પરબ ધામમાં આજે અષાઢી બીજનો મેળો ! જાણો શા માટે અહીં બીજના દર્શનનો છે મહિમા ?
અમર મા અને સત દેવીદાસ (sant devidas) એટલે એવી પુણ્ય આત્માઓ કે જેમણે આજીવન પરબ ધામની પુણ્ય ભૂમિ પર દિન દુઃખિયોની સેવા કરી. જેને જોઈને પણ લોકો સુગ ચઢાવતા તેવાં રક્તપિત્તના દર્દીઓની શુશ્રૂષા કરી. દર્દીઓને રોગથી મુક્તિ અપાવી.

જૂનાગઢના ભેંસાણ તાલુકામાં આવેલું પરબ ધામ એટલે તો શ્રદ્ધાળુઓની પરમ આસ્થાનું ધામ. ભેંસાણના પરબ વાવડી ગામમાં સ્થિત આ પરબ ધામ આમ તો બારેય માસ ભાવિકોની ભીડથી ઘેરાયેલું રહે છે. પરંતુ, અહીં દરેક માસની બીજના દર્શનનો અને એમાંય અષાઢી બીજના દર્શનનો સવિશેષ મહિમા છે. દર અષાઢી બીજે અહીં મેળો લાગે છે. ત્યારે આવો જાણીએ કે અહીં બીજના દર્શનનો આટલો મહિમા શા માટે છે ?
બિરદ અપના પાળતલ, પૂરન કરત સબ આશ, જાકો જગમેં કોઈ નહીં, તા કો દેવીદાસ !
પાવનકારી પરબધામ
પરબધામમાં અત્યંત સુંદર અને ભવ્ય મંદિર શોભાયમાન છે. અને આ મંદિર મધ્યે સત દેવીદાસ અને અમર માનું સમાધિસ્થાન આવેલું છે. અમર મા અને સત દેવીદાસ એટલે એવી પુણ્ય આત્માઓ કે જેમણે આજીવન પરબ ધામની પુણ્ય ભૂમિ પર દિન દુઃખિયોની સેવા કરી. જેને જોઈને પણ લોકો સુગ ચઢાવતા તેવાં રક્તપિત્તના દર્દીઓની શુશ્રૂષા કરી.
દર્દીઓને રોગથી મુક્તિ અપાવી. અને પછી પરબની જ પુણ્ય ભૂમિ પર જીવિત સમાધિ લીધી ! પરબની ભૂમિ પર સત દેવીદાસ અને અમર માના સમાધિસ્થાન ઉપરાંત અન્ય પીરોના પણ સમાધિસ્થાન આવેલા છે. કહે છે કે પરબ ધામમાં આવી કુલ દસ ચેતન સમાધિઓ એટલે કે જીવિત સમાધિઓ છે. અને આ ચેતન સમાધિઓ જ ભૂમિને દિવ્ય ઊર્જા પ્રદાન કરે છે.
અષાઢી બીજનો અવસર
પરબ ધામનો સૌથી મોટો ઉત્સવ એટલે જ અષાઢી બીજનો ઉત્સવ ! વાસ્તવમાં મા અમરબાઈ અને સત દેવીદાસજીએ જે દિવસે જીવિત સમાધિ લીધી તે અવસર અષાઢી બીજનો દિવસ હતો. કહે છે કે તે સમયે નવ નાથ, ચોર્યાસી સિદ્ધ, સપ્તર્ષી અને 52 વીર પણ આ ભૂમિ પર પધાર્યા હતા.
એટલું જ નહીં, તેમણે કોઈપણ રૂપે અષાઢી બીજે આ ધરા પર આવવાનું દેવીદાસજીને વચન આપ્યું હતું ! એ જ કારણ છે કે અહીં અષાઢી બીજના મેળામાં ભાગ લેવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. તો, શ્રદ્ધાળુઓ અહીં દર માસની બીજ ભરવાની માનતા પણ માને છે. કહે છે કે અહીં આસ્થા સાથે આવનારને ક્યારેય નિરાશ થવાનો વારો નથી આવતો.
શ્રીરામ પણ આવ્યા હતા અહીંયા !
રામાયણમાં ઉલ્લેખ છે કે વનવાસ માટે નીકળેલા શ્રીરામચંદ્રજી, જાનકી અને લક્ષ્મણ સાથે સરભંગ ઋષિના આશ્રમે પહોંચ્યા હતા. માન્યતા અનુસાર તે સરભંગ આશ્રમ એટલે જ આજનું આ પરબધામ. દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ આસ્થા સાથે પરબના પીરની શરણે આવે છે અને ધન્યતાની અનુભૂતિ કરે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)