જીવનની દશા અને દિશા બંન્નેને બદલી દેશે ભગવદ્ ગીતા ! જાણો, અત્યંત પવિત્ર ગ્રંથની મહત્તા
મહાભારતનું (Mahabharat) યુદ્ધ શરૂ થાય તે પૂર્વે જ અર્જુનને વિષાદ થયો. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને કર્મ-અકર્મ, ધર્મ-અધર્મની સમજ આપી તેના વિષાદને અને ભ્રમને દૂર કર્યો. કહે છે કે આ ગ્રંથનું અધ્યયન અને અનુસરણ કરવાથી વ્યક્તિની દિશા અને દશા બંને બદલાઇ જાય છે.
હિન્દુ ધર્મમાં ભગવદ્ ગીતાને અત્યંત પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે. સર્વપ્રથમ ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાજ્ઞાન આપ્યું હતું. આ ગ્રંથમાં 18 અધ્યાય છે. આ ભગવદ્ ગીતામાં સંપૂર્ણ જીવનનો સાર છે. ગુજરાતી પંચાંગ અનુસાર માગશર મહિનાના શુક્લ પક્ષની એકાદશીના દિવસે ગીતા જયંતી ઉજવવામાં આવે છે. જે આ વખતે 3 ડિસેમ્બર, શનિવારના રોજ છે. માન્યતા અનુસાર તે આ જ તિથિ હતી કે જે દિવસે શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાજ્ઞાન આપ્યું હતું. ત્યારે આજે આપણે પણ ભગવદ્ ગીતાના મહત્વના ઉપદેશોને જાણીએ.
ભગવદ્ ગીતા પ્રાગટ્ય
મહાભારતનું યુદ્ધ શરૂ થાય તે પૂર્વે જ અર્જુનને વિષાદ થયો. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને કર્મ-અકર્મ, ધર્મ-અધર્મની સમજ આપી તેના વિષાદને અને ભ્રમને દૂર કર્યો. એટલું જ નહીં, જીવનમાં સુખી અને સફળ બનવાનો ઉપદેશ આપ્યો. કહે છે કે શ્રીકૃષ્ણએ અર્જુનને જે દિવસે આ જ્ઞાન આપ્યું, તે દિવસ મોક્ષદા એકાદશીનો હતો. માગશર સુદ એકાદશીની તિથિ જ મોક્ષદા એકાદશી અને ગીતા જયંતી તરીકે ઓળખાય છે. સમગ્ર વિશ્વમાં કોઇપણ ગ્રંથની જયંતી નથી ઉજવાતી. ભગવદ્ ગીતા જ એકમાત્ર એવો ગ્રંથ છે કે જેના પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામાં આવે છે.
ગીતા માહાત્મ્ય
સનાતન ધર્મમાં ભગવદ્ ગીતાને પવિત્ર ગ્રંથ મનાય છે. સર્વપ્રથમ ભગવાન શ્રીકૃષ્ણએ જ તેમના સખા અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું. આ ગ્રંથમાં 18 અધ્યાય છે. તેમાં જીવનનો સંપૂર્ણ સાર દર્શાવવામાં આવ્યો છે. સાથેજ ધાર્મિક, કાર્મિક, સાંસ્કૃતિક અને વ્યવહારિક જ્ઞાન પણ આપવામાં આવ્યું છે. કહે છે કે આ ગ્રંથનું અધ્યયન અને અનુસરણ કરવાથી વ્યક્તિની દિશા અને દશા બંને બદલાઇ જાય છે. સાથે જ વ્યક્તિ મૃત્યુ પછી ભગવાનના ધામની પ્રાપ્તિ કરે છે.
ગીતાના મહત્વના ઉપદેશ !
જીવનના દરેક પથ પર ગીતા માર્ગદર્શક બની શકે છે. પણ, આજે તેના કેટલાંક એવાં ઉપદેશ જાણીએ કે જે સકારાત્મક અને સફળ જીવન જીવવા માટેની જડીબુટ્ટી છે. આ ઉપદેશ નીચે અનુસાર છે.
⦁ ગીતાના ઉપદેશમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે વ્યક્તિએ ક્યારેય પણ વ્યર્થ ચિંતા ન કરવી જોઇએ. દરેક વ્યકિતને એક દિવસ તો મૃત્યુ આવવાનું જ છે. આત્મા ન તો જન્મ લે છે ન તો મૃત્યુ પામે છે. આત્મા અમર છે. એટલે વ્યર્થની ચિંતાથી મુક્ત થઇને કર્મના રસ્તે આગળ વધવું જોઇએ.
⦁ ક્રોધ કરવાથી દરેક પ્રકારના કાર્ય બગડે છે. ગીતાના ઉપદેશમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને સમજાવતા કહે છે કે ક્રોધ કરવાથી વ્યક્તિના પતનનો પ્રારંભ થઇ જાય છે. ક્રોધ કરવાથી ભ્રમની સ્થિતિ સર્જાય છે. ક્રોધ કરવાથી વ્યક્તિ સારા અને ખરાબ પરિણામમાં ફર્ક કરવાનું ભૂલી જાય છે. જેના કારણે મનુષ્યની તર્ક શક્તિ ક્ષીણ થઇ જાય છે અને તે પોતાના નૈતિક પતનના રસ્તા પર આગળ વધવા લાગે છે ! એટલે સૌથી જરૂરી છે ક્રોધનો ત્યાગ કરો.
⦁ ગીતા ઉપદેશમાં કહેવામાં આવ્યું છે કે જો વ્યક્તિ પોતાના મન પર નિયંત્રણ રાખે, સંયમ રાખે એટલે કે મનને પોતાના કાબૂમાં લેતા શીખી લે તો દરેક પ્રકારની મુસીબતો સામે તે આરામથી લડી શકે છે. એટલે મનુષ્યએ દરેક સમય અને સંજોગોમાં પોતાના મન પર નિયંત્રણ રાખવું જોઇએ.
⦁ ગીતામાં ઉપદેશ આપતાં ભગવાન કૃષ્ણ કહે છે કે મનુષ્યએ જ્ઞાન અને કર્મને એક સમાન રાખવા જોઇએ. કર્મ કરતા સમયે ક્યારેય ફળની ચિંતા ન કરવી જોઇએ.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)