Bhakti: ભગવતીના આઠ નામનું જયા પાર્વતી વ્રત પર કરો અનુષ્ઠાન, મેળવો અખંડ સૌભાગ્યના આશીર્વાદ
અખંડ સૌભાગ્યની કામના સાથે જ કુંવારિકાઓ અને સુવાસિનીઓ જયા પાર્વતીનું વ્રત કરતી હોય છે. એમાં પણ મા ભગવતીના આઠ નામ સૌભાગ્ય, આરોગ્ય, સંપદા અને સંતતિ રૂપી સંપત્તિની પ્રાપ્તિ કરાવનારા મનાય છે.
Bhakti : અષાઢ મહિનો એટલે તો વ્રતોનો (VRAT) મહિનો. આમ, તો સમગ્ર વર્ષ દરમિયાન કેટલાંય વ્રતો અને તહેવારો આવતા જ રહેતા હોય છે. પણ, કોડ ભરેલી કન્યાઓને તો અષાઢ માસ ખૂબ રૂડો લાગે. કેમ કે આ મહિનામાં આવતું જયા પાર્વતીનું વ્રત એટલે કન્યાઓને મનના માણીગરની પ્રાપ્તિ કરાવનારું વ્રત અને સાથે જ અખંડ સૌભાગ્ય અને સંતતિના આશીર્વાદ પ્રદાન કરતું વ્રત. એ અખંડ સૌભાગ્યની જ તો કામના હોય છે કે જેની સાથે કુંવારિકાઓ અને સુવાસિનીઓ જયા પાર્વતીનું વ્રત કરતી હોય છે. ત્યારે આજે અમારે કરવી છે જયા પાર્વતી વ્રત પર કરવાના એક એવાં જ અનુષ્ઠાનની વાત કે જે પ્રદાન કરશે અખંડ સૌભાગ્યના આશીર્વાદ.
વિશેષ અનુષ્ઠાન પહેલાં વ્રતની વિધિ જાણીએ. પૌરાણિક કથા અનુસાર તો સ્વયં માતા પાર્વતીએ બ્રાહ્મણ પત્નીને વ્રતની વિધિ કહી હતી. અષાઢ સુદ તેરસથી શરૂ થતું આ વ્રત ઉત્તમ સૌભાગ્ય અને સંતતિની પ્રાપ્તિ કરાવનારું છે. ⦁ આ વ્રતના અનુષ્ઠાન માટે તેરસના દિવસે નિત્ય ક્રિયામાંથી પરવારીને મહાદેવના મંદિરે જવું. ⦁ મંદિરે જઈ તેમનું પૂજન અર્ચન કરવું. ⦁ પૂજા અર્ચના કર્યા પછી જયા પાર્વતી વ્રતની કથાનું પઠન કે શ્રવણ કરવું. ⦁ મહામારીના સંજોગોમાં મંદિર ન જઈ શકાય તો ઘરે બેઠાં, ઘરમાં જ શિવલિંગ, શિવ પાર્વતીની મૂર્તિ કે તસવીરની પૂજા અર્ચના કરી શકાય. ⦁ પૂજા વિધિ દરમિયાન અખંડ સૌભાગ્ય અને શ્રેષ્ઠ સંતતિની કામના અભિવ્યક્ત કરવી. ⦁ સાથે જ એક શ્લોકનું પઠન કરવું. શક્ય હોય વ્રતના પાંચ દિવસ દરમિયાન આ શ્લોકની એક માળા કરવી.
ફળદાયી શ્લોક દેહિ સૌભાગ્યં આરોગ્યમ્, દેહિ મેં પરમં સુખમ્ । રૂપં દેહિ જયં દેહિ, યશો દેહિ દ્વિષોજહિ ।।
આ શ્લોકની સાથે મા ભગવતીના આઠ નામના અનુષ્ઠાનની વિધિ પણ શાસ્ત્રોમાં બતાવવામાં આવી છે. આ આઠ નામનું અનુષ્ઠાન કુમારિકાઓ તેમજ સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે સર્વશ્રેષ્ઠ જણાવવામાં આવ્યું છે. જેનું એક શ્લોકના રૂપમાં પઠન કરવાનું છે.
આઠ નામનું અનુષ્ઠાન પાર્વતી લલીતા ગૌરી, ગાંધારી શાંકરી શિવા । ઉમા સત્યાષ્ટનામાની સૌભાગ્ય આરોગ્ય સંપદા ।।
મા ભગવતીના આ આઠ નામ સૌભાગ્ય, આરોગ્ય, સંપદા અને સંતતિ રૂપી સંપત્તિની પ્રાપ્તિ કરાવશે. જો શક્ય હોય તો વ્રત દરમિયાન નિત્ય 11 વખત તેનો જાપ કરવો.
આ પણ વાંચોઃ શું તમે બુધવારે કરો છો મગનું દાન ? જાણો, બુધ ગ્રહની શાંતિના અત્યંત સરળ ઉપાય !