તમે આ વસ્તુ ઘરમાંથી કાઢી કે નહીં ? અક્ષય તૃતીયા પહેલાં અચૂક કરી લો આ કામ !
જો ઘરમાં તૂટેલા વાસણ હોય તો આ વાસણોને ઘરમાંથી (home) બહાર કાઢી દેવા જોઇએ. ઘરમાં રાખેલા તૂટેલા વાસણ વાસ્તુદોષ લાવે છે. તેની નકારાત્મક ઊર્જાને લીધે ઘરમાં કલેશનું વાતાવરણ રહે છે. ધાર્મિક માન્યતા અનુસાર જે ઘરમાં શાંતિ નથી રહેતી, ત્યાં માતા લક્ષ્મીનો વાસ પણ નથી રહેતો.
અક્ષય તૃતીયાને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવાનો અવસર માનવામાં આવે છે. આવતીકાલે આ જ રૂડો અવસર છે. કહે છે કે આ દિવસે કેટલાંક વિશેષ ઉપાય અજમાવીને તમે માતા લક્ષ્મીની વિશેષ કૃપાની પ્રાપ્તિ કરી શકો છો. પરંતુ, શું તમે એ જાણો છો કે માતા લક્ષ્મીની કૃપાને પ્રાપ્ત કરાવનારો આ દિવસ તમારી કેટલીક ભૂલના લીધે દેવીને નારાજ પણ કરી શકે છે ! એટલે કે, તમે જો કેટલીક બાબતોની અવગણના કરો છો, તો અક્ષય તૃતીયા જેવાં શુભ અવસરે પણ માતા લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશવાનું ટાળી દે છે. વાસ્તવમાં, અક્ષય તૃતીયા પૂર્વે કેટલીક વસ્તુઓને ઘરમાંથી બહાર કાઢી દેવી અવિનાર્ય મનાય છે અને તો જ ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે. આવો જાણીએ, કે આખરે આ વસ્તુઓ કઈ છે.
સૂકાયેલ છોડ અને પુષ્પ
જો આપ ધનની દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા ઇચ્છતા હોવ તો અક્ષય તૃતીયા પહેલા સુકાયેલા પાન, છોડ કે પુષ્પને ઘરમાંથી બહાર કાઢી દેવા જોઈએ. આ વસ્તુઓ ઘરમાં વાસ્તુદોષ લાવે છે તેમજ આર્થિક સમૃદ્ધિને અવરોધે છે.
જૂની કે તૂટેલી સાવરણી
દિવાળીની જેમ જ અક્ષય તૃતીયાના દિવસે જૂની સાવરણી બદલવાની માન્યતા પ્રચલિત છે. જો ઘરમાં જૂની અને તૂટેલી સાવરણી હોય તો અક્ષય તૃતીયા પહેલાં તે સાવરણીનો નિકાલ કરી દેવો જોઇએ. માન્યતા અનુસાર ઘરમાં જૂની અને તૂટેલી સાવરણી રાખવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. તેમજ માતા લક્ષ્મી નારાજ થઇને ઘરમાંથી જતા રહે છે !
તૂટેલા વાસણ
જો ઘરમાં તૂટેલા વાસણ હોય તો આ વાસણોને ઘરમાંથી બહાર કાઢી દેવા જોઇએ. ઘરમાં રાખેલા તૂટેલા વાસણ વાસ્તુદોષ લાવે છે. તેની નકારાત્મક ઊર્જાને લીધે ઘરમાં કલેશનું વાતાવરણ રહે છે. ધાર્મિક માન્યતા અનુસાર જે ઘરમાં શાંતિ નથી રહેતી ત્યાં માતા લક્ષ્મીનો વાસ પણ નથી રહેતો. એટલે ધનદાયી અક્ષય તૃતીયા પહેલાં તૂટેલા વાસણોને ઘરની બહાર કરી દેવા જોઈએ.
જૂના તૂટેલા ચંપલ
જો આપના ઘરમાં જૂના તૂટેલા ચંપલ છે તો અક્ષય તૃતીયાના દિવસ પહેલાં જ તેને ઘરમાંથી બહાર કાઢી દેવા જોઈએ. અક્ષય તૃતીયાનો દિવસ એ નવી વસ્તુઓની ખરીદી કરવાનો દિવસ છે. આ દિવસે સુવર્ણના આભૂષણ ખરીદવા શુભ માનવામાં આવે છે. આવા શુભ અવસરે તૂટેલા ચંપલોનું ઘરમાં હોવું બિલકુલ પણ શુભ નથી મનાતું.
કચરા ટોપલી
ઘણાં લોકોને ઘરના મુખ્યદ્વાર પાસે જ કચરા ટોપલી રાખવાની આદત હોય છે. જો આપ પણ ઘરના મુખ્યદ્વાર પાસે કચરા ટોપલી રાખતા હોવ તો તેને ઝડપથી દૂર કરી દો. કહે છે કે માતા લક્ષ્મી મુખ્યદ્વાર પાસે જ કચરા ટોપલી જુએ છે તો ઘરની અંદર પ્રવેશવાનું જ ટાળી દે છે. એટલે, અખાત્રીજના દિવસે તો મુખ્યદ્વાર પર બિલકુલ પણ કચરા ટોપલી ન હોવી જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)