એક એક ચોપાઈમાં છે મંત્રની શક્તિ ! જાણો હનુમાન ચાલીસાની આ ચોપાઈ કેવી રીતે બદલશે તમારું ભાગ્ય ?
આ ચાલીસાની ચોપાઈઓમાં (chopai) કેટલીક ચોપાઈ એવી પણ છે કે જેનો મંત્રની જેમ જાપ કરવાથી, મંત્રની જેમ અનુષ્ઠાન કરવાથી સાધકના તમામ સંકટો ટળી જાય છે. તેના ભયંકર રોગ અને પીડાનો નાશ થાય છે તેમજ કામનાઓની પૂર્તિ પણ થાય છે.
શ્રીરામજીના પરમ ભક્ત હનુમાનજીનો જન્મોત્સવ આ વર્ષે 6 એપ્રિલ, ગુરુવારે ઉજવવામાં આવશે. હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર માસની પૂનમે હનુમાન જયંતી ઉજવવામાં આવે છે. આ દિવસે હનુમાન મંદિરોમાં તો શ્રદ્ધાળુઓની ભીડ રહે જ છે, સાથે જ ભાવિકો ઘરે બેઠાં પવનસુતને રીઝવવાનો પ્રયાસ કરે છે. સવિશેષ તો હનુમાન ચાલીસાનું પઠન કરે છે. પણ, શું તમે જાણો છો કો આ જ હનુમાન ચાલીસાની કેટલીક ચોપાઈઓ તમને ભયંકરમાં ભયંકર પીડાથી પણ મુક્તિ અપાવી શકે છે ! આવો, આજે કેટલીક આવી જ ચોપાઈઓ વિશે માહિતી મેળવીએ.
હનુમાન ચાલીસાનો મહિમા
જ્યોતિષના જાણકારો અનુસાર જ્યારે વ્યક્તિ કોઇ સંકટમાં આવે અને તેમાંથી નીકળવાના બધા જ રસ્તા બંધ થઈ જાય, ત્યારે આ કપરા સમયમાં હનુમાન ચાલીસાનો પાઠ તેના માટે ફળદાયી સાબિત થઈ શકે છે. એટલું જ નહીં, આ ચાલીસાની ચોપાઈઓમાં કેટલીક ચોપાઈ એવી પણ છે કે જેનો મંત્રની જેમ જાપ કરવાથી, મંત્રની જેમ અનુષ્ઠાન કરવાથી સાધકના તમામ સંકટો ટળી જાય છે. ભયંકર રોગ અને પીડાનો નાશ થાય છે તેમજ કામનાઓની પૂર્તિ પણ થાય છે. આવી જ કેટલીક ચોપાઈઓ નીચે અનુસાર છે.
સંકટોમાંથી મુક્તિ અર્થે
સંકટ તૈ હનુમાન છુડાવૈ ।
મન ક્રમ બચન ધ્યાન જો લાવૈ ।।
હનુમાન ચાલીસાની આ ચોપાઇ એ જીવનમાં આવનાર તમામ પ્રકારની વિપત્તિઓ, વિઘ્નો અને સંકટોને દૂર કરનારી મનાય છે. જે વ્યક્તિ સંકટોથી ઘેરાયેલી હોય તેણે હનુમાન જયંતીના અવસરે ચોક્કસપણે આ ચોપાઈનું પઠન કરવું જોઈએ. આ ચોપાઈનો ઓછામાં ઓછો 108 વખત જાપ કરવો જોઈએ. જ્યારે એક ચોપાઈ મંત્રની જેમ જ સિદ્ધ થાય છે, ત્યારે સાધકને સંકટમુક્તિના આશિષની પ્રાપ્તિ થાય છે.
મનોકામના પૂર્તિ અર્થે
ઔર મનોરથ જો કોઇ લાવૈ ।
સોઇ અમિત જીવન ફલ પાવૈ ।।
હનુમાન ચાલીસામાં વર્ણિત ઉપરોક્ત ચોપાઈ એ કામનાઓને પૂર્ણ કરનારી મનાય છે. કહે છે કે જ્યારે વ્યક્તિની કોઈ ખાસ મનશા હોય તો તેની પૂર્તિ અર્થે તેણે હનુમાન ચાલીસાની આ ચોપાઈનો મંત્રની જેમ જ જાપ કરવો જોઈએ. ઓછામાં ઓછો 108 વખત જાપ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
ધન અને વિદ્યા પ્રાપ્તિ અર્થે
વિદ્યાવાન ગુની અતિ ચાતુર ।
રામ કાજ કરિબે કો આતુર ।।
ધનની મનશા ત્યારે વધુ સારી રીતે પૂર્ણ થતી હોય છે કે જ્યારે તેમાં વિદ્યાના આશિષ પણ ભળ્યા હોય. જ્યારે માતા સરસ્વતીના આશીર્વાદ મળે છે, ત્યારે માતા લક્ષ્મી પણ આપો આપ ખેંચાઈ આવે છે. અને હનુમાન ચાલીસાની ઉપરોક્ત ચોપાઈ સાધકને માતા લક્ષ્મી અને માતા સરસ્વતી બંન્નેના આશીર્વાદ પ્રાપ્ત કરાવનારી છે. એટલે કે જો આપને વિદ્યાની અને ધનની કામના હોય તો આપે ઉપરોક્ત ચોપાઈનો ઓછામાં ઓછો 108 વખત જાપ કરવો જોઈએ.
રોગ, પીડાના નિવારણ અર્થે
નાસૈ રોગ હરે સબ પીરા ।
જપત નિરંતર હનુમત બીરા ।।
જો આપ કોઇ રોગ કે પીડાથી પીડિત હોવ, તો તેમાંથી મુક્તિ અર્થે હનુમાન ચાલીસાની ઉપરોક્ત ચોપાઈ રામબાણ સમાન કાર્ય કરશે. આ માટે હનુમાન જયંતી પર ઓછામાં ઓછો 108 વખત આ ચોપાઈનો જાપ કરવો જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)