Hanuman Jayanti 2022: ધ્યાનમાં રાખી લો હનુમાન પૂજાના આ નિયમ, તો જ થશે શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ !
પવનસુતને જે પણ પ્રસાદ અર્પણ કરવામાં આવે તે ‘શુદ્ધ ઘી'માંથી તૈયાર થયો હોય તે વાતનું ખાસ ધ્યાન રાખવું. સાથે જ હનુમાનજીને તુલસીદળ પણ અર્પણ કરવા જોઇએ. કારણ કે હનુમાનજીને તુલસી પ્રિય છે.
શનિવાર એ હનુમાનજીનો વાર મનાય છે. આ વખતે હનુમાન જયંતી અને શનિવારનો સુભગ સમન્વય થયો છે. આમ તો પવનસુત સદૈવ ભક્તો પર કૃપાની વૃષ્ટિ કરે જ છે. પણ, હનુમાન પ્રાગટ્ય દિનનો આ શુભ સંયોગ વ્યક્તિને શ્રેષ્ઠતમ ફળની પ્રાપ્તિ કરાવી શકે છે. અલબત્, આ માટે એ ધ્યાન રાખવું પણ જરૂરી છે કે પવનસુતની પૂજા કેટલાંક ખાસ નિયમ અનુસાર થાય. ત્યારે આવો જાણીએ કે હનુમાન જયંતીએ શું ધ્યાનમાં રાખવું ખાસ જરૂરી છે ?
હનુમાન પૂજાના નિયમો
⦁ માન્યતા છે કે બજરંગબલીની પૂજા કરતી વખતે હંમેશા લાલ રંગના પુષ્પનો જ ઉપયોગ કરવો જોઇએ.
⦁ હનુમાનજીની પૂજા કરતી વખતે તેમની સન્મુખ દીપ પ્રગટાવવાનું મહત્વ છે. પણ, ખાસ વાત એ છે કે આ દીપ પ્રાગટ્ય માટે લાલ રંગના સુતરાઉ દોરામાંથી વાટ બનાવવી જોઈએ. અને તેનો જ દીવો કરવો જોઈએ.
⦁ પવનસુતને જે પણ પ્રસાદ અર્પણ કરવામાં આવે તે ‘શુદ્ધ ઘી’માંથી તૈયાર થયો હોય તે વાતનું ખાસ ધ્યાન રાખવું. સાથે જ હનુમાનજીને તુલસીદળ પણ અર્પણ કરવા જોઇએ.
⦁ હનુમાનજીને તુલસીની માળા પણ અર્પણ કરી શકાય છે. કારણ કે હનુમાનજીને તુલસી પ્રિય છે.
હનુમાનજીની પૂજામાં શું ધ્યાન રાખવું જોઈએ તે વિશે તો આપણે જાણ્યું. આવો, હવે કેટલાંક એવાં ઉપાયો પણ જાણી લઈએ કે જે હનુમાન જયંતીએ કરવાથી સાધકને સવિશેષ લાભની પ્રાપ્તિ થતી હોય છે.
કાર્યમાં સફળતા
શાસ્ત્રો અનુસાર જોઈએ તો કાર્યમાં સફળતાની પ્રાપ્તિ અર્થે હનુમાનજીની પૂજા દરમ્યાન તેમને મીઠા પાનનું એક બીડું અર્પણ કરવું જોઇએ. કહે છે કે આ વિધિથી કાર્યમાં શીઘ્ર સફળતાની પ્રાપ્તિ થાય છે.
મનોકામનાની પૂર્તિ
હનુમાન જયંતીએ ખાસ હનુમાનજીના મંદિરમાં જઇને સિંદૂર અર્પણ કરવું જોઈએ. તેનાથી જાતકની મનોકામનાની પૂર્તિ થવાની માન્યતા છે. હનુમાન જયંતીએ હનુમાનજીના મંદિરમાં લાલ કે કેસરી ધ્વજ એટલે કે ધજા અર્પણ કરવાનો પણ મહિમા છે. આ વિધિ પણ મનોકામનાઓની પૂર્તિ કરનારી મનાય છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચો : કેવાં-કેવાં ફળની પ્રાપ્તિ કરાવે છે દસ મહાવિદ્યાની ઉપાસના ? જાણો મહાવિદ્યાની સાધનાનો મહિમા
આ પણ વાંચો : દસ મહાવિદ્યાના આ મંત્રનો કરશો જાપ, તો જીવનના સઘળા કષ્ટ થઈ જશે સમાપ્ત !