શું તમારા ઘરમાં પણ બુધવારે ભોજનમાં મગ બને છે ? જાણી લો, શું છે બુધવાર સાથે જોડાયેલા લીલા રંગનું રહસ્ય !
જ્યારે બુધ ગ્રહ કોઈ વ્યક્તિની કુંડળીમાં દોષ (kundali dosha) સર્જતો હોય, ત્યારે તેને લીધે અનેકવિધ સમસ્યાઓ સર્જાઈ જતી હોય છે. એક માન્યતા અનુસાર બુધવારે લીલા મગ કે મગની લીલી દાળના કેટલાંક ઉપાય અજમાવીને તમે બુધદોષમાં રાહત મેળવી શકો છો.
મોટાભાગના હિન્દુ પરિવારોમાં બુધવારના દિવસે મગ રાંધવામાં આવતા હોય છે. બાળકો જો મગ જોઈને મોઢું બગાડે, તો ઘરના વડીલ તરત કહે છે કે બુધવારે મગ તો ખાવા જ પડે ! તેના વિના તો ચાલે જ નહીં ! આવો, આજે આપણે બુધવારે મગ બનાવવાનું શું રહસ્ય છે તે જાણીએ. અને બુધવારે મગ કે મગની લીલી દાળના ઉપાય તમને કેવી રીતે મદદરૂપ બનશે તેની માહિતી પણ મેળવીએ.
બુધવાર અને બુધ ગ્રહનો નાતો
વાસ્તવમાં બુધવારનો સંબંધ એ બુધ ગ્રહ સાથે જોડાયેલો છે. બુધ ગ્રહ એ એક ખૂબ જ ગરમ ગ્રહ છે. અને જ્યારે આ ગ્રહ કોઈ વ્યક્તિની કુંડળીમાં દોષ સર્જતો હોય, ત્યારે તેને લીધે અનેકવિધ સમસ્યાઓ સર્જાઈ જતી હોય છે. એક માન્યતા અનુસાર બુધવારના દિવસે ભગવાન ગણેશની ઉપાસના કરીને તમે બુધદોષમાં રાહતની પ્રાપ્તિ કરી શકો છો. તો સૌથી મહત્વની વાત એ છે કે આ દિવસે લીલા મગ કે મગની લીલી દાળના (ફોતરાવાળી દાળના) કેટલાંક ઉપાય અજમાવીને પણ તમે બુધદોષમાં રાહત મેળવી શકો છો.
મગ કે મગની દાળથી બુધ ગ્રહની શાંતિ !
⦁ બુધવારના દિવસે લીલી મગની દાળને ચોખા સાથે મિશ્રિત કરો. આ મિશ્રણને આપણે ત્યાં ખીચડી ચોખા કહે છે. માન્યતા અનુસાર બુધવારના દિવસે આ ખીચડી ચોખાનું દાન કરવાથી બુધ ગ્રહની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. અને બુધ ગ્રહ સંબંધિત દોષો દૂર થાય છે.
⦁ બુધવારે શક્ય હોય ત્યાં સુધી મગ કે મગની લીલી દાળ બનાવવી જોઈએ. અને સહપરિવાર એકસાથે બેસીને તેનું ભોજન કરવું જોઈએ. કહે છે કે આ ઉપાય કરવાથી બુધની ઉગ્રતા શાંત થાય છે અને પરિવારજનો વચ્ચે પ્રેમમાં વૃદ્ધિ થાય છે. તેમજ સંપ જળવાઈ રહે છે.
⦁ લીલા મગને ફણગાવીને બુધવારના દિવસે તેને પક્ષીઓને ચણના રૂપે આપવા જોઈએ. કહે છે કે આ ઉપાયથી માતા લક્ષ્મી અને ગણેશજી બંને પ્રસન્ન થાય છે અને તેમની કૃપા સદૈવ તમારા પર અકબંધ રહે છે.
⦁ જો કોઈ વ્યક્તિની કુંડળીમાં બુધ ગ્રહનો દોષ હોય તો તે વ્યક્તિએ બુધવારે આખા મગનું દાન કરવું જોઈએ. કોઈ ગરીબને, જરૂરિયાતમંદને કે પછી મંદિરમાં જઈને લીલા મગનું દાન કરવાથી બુધ ગ્રહ સંબંધિત તમામ દોષ સમાપ્ત થઈ જાય છે.
⦁ આ સિવાય બુધવારના દિવસે લીલા રંગના વસ્ત્ર ધારણ કરવાથી તેમજ ગાયને લીલું ઘાસ ખવડાવવાથી પણ શુભ ફળની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા પ્રચલિત છે.
⦁ કહે છે કે જો તમે બુધવારે લીલા રંગના વસ્ત્ર પહેરી શકો તેમ ન હોવ તો પણ સાથે લીલા રંગનો રૂમાલ તો રાખવો જ જોઈએ. તે આપના માટે અત્યંત ફળદાયી બની રહેશે.
આર્થિક સમૃદ્ધિ અર્થે
બુધવારે અઢીસો ગ્રામથી થોડા વધારે લીલા મગ લઈ તેને પાણીમાં ઉકાળી દો. ત્યારબાદ તેમાં ઘી અને ખાંડ મેળવીને કોઈ ગાયને તે ખવડાવી દો. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાં રહેલા આર્થિક સંકટો દૂર થવા લાગે છે. માતા લક્ષ્મી તેના પર પ્રસન્ન થઈ ઘરમાં પ્રવેશ કરે છે. એટલું જ નહીં, કહે છે કે આ ઉપાય કરવાથી વ્યક્તિને દેવામાંથી પણ રાહતની પ્રાપ્તિ થાય છે. કારણ કે, દેવી લક્ષ્મીની કૃપાથી વ્યક્તિના તમામ પ્રકારના આર્થિક સંકટો ટળી જાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)