Shravan-2021 : શિવજીને અર્પણ થતી સામગ્રીનું આપ કેવી રીતે કરો છો વિસર્જન ? ભૂલ ભરેલી રીત આપને પડી શકે છે ભારે !
શિવજીને અર્પિત થતી સામગ્રી ગમે તે સ્થળે રાખી દેવી એટલે શિવજીની સામગ્રીનું અપમાન કરવું. મહાદેવની પૂજામાં વપરાતી વસ્તુઓ કોઈના પગમાં તો નથી આવતી ને ? પૂજા સામગ્રીનું વિસર્જન કરતાં પહેલાં તે અવશ્ય ખાતરી કરો કે સામગ્રીનું અપમાન ન થાય !
શિવજીનો (SHIV) પ્રિય મહિનો એટલે શ્રાવણ. શ્રાવણ એટલે તો શિવભક્તોનો પણ પ્રિય મહિનો. સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો ભોળાનાથની આસ્થાથી ભક્તિ કરે. શિવલયોમાં ખાસ પૂજા વિધાન સાથે મહાદેવની આરાધના કરે. તો, વળી કેટલાક લોકો ઘરે જ ભાવથી ભોળાનાથને ભીંજવે.
સંપૂર્ણ શ્રાવણ દરમિયાન શિવજીની અલગ અલગ રીતે થતી પૂજા વિધિ અને અભિષેકનું મહત્વ છે. લોકો શિવજીને પ્રસન્ન કરવા માટે શિવજીને પ્રિય વસ્તુઓ અર્પણ કરતાં હોય છે. દેવાધિદેવ મહાદેવની પૂજામાં અનેક સામગ્રીનો ઉપયોગ થાય છે. એમાં પણ શ્રાવણમાં તો શિવજીને વિશેષ શૃંગાર કરવામાં આવે છે. વિશેષ દ્રવ્યોના અભિષેકનું પણ શ્રાવણમાં ખાસ મહત્વ રહેલું છે.
આપ પણ શિવાલયમાં અથવા તો ઘરે જ શિવજીને અલગ અલગ દ્રવ્યો અને સામગ્રી અર્પણ કરતાં હશો, જેમ કે, બીલીપત્ર અને ફૂલો. પણ તમે શિવજીને અર્પિત થતી સામગ્રીનું વિસર્જન કેવી રીતે કરો છો ? સામગ્રીને વિસર્જિત કરવાની પણ છે ખાસ રીત ! શું તમે જાણો છો કે જો શિવજીને અર્પણ કરાયેલી સામગ્રીનું યોગ્ય વિસર્જન ન થયું તો આપને મહાદેવના કોપનો સામનો કરવો પડી શકે છે ? આવો આજે આપને જણાવીએ શિવજીને અર્પણ કરાયેલી સામગ્રીને વિસર્જિત કરવાની સંપૂર્ણ પદ્ધતિ.
સામાન્ય રીતે લોકો એ નથી જાણતા કે પૂજા સામગ્રીનું વિસર્જન કેવી રીતે કરવું. લોકો તેને ગમે ત્યાં જ રાખી દેતાં હોય છે. લોકો પાસે એ માહિતી જ નથી હોતી કે કે પૂજા સામગ્રીને ગમે ત્યાં રાખી દેવાથી તેનો અનાદર થાય છે ! શિવજીને અર્પિત સામગ્રીનો અનાદર એ અપમાન છે. આપણે જેમ શ્રાવણના પવિત્ર મહિનામાં શિવજીની પૂજા દરમિયાન વિશેષ કાળજી રાખીએ છીએ, બસ એવી જ રીતે શિવજીને અર્પણ કરાયેલી પૂજા સામગ્રીના વિસર્જનમાં પણ કાળજી રાખવી જોઈએ.
કેટલાક લોકો પૂજન સામગ્રી કોઈ નદીના ખાલીપટમાં પણ પધરાવી દેતાં હોય છે. તો વળી કોઈ તો કચરામાં પણ તેને ફેંકી દે છે. આવી રીતે વિસર્જન કરવું એટલે પૂજા સામગ્રીનો અનાદર કરવો. કારણ કે તે ક્યારેક કોઈના પગમાં આવી શકે છે. વિસર્જનની આ પદ્ધતિ યોગ્ય નથી.
તમે પૂજન સામગ્રીને નદીના વહેતાં પાણીમાં પધરાવી શકો છો. પણ, એ ધ્યાન રાખવું જરૂરી છે કે તેનાથી નદીનું પાણી દૂષિત ન થવું જોઈએ ! એટલે કે પૂજન સામગ્રી બગડી ગયેલી તો ન જ હોવી જોઈએ, કે જેનાથી જળ પ્રદૂષિત થાય. એટલે જ શિવજીને અર્પિત થતી સામગ્રીના વિસર્જનની સૌથી શ્રેષ્ઠ રીત એ છે કે તેને કોઈ પવિત્ર સ્થાન અથવા બગીચામાં ખાડો ખોદીને જમીનમાં દાટી દેવામાં આવે.
પૂજન સામગ્રીના વિસર્જનમાં એ અવશ્ય ધ્યાન રાખવું કે તે કોઈના પગમાં ન આવે. પૂજા સામગ્રીનું વિસર્જન કરતાં પહેલાં તે ખાતરી કરો કે સામગ્રીનું અપમાન ન થાય. સાથે જ એટલી જ જરૂરી બાબત એ પણ છે કે “જેટલી જરૂર છે એટલી જ પૂજા સામગ્રીનો ઉપયોગ કરો.” કારણ કે જરૂર વગરનો ઉપયોગ અને વિસર્જનમાં કરેલી ભૂલ ભરેલી પદ્ધતિ વ્યક્તિએ કરેલી શિવપૂજાના ફળને જ નષ્ટ કરી છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચો : સાત જન્મના પાપને નષ્ટ કરશે આ શિવલિંગ ! જાણો ભીમાશંકર જ્યોતિર્લિંગનો મહિમા
આ પણ વાંચો : શાંતિ અને સંતતિની પ્રાપ્તિ માટે શ્રાવણમાં અચૂક વાવો આ વૃક્ષ !