Valentine Special: રાધાકૃષ્ણના પ્રેમની આ અદ્ભૂત કથા જાણો છો તમે ? પ્રેમના દિવસે જાણો આ અજાણી કથા
પ્રેમનું સર્વોચ્ચ અને ઉત્કૃષ્ટ સ્વરૂપ એટલે જ રાધાકૃષ્ણ. રાધા વગર શ્યામ અધૂરા અને શ્યામ વગર રાધા. કહે છે કે આત્મા અને પરમાત્માના મિલન સમાન છે રાધા અને કૃષ્ણનો પ્રેમ. અને તેમના પ્રેમની આ કથા પણ એટલી જ અદ્ભૂત છે.
જ્યારે પણ આપણે પ્રેમનું (LOVE) ઉદાહરણ આપીએ છીએ ત્યારે આપણને સૌપ્રથમ રાધાકૃષ્ણના (RADHA KRISHNA) પ્રેમનું જ સ્મરણ થઈ આવે છે. એવું કહે છે કે રાધા અને કૃષ્ણનો પ્રેમ તો આત્મા અને પરમાત્માના મિલન સમાન છે. શ્રીકૃષ્ણ બાળપણથી જ રાધાને ચાહતા હતા. તો, શ્રીકૃષ્ણના દૈવીગુણો વિશે રાધા પણ અજાણ ન હતા. બંન્નેના વિવાહ ન થઈ શક્યા. પણ, તેમ છતાં રાધાએ આજીવન તેમના મનમાં પ્રેમની યાદોને જીવંત રાખી. આ જ તેમના સંબંધની સૌથી મોટી સુંદરતા હતી. શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે શ્રીકૃષ્ણને તેમના જીવનમાં માત્ર બે જ વસ્તુઓ સૌથી વધુ પ્રિય હતી. અને તે બંન્ને એકબીજા સાથે ઉંડાણપૂર્વક સંબંધ ધરાવતી હતી. આ બંન્ને એટલે એક તો શ્રીકૃષ્ણની વાંસળી અને બીજી સ્વયં રાધા.
એ વાંસળી જ હતી કે જેને લીધે રાધા શ્રીકૃષ્ણની તરફ વધુને વધુ ખેંચાણ અનુભવતા. જ્યારે શ્રીકૃષ્ણ રાધાને લીધે જ વાંસળી પોતાની પાસે રાખતા !ભલે શ્રીકૃષ્ણ અને રાધાનું મિલન ન થયું, પરંતુ, વાંસળીએ તે બંન્નેવને સદૈવને માટે એકબીજા સાથે જોડી રાખ્યા હતા. માધવના દરેક ચિત્રમાં તમને તેમની સાથે વાંસળી જોવા મળશે. વાંસળી એ તો કૃષ્ણના રાધા પ્રત્યેના પ્રેમનું પ્રતિક છે. રાધા અને કૃષ્ણ સાથે ઘણીબધી દંતકથાઓ પણ જોડાયેલી છે. પણ, અમે આજે આપને એ કથા કહેવા માંગીએ છીએ કે જે રાધાના મૃત્યુ અને શ્રીકૃષ્ણની વાંસળી સાથે જોડાયેલી છે !
સમય આગળ વધ્યો, કૃષ્ણ દ્વારિકામાં વસ્યા. કૃષ્ણએ સર્વ પ્રથમ રુક્મિણી સાથે લગ્ન કર્યા. અને ત્યારબાદ રાજકીય સંબંધો જાળવવા શ્રીકૃષ્ણએ અનેક વિવાહ કર્યા. તો બીજી તરફ એક યાદવ સાથે રાધાના લગ્ન થયા હોવાની કથા પ્રચલિત છે. રાધાએ પણ વિવાહ બાદની તેમની તમામ જવાબદારીઓ પૂર્ણ કરી. તેઓ વૃદ્ધ થયા. પરંતુ, તેમનું મન તો હજી શ્રીકૃષ્ણ પ્રત્યે જ સમર્પિત હતું. એટલે જ્યારે જીવનના બધાં જ કર્તવ્યોથી મુક્તિ મળી ત્યારે રાધા છેલ્લીવાર તેમના પ્રિય કૃષ્ણને મળવા દ્વારિકા પહોંચ્યા. દ્વારિકા જઈને રાધાને શ્રીકૃષ્ણના અનેક વિવાહની ખબર પડી.
પણ, તે બિલ્કુલ દુ:ખી ન થયા. રાધાને જોઈ શ્રીકૃષ્ણ ખૂબ જ ખુશ થઈ ગયા. બંન્નેવ એકબીજા સાથે ઈશારાઓથી વાતો કરતા રહ્યા. દંતકથા એવી છે કે કૃષ્ણની આ નગરીમાં રાધાને કોઈ જાણતું ન હતું. આખરે, રાધાની વિનંતી પર કૃષ્ણએ તેમને મહેલમાં દેવિકા તરીકે નિયુક્ત કર્યા. રાધા આખો દિવસ મહેલમાં રહી બધાં કામ કરતાં. અને જ્યારે તક મળે ત્યારે તે કૃષ્ણનાં દર્શન કરતાં. અલબત્, મહેલમાં રાધા શ્રીકૃષ્ણ સાથે પહેલાં જેવાં આદ્યાત્મિક લગાવની અનુભૂતિ નહતા કરી શકતા. એટલે, તેમણે મહેલથી દૂર જઇને રહેવાનો નિર્ણય લીધો. તેમણે આ નિર્ણય એટલા માટે લીધો કે જેથી તે દૂર જઈ કૃષ્ણ સાથે ફરી પહેલાં જેવો જ ગાઢ આત્મિય સંબંધ સ્થાપી શકે.
રાધા જાણતા નહોતા કે તે ક્યાં જઈ રહ્યા છે. પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ બધું જ જાણતા હતા. સમય વીતતો ગયો. રાધા એકલા અને નબળા પડી ગયા. તે સમયે રાધાને ભગવાન કૃષ્ણની જરૂર પડી. ભગવાન કૃષ્ણ રાધાની અંતિમ ક્ષણે તેમની સમક્ષ હાજર થઈ ગયા. શ્રીકૃષ્ણએ રાધાને કંઈક માંગવાનું કહ્યું. પણ, રાધાએ તેમને ના કહી. જ્યારે કૃષ્ણએ રાધાને બે વાર વિનંતી કરી, ત્યારે રાધાએ કહ્યું કે તે છેલ્લીવાર કૃષ્ણને વાંસળી વગાડતા જોવા માંગે છે. વાંસળી લઈને કૃષ્ણ એક સુરીલી ધૂન વગાડવા લાગ્યા. કહે છે કે આટલી દિવ્ય ધૂન પૂર્વે ક્યારેય કોઈએ ન હતી સાંભળી. જ્યાં સુધી રાધા આદ્યાત્મિક રૂપથી કૃષ્ણમાં ન ભળ્યા ત્યાં સુધી દિવસ રાત કૃષ્ણ વાંસળી વગાડતા રહ્યા. વાંસળીની ધૂન સાંભળતા સાંભળતા રાધાએ પોતાનો દેહ ત્યાગી દીધો.
શ્રીકૃષ્ણ જાણતા હતા કે તેમનો પ્રેમ અમર છે. પણ, તેમ છતાં કૃષ્ણ રાધાના મૃત્યુને સહન ન કરી શક્યા. અને અંતમાં પ્રેમના પ્રતિક સમાન વાંસળીને તોડીને કૃષ્ણએ ઝાડીઓમાં ફેંકી દીધી. પ્રચલિત કથા એવી છે કે એ પછી શ્રીકૃષ્ણએ જીવનભર ક્યારેય વાંસળી કે અન્ય કોઈપણ વાદ્ય ન વગાડ્યું.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચો: ભાગ્યને બદલી નાખતા રત્નોના પણ કેટલાક નિયમો છે, ધારણ કરતાં પહેલા યાદ રાખી લો આ ખાસ વાત
આ પણ વાંચો: સોમવારે પરિવાર સાથે કરો આ કામ, આપની દરેક મનોકામનાને પૂર્ણ કરશે ભોળાનાથ