને પ્રભાસમાં જ બિરાજમાન થવાની પ્રાર્થના કરી. સર્વની પ્રાર્થનાને વશ થઈ ભક્તવત્સલ મહાદેવ જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રભાસમાં બિરાજમાન થયા.
શ્રીકૃષ્ણ આવ્યા હતા સોમનાથ !
લોકવાયકા અનુસાર સોમનાથ મહાદેવ માટે ચંદ્રદેવતાએ સુવર્ણમાંથી, રાવણે ચાંદીમાંથી જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ ચંદનકાષ્ઠમાંથી મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. પુરાણોમાં ઉલ્લેખ છે તે અનુસાર દેવાધિદેવ મહાદેવ હંમેશાથી જ યદુકુળના આરાધ્ય રહ્યા છે. કહે છે કે એટલે જ શ્રીકૃષ્ણએ તેમના આ આરાધ્યની સમીપે દ્વારિકામાં જ તેમની નગરી વસાવી હતી. શ્રીકૃષ્ણ તેમના જીવનકાળ દરમિયાન વારંવાર સોમનાથના દર્શનાર્થે આવ્યા હોવાનો પુરાણોમાં ઉલ્લેખ છે.
સોમનાથ મહાદેવનું મંદિર વાસ્તુ અને વિનાશનું સાક્ષી પણ બનતું રહ્યું છે. મંદિરની રક્ષાર્થે અનેક વીરોએ તેમના પ્રાણનું બલિદાન આપ્યું હતું. આખરે, વર્ષ 1947માં ભારતની આઝાદી બાદ સરદાર વલ્લભભાઈ પટેલ આ તીર્થસ્થાનની મુલાકાતે આવ્યા. સોમનાથના ખંડેરોને જોઈ તેમણે નવમંદિર નિર્માણનો સંકલ્પ લીધો. અને વર્ષ 1951ની 11મી મેના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદના વરદ હસ્તે સોમનાથ જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. અનેક વિધ્વંસો બાદ પણ સોમનાથનું સ્થાનક વારંવાર બેઠું થયું છે. અને આજે તેની ભવ્યતા આકાશને આંબી રહી છે.